આવી ઘટનાઓમાં વ્યક્તિમાં રહેલી ઇમોશનલ ઇમૅચ્યોરિટી પ્રાઇમ કારણ હોઈ શકે છે જેનાં મૂળ છે તેના બાળપણમાં. બાળપણથી જ પેરન્ટ્સ સાથે સંવાદ ન રહ્યો હોય`
સોનમ અને રાજા રઘુવંશી
ઇન્દોરના રાજા રઘુવંશીના પરિવારથી લઈને સોશ્યલ મીડિયા પર ઘણાએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે. તમારા મનમાં પણ મેઘાલયમાં હનીમૂન પર ગયેલા કપલમાં પત્નીએ પોતાના પ્રેમી સાથે પતિને પતાવી દીધાની ઘટના વિશે જાણીને આ વિચાર આવ્યો હશે. કેમ સોનમ કે તેના જેવી મહિલાઓ જેમના પર પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે તેમણે આ વિચાર નહીં કર્યો હોય? એવી કઈ માનસિકતા હશે જેના કારણે મર્ડર કરવાની હિંમત તેમનામાં આવી ગઈ પણ પતિને છોડીને ગમતા પાત્ર સાથે રહેવાની હિંમત ન આવી? આ પ્રશ્નના જવાબ મેળવવા મનોચિકિત્સા અને ક્રિમિનલ સાઇકોલૉજીના અભ્યાસુઓ સાથે અમે વાત કરી, જેનાં તારણો પ્રસ્તુત છે

ADVERTISEMENT
સૌરભ અને મુસ્કાન
દીકરીની નહીં, હવે દીકરાની ચિંતા થાય છે એવું તાજેતરમાં એક વડીલે કહ્યું જે સમાજમાં બનેલી ઘટનાઓએ આમ વ્યક્તિના મનમાં પાડેલો પ્રભાવ દર્શાવે છે. છેલ્લા થોડાક અરસામાં નહીં-નહીં તો આઠથી દસ એવી ઘટના બની જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધો. મેઘાલયમાં હનીમૂન પર ગયેલી પત્નીએ બેરહમીથી પતિને મારવાનો પ્લાન બનાવ્યો એ ઘટનાની ચર્ચા તો હજી થઈ જ રહી છે ત્યાં જ સાઉથના કર્ણાટકથી એક ખબર આવ્યા કે ચૈત્રા નામની એક મહિલાએ પોતાનું અફેર છુપાવવા પતિ ગજેન્દ્ર, સાસરિયાં અને પોતાનાં બાળકો સુધ્ધાંને ઝેર ખવડાવી દીધું. મેરઠમાં પતિના ટુકડા કરીને પીપડામાં તેની લાશને સંતાડીને ઉપર સિમેન્ટથી કવરઅપ કરનારી અને પછી બૉયફ્રેન્ડ સાથે હિમાચલ ફરવા નીકળી ગયેલી મુસ્કાન રસ્તોગીનો કિસ્સો પણ તમને યાદ જ હશે. હવે તો સોશ્યલ મીડિયા પર કૉમેડી-આર્ટિસ્ટ દ્વારા પતિ-પત્નીના જોક્સમાં પત્નીનો ખૌફ રાખવો જોઈએ જેવા ટોન સાથે પીપડા અને ટ્રોલી બૅગનો હાસ્ય ઉપજાવવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. મુદ્દો ગંભીર છે. સામાજિક ઢાંચા પર પ્રહાર કરનારો છે. વાત જેન્ડર પર આવી છે. પત્નીઓ થકી પતિના મર્ડરની હારબંધ ઘટનાઓએ લોકોને અચંબિત કર્યા છે. પરંતુ આવું શું કામ થાય છે? સ્ત્રીઓને મળેલી અતિસ્વતંત્રતાનું આ પરિણામ છે કે સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટને કારણે મળેલું એક્સપોઝર જવાબદાર છે? જે સ્ત્રીને હંમેશાં નર્ચરર તરીકે જોવાઈ છે, જેને પ્રકૃતિએ જ પોષણકર્તા તરીકે ઘડી છે તે પોતાના જ પતિનું પ્રેમી સાથે રહેવા માટે મર્ડર કરવાની હિંમત દેખાડે. બુદ્ધિપૂર્વક મર્ડરનો ફુલપ્રૂફ પ્લાન ઘડનારી એ સ્ત્રીઓને એટલી અક્કલ નહીં હોય કે આ મર્ડરની તપાસમાં પોતે પકડાઈ જશે અને પ્રેમી સાથે રહેવાનાં સપનાં આમેય રોળાઈ જશે? અને સૌથી વધારે જે પ્રશ્ન આજે દરેકના મોઢા પર છે કે જે સ્ત્રી પતિને મારવાની હિંમત દેખાડી શકે તે સામાજિક બંધનોની પરવા કર્યા વિના પોતાના ગમતા પાત્ર સાથે રહેવાની હિંમત કેમ ન દેખાડી શકે? શું છે આ સમસ્યાના મૂળમાં? ચાલો જાણવાના પ્રયાસ કરીએ.
