સોશ્યલ મીડિયા પર મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનથી લઈને વાઇલ્ડલાઇફ પ્રેમીઓએ સૌમ્યતા, સહનશક્તિ, સાદગીની મિસાલસમાન વત્સલાને શ્રદ્ધાંજલિ આપી હતી.
હાથણી વત્સલા
મધ્ય પ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વમાં મંગળવારે રાતે હાથણી વત્સલાએ આ દુનિયાને અલવિદા કરી દીધી. એની ઉંમર ૧૦૦ વર્ષને પાર કરી ગયેલી. એવું કહેવાતું હતું કે એની ઉંમર લગભગ ૧૦૯ વર્ષ જેટલી છે. આમ એ એશિયાની સૌથી વયસ્ક હાથણી હતી.
સોશ્યલ મીડિયા પર મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનથી લઈને વાઇલ્ડલાઇફ પ્રેમીઓએ સૌમ્યતા, સહનશક્તિ, સાદગીની મિસાલસમાન વત્સલાને શ્રદ્ધાંજલિ આપી હતી.
ADVERTISEMENT
વત્સલાના અંતિમ શ્વાસને કારણે પન્ના ટાઇગર રિઝર્વમાં એક યુગનો અંત આવ્યો. કેરલાનાં જંગલોમાં એની જિંદગી શરૂ થયેલી અને ૧૯૭૧માં નર્મદાપુરમ થઈને વત્સલા પન્ના રિઝર્વ સુધી પહોંચી હતી. અહીં એ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર તો હતી જ, પરંતુ હાથીઓના ઝુંડમાં પણ દાદીમા અને નાનીમાના સ્વરૂપમાં લાડલી હતી. જ્યારે પણ કોઈ માદા હાથીએ બાળકને જન્મ આપ્યો ત્યારે વત્સલા હંમેશ એના પડખે રહીને મદદ માટે આગળ રહેતી હતી. એની મમતા અને કાળજીએ અનેક હાથીબાળોને નવજીવન બક્ષ્યું છે.
ઉંમરને કારણે છેલ્લા કેટલાક સમયથી એની દૃષ્ટિ ચાલી ગઈ હતી, એને કારણે એને હરવા-ફરવામાં તકલીફ થતી હતી. એના આગળના પગના નખમાં ગંભીર ઈજા થઈ હોવાથી એ બહુ ઊભી પણ નહોતી રહી શકતી. એ પછી પણ વનવિભાગના કર્મચારીઓ સાથે એ રોજ ખેરૈયા તળાવ સુધી નાહવા જતી, ગરમ દલિયા ખાતી હતી. મંગળવારે સવારે એ નાહીધોઈને એક જગ્યાએ બેઠી એ પછી કદી ઊઠી ન શકી. મુખ્ય પ્રધાન મોહન યાદવે દુ:ખ જતાવતાં કહ્યું હતું કે એ માત્ર હાથણી નહોતી, એ આપણાં જંગલોની મૂક-સંરક્ષક અને દરેક પેઢીની સખી હતી.

