Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આર્થિક વિકાસનું કમિટમેન્ટ

આર્થિક વિકાસનું કમિટમેન્ટ

Published : 24 July, 2024 01:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે રજૂ કરેલું બજેટ ભારતની વિકાસયાત્રાને આગળ લઈ જવાનું લક્ષ્ય ધરાવે

નીલેશ શાહ

Budget Special

નીલેશ શાહ


નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે રજૂ કરેલું બજેટ ભારતની વિકાસયાત્રાને આગળ લઈ જવાનું લક્ષ્ય ધરાવે છે. આર્થિક વિકાસ સાથે વિવિધ વર્ગોને કેન્દ્રમાં રાખીને અનેકવિધ પગલાં જાહેર કરવામાં આવ્યાં છે જેમાં ખાસ કરીને યુવા વર્ગ, ખેડૂત વર્ગ, મહિલા વર્ગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર તથા રોજગાર  સર્જન પર વિશેષ ભાર મુકાયો છે. આ સાથે નાણાપ્રધાને ફિસ્કલ કન્સોલિડેશનના માર્ગે આગળ  વધવા પર પણ ધ્યાન આપ્યું છે. આને પગલે ભારતનું રેટિંગ અપગ્રેડ થાય એવી આશા રાખી શકાય


આ વખતનું બજેટ ભારતીય અર્થતંત્રને વિકાસની દિશામાં સતત આગળ લઈ જતું અને પ્રગતિશીલ નીતિઓ તેમ જ લક્ષ્ય ધરાવતું બજેટ છે. આ બજેટમાં રોજગાર-સર્જન વધારનારી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપનારી, કૃષિ ક્ષેત્રને સપોર્ટ કરનારી અને કરમાળખાને સરળ બનાવનારી નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. બજેટનાં તમામ પગલાં આર્થિક વિકાસને વેગ આપવાની સાથે-સાથે ફાઇનૅન્શિયલ ઇકોસિસ્ટમને વિસ્તારવાનો, રોજગાર-સર્જન પર જોર આપવાનો, કૃષિ તેમ જ માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME)ને સપોર્ટ આપવાનો અભિગમ ધરાવે છે. આની ભારતીય અર્થતંત્ર તેમ જ મૂડીબજાર પરની અસર સમજવી રસપ્રદ રહેશે.



રોજગાર અને કૌશલ્યવિકાસ


યુવા વર્ગને રોજગારની તકો સતત મળતી રહે અને સ્કિલ ડેવલપમેન્ટ (કૌશલ્યવિકાસ) પર બજેટે જબરદસ્ત ભાર મૂક્યો છે. નાણાપ્રધાને આ માટે બે લાખ કરોડ રૂપિયા જેવી જંગી રકમ ફાળવીને રોજગાર-સર્જન તેમ જ સ્કિલ ડેવલપમેન્ટને સપોર્ટ કરતી પાંચ યોજના તૈયાર કરી છે. કોઈ યુવાન પ્રથમ વાર ઔપચારિક ક્ષેત્રે નોકરીમાં જોડાય અને એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન (EPFO)નો ભાગ બને ત્યારે તેને સરકાર તરફથી પ્રોત્સાહન રકમ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત બજેટે કૉર્પોરેટ સેક્ટરને તેમના કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) ભંડોળમાંથી એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ આપવા માટે પ્રોત્સાહન આપવાનું કહ્યું છે. આમ, સરકારનો ઉદ્દેશ રોજગાર ઊભા કરવા સાથે રોજગાર માટેનું કૌશલ્ય કે પાત્રતા આપવાનો પણ છે. સરકાર દેશમાં ૧૦૦૦ તાલીમ-સંસ્થાઓ સ્થાપવા માગે છે અને મહિલાઓને વર્કફોર્સમાં સામેલ કરવા માગે છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનું કમિટમેન્ટ


નાણાપ્રધાને રોડ, પાવર, હાઉસિંગ અને ડિફેન્સ સહિતનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને વેગ આપવાનું કમિટમેન્ટ જાળવી રાખ્યું છે અને આ માટે તેમણે ૧૫ લાખ કરોડ રૂપિયા જેટલું વિરાટ ભંડોળ ફાળવ્યું છે જે ગયા વરસ કરતાં ૧૪ ટકા જેટલું વધુ છે. રોડવિકાસ પર ધ્યાન આપવાથી કનેક્ટિવિટી વધે, કનેક્ટિવિટી વધવાથી લૉજિસ્ટિક કોસ્ટ ઘટે અને પરિણામે એકંદરે આર્થિક કાર્યક્ષમતા વધે.