માય લાઇફ, માય રૂલ્સ
જ્યારે વ્યક્તિ પોતે પોતાને જ અને પોતાની ખુશીને પ્રાયોરિટીમાં રાખતી થઈ જાય ત્યારે આ પ્રકારની હરકત કર્યા પછી શું થશે એના વિચાર ગૌણ બની જાય છે. દસ વર્ષથી પ્રૅક્ટિસ કરતાં સાઇકોલૉજિસ્ટ ડૉ. અલિશા લાલજી અત્યારની બદલાઈ રહેલી માનસિકતાની વાત કરતાં કહે છે, ‘લોકો લાંબું વિચારી નથી રહ્યા એ હકીકત છે. ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એટલે કે તરત ને તરત મને જેમાંથી ખુશી મળવાની હોય એ કરો અને એના માટે જે કરવું પડે એ કરો. ટેમ્પરરી ફ્રીડમ અને હૅપીનેસ માટે કોઈ પણ હદ સુધી લોકો જઈ શકે છે એવો માહોલ છે. પોતાની ખુશી, પોતાનું દુઃખ એ જ મહત્ત્વનું અને બાકી બધું જ નકામું. મર્ડર ગુનો છે અને એ કર્યા પછી પકડાશે તો પોતે પણ તકલીફમાં મુકાઈ શકે છે એ કૉમન સેન્સની વાત હોવા છતાં જ્યારે ‘હું’, ‘મારું’વાળો ભાવ સ્ટ્રૉન્ગ હોય ત્યારે એના પર ફોકસ નથી કરી શકતા. બીજી વાત, કોઈકને મારવું એ ખૂબ મોટી વાત છે. નૉર્મલ બ્રેઇનવાળી વ્યક્તિ આવું ક્યારેય નહીં કરે : કાં તો મેન્ટલી સિક હોય અથવા પોતાને હાઇલી ઇન્ટેલિજન્ટ ગણતી વ્યક્તિ હોય જેને એમ જ લાગે કે પોતે એટલી સ્માર્ટ્લી બધું કરશે કે છટકી જશે અને કોઈને ખબર જ નહીં પડે, પોતાની બુદ્ધિ પર મુસ્તાક હોય કે કોઈ તેના આ ગુના સુધી પહોંચી નહીં શકે અને સમાજમાં તેને સિમ્પથી પણ મળશે. ધારો કે તે મારવાને બદલે છોડવાનો વિચાર કરે તો સમાજ તેના પર થૂ-થૂ કરે. તેણે પારિવારિક દબાણમાં આવીને લગ્ન કર્યાં અને પછી લગ્ન તોડે તો બધા જ તેને ધિક્કાર સાથે જુએ. પ્રેમી સાથે સુખેથી જીવવું હોય તો પતિને અકસ્માતમાં મરાવી દો અને પછી ધીમેકથી દુનિયાની સિમ્પથી વચ્ચે પ્રેમી જોડે રહેવા માંડો. આવી માનસિકતા હોઈ શકે છે.’\

ચૈત્રા અને ગજેન્દ્ર.
રાતોરાત નથી થતું
મેં જોયા છે એવા કેસ જેમાં પૈસા માટે ઍક્સિડન્ટ કરાવ્યો હોય, પરંતુ એ સ્થિતિ રાતોરાત નથી આવતી એમ જણાવીને અલિશા કહે છે, ‘આટલા એક્સ્ટ્રીમ કેસ નથી આવ્યા પરંતુ ઘરમાં પેરન્ટ્સ સાથે દુર્વ્યવહાર કરતાં હોય અને પછી ચોરી કરતાં થાય કે તેમના પર હાથ ઉપાડતાં થાય કે તેમને સિરિયસ ઇન્જરી થાય એ સ્તર પર જતાં સંતાનો મારી પાસે આવ્યાં છે. એક વાત યાદ રાખજો, આમાંનું કંઈ રાતોરાત નથી થતું. પહેલાં નાની-નાની વસ્તુ શરૂ થાય. એને જો સમયસર ટ્રીટ ન કરવામાં આવે તો મોટી ઘટના પર આવીને વાત અટકે. તમારા બાળકને ઑબ્ઝર્વ કરો અને જાણો અને જરૂર પડે તો નિષ્ણાતની સલાહ લો. હું ખાતરી સાથે કહું છું કે ધારો કે સોનમ પર જે આક્ષેપ મુકાયા છે એ સાચા હોય તો તેણે આ અંતિમ પગલું લેતાં પહેલાં ઘણી રીતે બીજા વ્યવહાર થકી પોતાનો વિરોધ નોંધાવ્યો જ હશે. એમાં તેનું ધાર્યું નહીં થયું હોય. તેના પરિવારે ત્યારે તેને સમજવાની અથવા સરખી રીતે સમજાવવાની તસ્દી ન લીધી અને તેની અંદર રહેલો આક્રોશ આ અંતિમ પગલાથી બહાર આવ્યો. એક સમય આવે જ્યારે ડરનો ડર નીકળી જાય. હું કંઈ પણ કરી શકું એ દેખાડવા માટે કેટલાંક ક્રૂર પગલાં વ્યક્તિ લઈ લે.’
ઇમોશનલ ક્વોશન્ટનો અભાવ
ક્રિમિનોલૉજીના અભ્યાસુ અને કૉલેજમાં મનોચિકિત્સા વિષય ભણાવતા અસોસિએટ પ્રોફેસર શ્વેતાંગ ત્રિવેદી કહે છે, ‘આવી ઘટનાઓમાં વ્યક્તિમાં રહેલી ઇમોશનલ ઇમૅચ્યોરિટી પ્રાઇમ કારણ હોઈ શકે છે જેનાં મૂળ છે તેના બાળપણમાં. બાળપણથી જ પેરન્ટ્સ સાથે સંવાદ ન રહ્યો હોય. પોતાના પ્રશ્નો અને પોતાના અણગમાની બાબતમાં મા-બાપ થકી ભાવનાત્મક સપોર્ટ ન મળ્યો હોય ત્યારે ધીમે-ધીમે એક રિબેલિયસપણું ડેવલપ થાય. મને ના પાડો છોને તો હું એ મેળવીને જ રહીશ. ક્યારેક આ રિબેલિયસપણું સોશ્યલ હિતમાં જાય તો ક્યારેક ઍન્ટિ-સોશ્યલ બને. અત્યારે જે સમાચારોમાં વાતો આવી રહી છે એમાં ક્યાંક આ રિબેલિયસ બિહેવિયર હોવાની વાત બંધ બેસે છે. સોનમે તેની મમ્મીને કહ્યું કે તું મને બળજબરીથી લગ્ન કરાવે છેને, હવે જો હું શું કરું છું રાજા સાથે… આવું ક્યાંક મેં વાંચ્યું. આ દેખાડી દેવાની માનસિકતા વ્યક્તિમાં રહેલું રિબેલિયસપણું દેખાડે છે. મહિલાઓને ઘણા સમય સુધી દબાયેલી રાખવામાં આવે, તેના પર પાર વગરનાં બંધનો લાદવામાં આવે અને પછી તે પોતાની રીતે છુટકારો મેળવવા