ભારત અમેરિકાનો સૌથી નજીકનો અને સૌથી વિશ્વસનીય સંરક્ષણ ભાગીદાર છે. અમેરિકા ભારતને વિશ્વકક્ષાનાં સંરક્ષણ સાધનો પૂરાં પાડવા માગે છે
ગઈ કાલે જયપુરમાં પત્ની અને બાળકો સાથે જે. ડી. વૅન્સ.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વૅન્સ પરિવાર સાથે ગઈ કાલે જયપુરમાં હતા. તેઓ આમેર કિલ્લો જોવા ગયા હતા, જ્યાં વિદેશી મહેમાનોનું અલગ અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આમેરમાં વૅન્સ-ફૅમિલીએ રાજસ્થાની સંસ્કૃતિની ઝલક જોઈ અને ત્યાર બાદ આમેર મહેલ, શીશમહલ, પન્ના-મીના કુંડ અને અનોખી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.
જયપુરના રાજસ્થાન ઇન્ટરનૅશનલ સેન્ટરમાં જે. ડી. વૅન્સે કહ્યું હતું કે ‘ભારતમાં મારી પત્ની ઉષા મારા કરતાં વધુ મોટી સેલિબ્રિટી બની ગઈ છે. ભારત વર્લ્ડ ક્લાસ લેબરનો સોર્સ છે. અમેરિકાનું ઍડ્મિનિસ્ટ્રેશન ટ્રેડ પાર્ટનરશિપ કરવા ઇચ્છે છે, જે સંતુલિત હોય. ટીકાકારો ટ્રમ્પની ટૅરિફ પૉલિસીની ટીકા કરે છે કે ટ્રમ્પે વેપારયુદ્ધ શરૂ કરી દીધું, પણ આ હકીકત નથી. તેમણે સમાન વેપારનો માહોલ બનાવ્યો છે. ભારત અમેરિકાનો સૌથી નજીકનો અને સૌથી વિશ્વસનીય સંરક્ષણ ભાગીદાર છે. અમેરિકા ભારતને વિશ્વકક્ષાનાં સંરક્ષણ સાધનો પૂરાં પાડવા માગે છે. અમે ભારતને પાંચમી પેઢીનું F-35 ફાઇટર પ્લેન આપવા માગીએ છીએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મને પહેલાં જ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક કઠોર નેગોશિએટર છે.’