સરકાર અણુઊર્જા પ્લાન્ટ્સ સ્થાપવાના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરવા ચાહે છે જેમાં મોટા-નાના બધા કદના પ્લાન્ટ્સ હશે. આ ઉપરાંત, સૌરઊર્જા અને પવનઊર્જા જેવી રિન્યુએબલ એનર્જી પર તો ફોકસ છે જ. દેશમાં રૂફટૉપ સોલર સ્કીમ્સને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સરકાર વધુ ને વધુ લાભાર્થીઓને એમાં આવરી લેવા માગે છે. હાલમાં એક કરોડ ઘર આનો લાભ મેળવી રહ્યાં છે જેને વધારવાનું લક્ષ્ય છે. આ યોજના હેઠળ સરકાર મહિનાદીઠ ૩૦૦ યુનિટ્સ સુધીની વીજળી વિનામૂલ્ય મળી રહે એવી વ્યવસ્થા કરી આપે છે. મેક ઇન ઇન્ડિયાના લક્ષ્ય સાથે ડિફેન્સ સેક્ટર માટે બજેટમાં ગયા વરસ કરતાં નવ ટકા વધુ ફન્ડની ફાળવણી કરાઈ છે.

કૃષિ પર વિશેષ ધ્યાન

બજેટમાં કૃષિ ક્ષેત્ર તેમ જ અલાઇડ સેક્ટર્સ માટે ૧.૫૨ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે જેના મારફતે સરકાર ચાહે છે કે કૃષિ ઉત્પાદન વધે અને ખેડૂતોની આવક પણ વધે. આ ઉપરાંત સંબંધિત સેક્ટર જેવા કે ​શ્રિમ્પ ફાર્મિંગને પ્રોત્સાહન આપવાનો અને ક્લાઇમેટ રેઝિસ્ટન્ટ પાર્ક માટે સંશોધન-વિકાસ વધારવાનો પણ ઇરાદો ધરાવે છે. સરકાર ખાદ્ય તેલોનું ઉત્પાદન વધારીને આ મામલે દેશને આત્મનિર્ભર બનાવવા ભંડોળ ફાળવી રહી છે.

કરદાતાઓ માટેના ફેરફારો

નાણાપ્રધાને નવી કરપ્રણાલી હેઠળ આવકવેરાના નવા સ્લૅબ નક્કી કર્યા છે જેને પગલે કરદાતાઓને એકંદરે ૧૭,૫૦૦ રૂપિયાનો લાભ થશે. આ લાભમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવાને કારણે મળનારો લાભ પણ સામેલ છે. આ રીતે મધ્યમ વર્ગના લોકો પાસે ખર્ચ કરવા માટે થોડી વધુ રકમ ઉપલબ્ધ થશે જેના કારણે વધુ બચત અને વધુ રોકાણ થવાની સંભાવના દેખાય છે. બચતનું રોકાણ મૂડીબજાર તરફ વાળી શકાય એમ છે.

બીજી બાજુ, સરકારે સોના પરની કસ્ટમ્સ ડ્યુટી ૧૫ ટકાથી ઘટાડીને ૬ ટકા કરી હોવાથી ભારતીયોને સોનાની ખરીદી માટે પ્રોત્સાહન મળી રહેશે. વળી, દેશમાં સોનાની દાણચોરી ઘટવાની શક્યતા હોવાથી સરકારને કરવેરાની દૃષ્ટિએ થનારું નુકસાન પણ ઘટાડી શકાશે.

નાણાપ્રધાને રિયલ એસ્ટેટ પરની સ્ટૅમ્પ ડ્યુટી ઘટાડવા માટેની ભલામણ કરી છે, જેનાથી ઘરની એકંદર ખરીદકિંમતમાં ઘટાડો થઈ શકશે.