અથવા તો પોતાના પર થયેલાં તમામ નિયંત્રણોયુક્ત દબાણનો એકઝાટકે જવાબ આપવા તત્પર બનતી હોય એવા કિસ્સાઓ સાંભળ્યા છે. આ અવસ્થા જીવલેણ ત્યારે બને છે જ્યારે કોઈ સ્ત્રીને માંડ ઇમોશનલી કે ફિઝિકલી હૂંફનો અનુભવ થયો હોય અને એ પાત્રથી પણ તેને દૂર કરવાના પ્રયાસ થાય ત્યારે તે ઇમોશનલી ફેટલ બની શકે. એટલે પછી તે પોતાને નડતા લોકોને ખતમ કરવા સુધી પહોંચી શકે એવું કેટલાક કિસ્સામાં જોયું છે. મને તેનો ટચ પણ પસંદ નથી એવું સોનમ પોતાના બૉયફ્રેન્ડને મેસેજથી કહે છે એ દર્શાવે છે કે પહેલા જ દિવસથી આ સંબંધથી તે ખુશ નથી, પણ તેના પર બળજબરી થઈ છે અને બળજબરીનો બદલો લેવા માટે તે એ વ્યક્તિને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય લે છે જેનાથી તેના પર બળજબરી કરનારાં તેનાં માતાપિતા પણ સીધાં થઈ જશે એવું વિચારે છે. આ સાઇકોટિકનાં લક્ષણો છે.’
અઢળક કેદીઓ સાથે કાઉન્સેલિંગ સેશન કરી ચૂકેલા નિષ્ણાત કહે છે...
ક્રિમિનોલૉજીના અભ્યાસુ, સામાજિક કાર્યકર્તા અને તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ અંતર્ગત ચાલતા કેદીઓ માટે કામ કરતી સંસ્થા ‘પ્રયાસ’ના પ્રોજેક્ટ ડિરેક્ટર પ્રોફેસર વિજય રાઘવન કહે છે, ‘સોનમ રઘુવંશીના કેસમાં શું થયું હશે એના કોઈ પણ સવાલનો જવાબ અત્યારે આપવો કઠિન છે, કારણ કે અત્યારે તમારી સામે જે નરેટિવ બહાર આવી રહ્યું છે એ પોલીસ દ્વારા અપાયેલી માહિતીના આધારે છે. સોનમનો પક્ષ બહાર આવ્યો જ નથી. પોલીસ પોતાને અનુકૂળ હોય એવી જ માહિતી બહાર આપશે. સાચી હકીકત જ્યારે ત્રણ-ચાર વર્ષ સુધીમાં કોર્ટમાં તેની ટ્રાયલ શરૂ થશે પછી બહાર આવશે. અત્યારના મીડિયામાં ચાલેલી માહિતીમાં સોનમને ગુનેગાર કરાર કરી દેવામાં આવી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે પુરાવાના આધારે પોલીસનું માનવું છે કે સોનમ જ ગુનેગાર છે, પરંતુ કોર્ટની કાર્યવાહીમાં તે ગુનેગાર સાબિત નથી થઈ. એટલે કથિત ગુનેગાર તરીકે વિલન તરીકે ચીતરવામાં આવેલી સોનમ ખરેખર ગુનેગાર છે કે નહીં અને તેણે કઈ માનસિકતામાં આ કર્યું એ કહેવું મુશ્કેલ છે, પરંતુ છેલ્લાં વીસ-પચીસ વર્ષના જેલના કેદીઓ સાથેના અને તેમના કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળેલી સિક્કાની બીજી બાજુની માહિતીઓના આધારે કેટલીક માહિતી તમારી સાથે ચોક્કસ શૅર કરીશ.’
