Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મનોજ નરવણેની બુક ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની પ્રકાશિત કે અપ્રકાશિત એ વિવાદ પર આખરે પડદો પડ્યો

મનોજ નરવણેની બુક ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની પ્રકાશિત કે અપ્રકાશિત એ વિવાદ પર આખરે પડદો પડ્યો

Published : 11 February, 2026 09:48 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રકાશકે કહ્યું કે બુક પબ્લિશ નથી થઈ, તો રાહુલ ગાંધીએ કહ્યું કંપની ખોટું બોલે છે- આખરે ભૂતપૂર્વ આર્મી ચીફે સ્પષ્ટતા કરી, પબ્લિશર જે કહે છે એ સાચું છે

પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની’

પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની’


ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની’નો વિવાદ હવે નવી ઊંચાઈએ પહોંચ્યો છે. આ બુકના પ્રકાશનના રાઇટ્સ જેની પાસે છે એ પેન્ગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ‘અમે પુસ્તક હજી સુધી પ્રકાશિત કર્યું નથી કે એનો કોઈ ભાગ જાહેર કરવામાં આવ્યો નથી. બધા પ્રકાશન-અધિકારો અમારી પાસે સુરક્ષિત છે. આજ સુધી પુસ્તકની છાપેલી કે ડિજિટલ કૉપી બહાર પાડવામાં આવી નથી.’

આના જવાબમાં આ બુક વિશે સવાલ ઉઠાવનારા લોકસભામાં વિપક્ષના નેતા અને કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે કહ્યું હતું કે ક્યાં તો નરવણે ખોટું બોલી રહ્યા છે અથવા પેન્ગ્વિન ખોટું બોલે છે.



દિલ્હી પોલીસનો FIR


પુસ્તકની અનધિકૃત નકલો લીક અને ઑનલાઇન પ્રસારિત થવાના દાવાઓ સામે આવ્યા બાદ કંપનીએ સ્પષ્ટતા કરી છે. દિલ્હી પોલીસે આ મામલે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે આ સમગ્ર મામલાની તપાસ માટે કેસ નોંધ્યો છે. પોલીસ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે અપ્રકાશિત અને અપ્રમાણિત પુસ્તકની સામગ્રી કેવી રીતે જાહેર થઈ અને એની પાછળ કોણ છે. આ કાર્યવાહી વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ અને ઑઇલાઇન ન્યુઝ ફોરમ પર મળેલી માહિતીના આધારે કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પુસ્તકની પ્રી-પ્રિન્ટ કૉપી ફરતી થઈ રહી છે.

પુસ્તકની ટાઇપસેટ PDF કૉપી વાઇરલ


પોલીસના જણાવ્યા અનુસાર આ પુસ્તકના પ્રકાશન માટે હજી સુધી સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી મંજૂરી મળી નથી. તપાસમાં જાણવા મળ્યું છે કે સમાન શીર્ષકવાળા પુસ્તકની PDF કૉપી ઘણી વેબસાઇટ પર ઉપલબ્ધ હતી.

રાહુલ ગાંધીએ શું દાવો કર્યો?

લોકસભાની બહાર મીડિયા સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘કંપની અથવા આર્મી ચીફ ખોટું બોલી રહ્યા છે. એમ. એમ. નરવણેએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પોસ્ટ કર્યું હતું કે ‘નમસ્તે મિત્રો, મારું પુસ્તક હવે ઉપલબ્ધ છે. લિન્કને ફૉલો કરો. વાંચવાની મજા લો.’ ક્યાં તો એમ. એમ. નરવણે ખોટું બોલી રહ્યા છે અથવા પેન્ગ્વિન ખોટું બોલી રહી છે, પરંતુ પુસ્તક ઍમૅઝૉન પર ઉપલબ્ધ છે. હું આર્મી ચીફ પર વિશ્વાસ કરું છું. તેમણે આગળ કહ્યું હતું કે શું તમે એમ. એમ. નરવણેની જગ્યાએ પેન્ગ્વિન પર વિશ્વાસ કરશો? પુસ્તકમાં કેટલીક એવી બાબતો છે જે સરકાર માટે અસુવિધાજનક છે. ભૂતપૂર્વ સેનાપ્રમુખ જનરલ એમ. એમ. નરવણેનું પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની’ ઍમૅઝૉન પર ઉપલબ્ધ છે અને નરવણેએ પોતે મને પુસ્તકની પ્રી-ઑર્ડર લિન્ક મોકલી હતી.’

આ બુક હજી સુધી પ્રકાશિત થઈ નથી ઃ ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ નરવણે

ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેએ પોતાની આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની’ની સ્થિતિ જાહેર કરતાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. જનરલ નરવણેએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પેન્ગ્વિન ઇન્ડિયાના નિવેદનને શૅર કરીને લખ્યું હતું કે આ પુસ્તકની વર્તમાન સ્થિતિ છે. મતલબ કે આ બુક હજી સુધી પ્રકાશિત થઈ નથી.

પેન્ગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયાની પોસ્ટને જનરલ નરવણેએ રી-પોસ્ટ કરી હતી, જેમાં લખવામાં આવ્યું છે કે તાજેતરની જાહેર ચર્ચા અને મીડિયા અહેવાલોને ધ્યાનમાં રાખીને પેન્ગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયા (PRHI) સ્પષ્ટ કરવા માગે છે કે ભારતીય સેનાના ભૂતપૂર્વ વડા જનરલ મનોજ મુકુંદ નરવણે દ્વારા લખાયેલા પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની’ના પ્રકાશન-અધિકારો અમારી પાસે છે. અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે પુસ્તક હજી સુધી પ્રકાશિત થયું નથી. પુસ્તકની કોઈ નકલ - પ્રિન્ટ અથવા ડિજિટલ સ્વરૂપમાં - પેન્ગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત, વિતરણ, વેચાણ અથવા અન્યથા જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. પ્રી-ઑર્ડર કરવાનો અર્થ પ્રકાશન નથી. કોઈ પુસ્તક ઔપચારિક પ્રકાશન પછી જ બુક પ્રકાશિત માનવામાં આવે છે. પુસ્તકની કોઈ પણ નકલ, ભલે એ સંપૂર્ણ હોય કે આંશિક, પ્રિન્ટ, ડિજિટલ, PDF અથવા અન્ય કોઈ પણ ફૉર્મેટમાં, ઑનલાઇન કે ઑફલાઇન, કોઈ પણ પ્લૅટફૉર્મ પર પ્રસારિત થવી એ કૉપીરાઇટનું ઉલ્લંઘન છે અને એને તાત્કાલિક બંધ કરવું જોઈએ. પેન્ગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયા પુસ્તકના ગેરકાયદે અને અનધિકૃત પ્રસાર સામે કાયદેસર રીતે ઉપલબ્ધ તમામ ઉપાયો અપનાવશે. પ્રકાશકની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે આ નિવેદન જાહેર કરવામાં આવી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 09:48 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK