આ રથ ૧૩૩ કેવીના એક ઓવરહેડ કૅબલના સંપર્કમાં આવ્યો હતો.
ત્રિપુરામાં હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતાં રથમાં આગઃ ૭ જણનાં મોત , ૧૮ને ઈજા
ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં ગઈ કાલે એક રથ હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવ્યા બાદ એમાં આગ લાગી હતી, જેના લીધે ૭ જણનાં મોત થયાં હતાં જ્યારે અન્ય ૧૮ જણને ઈજા થઈ હતી. ભગવાન જગન્નાથના ઉત્સવ ‘ઉલ્ટા રથ યાત્રા’ દરમ્યાન કુમારઘાટ એરિયામાં બપોરે સાડાચાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.
આ ઉત્સવ દરમ્યાન ભગવાન બળદેવ, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથ રથયાત્રાના એક અઠવાડિયા બાદ પોતાના મંદિરમાં પાછા ફરે છે.
લોખંડથી બનેલા રથને હજારો લોકો ખેંચી રહ્યા હતા. આ રથ ૧૩૩ કેવીના એક ઓવરહેડ કૅબલના સંપર્કમાં આવ્યો હતો.
અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ (લૉ ઍન્ડ ઑર્ડર) જ્યોતિષમાન દાસ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘૭ જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય ૧૮ જણને ઇન્જરી થઈ છે. ઈજાગ્રસ્તોની નજીકની એક હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.’