ગુનામાં આજકાલ હવે મહિલાઓ વધુ સક્રિય થઈ છે અને સોશ્યલ મીડિયા અને મીડિયા પર જેન્ડર-વૉર શરૂ થઈ છે એનો જવાબ આપતાં વિજય રાઘવન કહે છે, ‘અત્યારે પણ જો પુરુષ અને સ્ત્રીના ગુનાના રેશિયોની વાત કરીએ તો વધુમાં વધુ ચાર ટકા મહિલા ગુનેગારો છે જે જેલમાં છે અને ૯૬ ટકા કેદીઓ પુરુષ છે. એટલે ક્રાઇમમાં જેન્ડરની વાત આવે ત્યારે પુરુષોની સામે મહિલાઓનો રેશિયો ખૂબ જ ઓછો છે. બીજું, જ્યારે પણ મહિલાઓના ક્રાઇમ-કેસને સ્ટડી કર્યા છે ત્યારે એક વાત સમજાઈ છે કે મોટા ભાગે મહિલાઓના ક્રાઇમમાં પુરુષો સામેલ હોય છે જે સોનમના કેસમાં પણ જોયું અને આના પહેલાંના કેસમાં પણ આપણે જોઈ ચૂક્યા છીએ. બીજી એક વાત જે અમારા ઑબ્ઝર્વેશનમાં આવી છે કે મહિલાઓના ક્રાઇમમાં મોટા ભાગે પહેલાં ખૂબ વધારે શોષણ થયું હોય અથવા તેને દબાવવામાં આવી હોય પછી તે ક્રાઇમ થકી પોતાનો આક્રોશ કાઢે એ વસ્તુ કૉમનલી અમે જોઈ છે. પુરુષપ્રધાન સમાજમાં આ વિશેષ છે. મહિલાઓના કેસમાં તો મોટા ભાગે એવું જોયું છે કે આજની ગુનેગાર ગઈ કાલની વિક્ટિમ રહી છે. બીજું, મહિલાઓ જ્યારે ક્રાઇમમાં સંડોવાય છે અને જેલમાં જાય છે તો તેને જલદી બેઇલ નથી મળતી. તેને તેનો પરિવાર પણ બરતરફ કરી દે છે, જે પુરુષોના કેસમાં નથી થતું.’
આ જ વાતને આગળ વધારતાં સોશ્યલ વર્કર અને જેલના કેદીઓના કાઉન્સેલિંગ અને રિફૉર્મના કામ સાથે સંકળાયેલી અરુણા નિમ્ે કહે છે, ‘મોટા ભાગની મહિલાઓના ક્રાઇમમાં ઘરેલુ હિંસા અથવા તેના પર લાદવામાં આવેલું અતિલેવલનું પ્રેશર જ ક્રાઇમ તરફ ધકેલે છે. ઘણી વાર મહિલાઓ મેન્ટલી હૅરૅસ્ડ હોય અને એક્સ્ટ્રા-મૅરિટલના ચક્કરમાં ફસાય અને પછી પર્મનન્ટ ત્રાસમાંથી છુટકારો મેળવવા પોતાના અફેર-પાર્ટનર સાથે જ પતિથી છૂટવા આ પગલું ભરતી હોય છે. આ વાત કરીને અમે ગુનેગારનો પક્ષ નથી લઈ રહ્યા પરંતુ ગુના પાછળના સંજોગો અને માનસિકતા તરફ સૂચન કરી રહ્યા છીએ. અમે એવા પણ કેસિસ જોયા છે જેમાં હસબન્ડ ચીટિંગ કરતો હોય અથવા દારૂમાં પૈસા ઉડાવતો હોય અને મહિલા તેને મારી નાખે.’


