બાવીસમી સપ્ટેમ્બરે ફરીથી લૅન્ડર અને રોવર કામ કરતું થઈ જશે એવી ઇસરોના વૈજ્ઞાનિકોને આશા, માણસોને ચંદ્ર પર મોકલવા માટે જરૂરી હૉપ ટેસ્ટ સફળ
૨૫ ઑગસ્ટે વિક્રમ લૅન્ડરની પોઝિશન
બૅન્ગલોર : ઇસરોએ ગઈ કાલે કહ્યું હતું કે વિક્રમ લૅન્ડરને સ્લીપ મોડમાં મૂકતાં પહેલાં એની હૉપ ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં એને ફરીથી ચંદ્રની ધરતી પરથી સહેજ ઉપર લઈ જઈને ફરીથી લૅન્ડ કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ એના તમામ પેલોડને સ્વિચ્ડ-ઑફ કરી દેવામાં આવ્યા છે. ઇસરોએ કહ્યું હતું કે ‘હૉપ ટેસ્ટ મહત્ત્વની હતી, કારણ કે ભવિષ્યમાં ઇસરો ચંદ્ર પર માણસોને પણ મોકલવા માગે છે. એથી એની યોજનામાં આ હૉપ ટેસ્ટ મહત્ત્વની સાબિત થશે. ગઈ કાલે સવારે ૮ વાગ્યે વિક્રમ લૅન્ડરને સ્લીપ મોડમાં મૂકી દેવામાં આવ્યું છે. હૉપ ટેસ્ટમાં લૅન્ડરના એન્જિનને શરૂ કરીને એને ચંદ્રની સપાટી પરથી ૩૦થી ૪૦ સેન્ટિમીટર સુધી ઊંચે લઈ જવામાં આવ્યું હતું. ત્યાર બાદ એને ફરીથી નીચે લાવવામાં આવ્યું હતું. આમ વિક્રમ લૅન્ડરે એની તમામ કામગીરીને સફળતાપૂર્વક પાર પાડી હતી.
ચંદ્રની સપાટી પરના સાઉથ પોલ પર ફરી સૂર્યપ્રકાશ ન આવે ત્યાં સુધી વિક્રમ લૅન્ડર અને પ્રજ્ઞાન રોવર હવે પાવર ઑફ મોડમાં છે. બાવીસમી સપ્ટેમ્બરની આસપાસ એને ફરીથી શરૂ કરવામાં આવશે અને એ શરૂ થશે એવી વૈજ્ઞાનિકોને આશા છે. ચંદ્રયાને ૨૩ ઑગસ્ટે ચંદ્રની સપાટી પર ઊતર્યા બાદ તમામ નિર્ધારીત પ્રયોગો ચંદ્રના એક દિવસ એટલે કે પૃથ્વીના ૧૪ દિવસ સુધી કર્યા હતા. ચંદ્રની સપાટી પર ટૂંક સમયમાં તાપમાન ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. પેલોડ્સ આટલા નીચા તાપમાનનો સામનો કરી શકે નહીં એથી એને સ્લીપ મોડમાં મૂકી દેવામાં આવ્યા છે. જોકે હૉપ પ્રયોગને કારણે ઇસરો ચંદ્રની સપાટીના નમૂનાઓ વધુ અભ્યાસ માટે પૃથ્વી પર લાવી શકે છે. જો ફરીથી રોવર અને લૅન્ડર ચાલુ થશે તો ઇસરો એ તમામ પ્રયોગો હાથ ધરશે જે એણે અગાઉના દિવસોમાં કર્યા હતા.
ADVERTISEMENT

