રથયાત્રાની ભીડભાડમાં ખોવાઈ ગયેલાં બાળકો સહિત ૭૨ લોકોને પોલીસે તેમના પરિવાર સાથે મેળાપ કરાવતાં જીવમાં જીવ આવ્યો
અમદાવાદની રથયાત્રામાં ગુમ થયેલાં બાળકો, મહિલાઓ અને વડીલોને તેમના સ્વજનો સાથે પોલીસે પુનર્મિલન કરાવ્યું હતું.
ગુજરાતના અમદાવાદમાંથી ગયા મંગળવારે નીકળેલી રથાયાત્રા દરમ્યાન રથયાત્રાની ભીડભાડમાં ખોવાઈ ગયેલાં અને વિખૂટાં પડી ગયેલાં ૩૦ બાળકો, ૧૫ મહિલા અને ૭ વડીલો સહિત ૭૨ લોકોને શોધીને પોલીસે તેમના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવતાં તેમના જીવમાં જીવ આવ્યો હતો.
અમદાવાદથી નીકળતી વિશ્વપ્રસિદ્ધ રથયાત્રામાં પ્રભુનાં દર્શન કરવા લાખ્ખો શ્રદ્ધાળુઓ ઊમટે છે. આ વર્ષે યોજાયેલી રથયાત્રામાં બાળકો, મહિલાઓ અને વડીલોને સહાયરૂપ બનવા માટે જગન્નાથજી મંદિર તથા સરસપુર ખાતે સીઆઇડી ક્રાઇમના મહિલા અને બાળમિત્રના અમદાવાદ શહેરના ૫૬ સભ્યોની ફાળવણી કરી સ્પેશ્યલ–૫૬ ટીમ બનાવી હતી. રથયાત્રા દરમ્યાન દર્શનાર્થીઓની ભારે ભીડમાં ગાયકવાડ હવેલી પોલીસ-સ્ટેશન હદ વિસ્તારમાંથી ૧૨ બાળકો, ૯ મહિલા, ૭ વડીલો તેમ જ ૧૨ પુરુષો ગુમ થઈ ગયાં હતાં. એ ઉપરાંત સરસપુર શહેર કોટડા વિસ્તારમાંથી ૧૮ બાળકો, ૬ મહિલાઓ અને ૮ પુરુષો ગુમ થયાં હતાં. જે ૩૦ બાળકો ગુમ થયાં હતાં એમાં પાંચ વર્ષનું એક મૂંગું બાળક પણ હતું. પરિવારથી વિખૂટા પડી ગયેલા આ તમામ ૭૨ લોકોને સ્પેશ્યલ-૫૬ ટીમે પોતાના પરિવારના સભ્યો સાથે પુનઃ મિલન કરાવતાં પરિવારના સભ્યોને હાશકારો થયો હતો. રથયાત્રા દરમ્યાન બાળકો, મહિલાઓ તેમ જ વડીલોને સહાયરૂપ થવા માટે બનાવાયેલી સ્પેશ્યલ-૫૬ ટીમ દ્વારા વિખૂટા પડી ગયેલા ૭૨ લોકોનું તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવી આ પરિવારજનોના ચહેરા પર સ્મિત રેલાવવાનું આવકારદાયક કાર્ય કર્યું.