મૂડીબજાર પર અસર

નાણાપ્રધાને ડેરિવેટિવ્ઝ વેપાર પરનો સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ (STT) લગભગ બમણો કરી દીધો છે. અહીં નોંધવું ઘટે કે મૂડીબજારમાં જે રીતે ડેરિવેટિવ્ઝ ટ્રેડનો જુવાળ આવ્યો છે એ શમી જવામાં આ પગલું ઉપયોગી બનશે. નિર્મલા સીતારમણે શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ અને લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ સંબંધે ફેરફાર કર્યો છે. એના પરથી દેખાય છે કે તેઓ શૉર્ટ ટર્મ ટ્રેડરોને બદલે લૉન્ગ ટર્મ રોકાણકારોને પ્રોત્સાહન આપવા માગે છે.

બજેટમાં અનલિસ્ટેડ સિક્યૉરિટી પરનો ઇન્ડેક્સેશન બેનિફિટ પાછો ખેંચી લેવાયો છે. એને પગલે રોકાણકારો હવે ઓછું વળતર આપનારી બીજી ઍસેટ્સને બદલે મૂડીબજારમાં રોકાણ કરવા તરફ વળવાની શક્યતા દેખાય છે.

અહીં જણાવવું રહ્યું કે નાણાપ્રધાને રાજકોષીય ખાધનું પ્રમાણ કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે જીડીપીના ૪.૯ ટકા સુધી રાખી શકવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે આવતા વર્ષે આ પ્રમાણ ઘટાડીને ૪.૫ ટકા સુધી લઈ જવાનું અને પછીના વર્ષે વધુ ઘટાડો કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ પગલાંની અસરરૂપે વિદેશી રોકાણકારો આકર્ષિત થશે. ભારતીય ડેટ સાધનો વૈશ્વિક ઇન્ડેક્સમાં સામેલ થયાં હોવાથી વિદેશી રોકાણકારો ભારત તરફ આકર્ષિત થવાની શક્યતા દેખાય છે.

ઇક્વિટી માર્કેટ અને ‘અમર અકબર ઍન્થની’

ઇક્વિટી માર્કેટને આપણે ‘અમર અકબર ઍન્થની’ ફિલ્મ સાથે સરખાવીએ તો એમ કહી શકાય કે રોકાણકારોએ પ્રામાણિક પોલીસ ઑફિસર અમર જેવા (સારાં ફન્ડામેન્ટલ્સ ધરાવતાં અને ઉચિત ભાવે મળતા) સ્ટૉક્સ ખરીદવા પર વધુ ધ્યાન આપવું. સાથે-સાથે, સ્વભાવે સારા, પરંતુ ટૂંકો રસ્તો અપનાવીને પોતાનું કામ કરવા માગતા ઍન્થની જેવા સ્ટૉક્સ બાબતે સાચવીને ચાલવું. રોકાણકારને એવી ભલામણ છે કે તેમણે ભાવની દૃષ્ટિએ નહીં, પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ શૅર પસંદ કરવા. ઊંચા ભાવે નહીં, પરંતુ ઉચિત ભાવે મળતા સ્ટૉક્સની પસંદગી કરવી. તેમણે એવી કંપનીઓ પર ધ્યાન આપવું જેમાં બજારમાં ટ્રેડ થતા સ્ટૉક્સનું પ્રમાણ ઊંચું હોય અને માલિકી એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલી ન હોય.

બજેટની અસર કયાં ક્ષેત્રો માટે સાનુકૂળ?

આ બજેટની અસર કન્ઝમ્પ્શન, મૅન્યુફૅક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ માટે સાનુકૂળ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. હાલ તરત ગોલ્ડ ફાઇનૅન્સિંગ કરનારી કંપનીઓ સામે સોનાના મૂલ્ય અને લોનની રકમ એ બન્નેના ગુણોત્તર બાબતે થોડી અસર થશે અને સોનામાં કામ કરનાર લોકોને ઇન્વેન્ટરી બાબતે પણ અસર થશે. ઓછા મૂલ્યનાં ઘર માટે નાણાં ધીરનારી કંપનીઓને ક્રેડિટ ગૅરન્ટી ફન્ડનો લાભ મળશે. સરકારે પચીસ મહત્ત્વપૂર્ણ ખનિજો માટે લાભદાયક જોગવાઈ કરી હોવાથી ખાણકામ ક્ષેત્ર માટે સારી પરિસ્થિતિ સર્જાઈ છે.

 

- નીલેશ શાહ, કોટક મહિન્દ્ર ઍસેટ મૅનેજમેન્ટ કંપનીના MD-CEO

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2024 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK