સરકે ચુનર તેરી સરકે ગીત પરના પ્રતિબંધ વિશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું...
અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય માહિતી અને પ્રસારણપ્રધાન અશ્વિની વૈષ્ણવે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સામાજિક જવાબદારી વચ્ચેના સંતુલન પર ભાર મૂકતાં મોટું નિવેદન આપ્યું છે. તાજેતરમાં વિવાદમાં આવેલા ‘સરકે ચુનરી’ ગીત પર લાદવામાં આવેલા પ્રતિબંધની પુષ્ટિ કરતાં તેમણે જણાવ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા નિરપેક્ષ હોઈ શકે નહીં, એ સમાજ અને સંસ્કૃતિના મર્યાદિત સંદર્ભમાં હોવી જોઈએ.
એક કાર્યક્રમ દરમ્યાન બોલતાં કેન્દ્રીય પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે સરકાર સર્જનાત્મકતા અને કલાની વિરોધી નથી, પરંતુ જ્યારે સામગ્રી સામાજિક શિષ્ટાચારની મર્યાદા ઓળંગે અથવા સાંસ્કૃતિક ભાવનાઓને ઠેસ પહોંચાડે ત્યારે હસ્તક્ષેપ કરવો જરૂરી બને છે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ કલા કે ગીત જે સમાજના નૈતિક પતનને પ્રોત્સાહન આપે અથવા અશ્લીલતા ફેલાવે એને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ચલાવી લેવાય નહીં.
ADVERTISEMENT
‘સરકે ચુનર તેરી સરકે’ ગીતના શબ્દો અને એના ફિલ્માંકન સામે સોશ્યલ મીડિયા અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ ગીતને અશ્લીલ અને ભારતીય સંસ્કૃતિને નુકસાન પહોંચાડનારું ગણાવવામાં આવ્યું હતું. વ્યાપક જાહેર વિરોધ અને ફરિયાદોને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ ગીત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
અશ્વિની વૈષ્ણવે વધુમાં ઉમેર્યું હતું કે ‘ડિજિટલ યુગમાં સામગ્રી ખૂબ ઝડપથી લોકો સુધી પહોંચે છે, ખાસ કરીને બાળકો અને યુવાનો પર એની ઊંડી અસર પડે છે. તેથી પ્લૅટફૉર્મ્સ અને સર્જકોએ વધુ જવાબદાર બનવાની જરૂર છે. લોકશાહીમાં અધિકારોની સાથે કર્તવ્યો પણ જોડાયેલાં હોય છે અને સામાજિક તાણાવાણાને જાળવી રાખવા એ દરેક નાગરિક અને સર્જકની સામૂહિક જવાબદારી છે.’
