તેલંગણના ચીફ મિનિસ્ટર રેવંત રેડ્ડી રાજ્યનું રીબ્રૅન્ડિંગ કરવા તત્પરઃ તાતા, ગૂગલ, વિપ્રો, માઇક્રોસૉફ્ટના નામનાં પણ રસ્તા, સ્ટ્રીટ, ઇન્ટરચેન્જ
તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી
તેલંગણ સરકાર હૈદરાબાદમાં યુનાઇટેડ સ્ટેટ્સ કૉન્સ્યુલેટ નજીકના રસ્તાનું નામ ‘ડોનલ્ડ ટ્રમ્પ ઍવન્યુ’ રાખવાની તૈયારી કરી રહી છે અને સાથે જ રતન તાતાની સાથે અઝીમ પ્રેમજીની કંપની વિપ્રો અને અમેરિકાની કંપનીઓ ગૂગલ અને માઇક્રોસૉફ્ટના નામે પણ કેટલાક રસ્તાનું નામકરણ કરવામાં આવશે.
તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ જાહેરાત કરી છે કે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના માનમાં હૈદરાબાદમાં અમેરિકન કૉન્સ્યુલેટ જનરલની બાજુના એક VIP રોડનું નામકરણ કરવામાં આવશે. તેમનું વિઝન સ્પષ્ટ છે કે હૈદરાબાદના રસ્તાઓનું નામ એવી મહાન હસ્તીઓના નામ પર રાખવું જોઈએ જેમણે શહેરનું ભાગ્ય બદલી નાખ્યું હોય.
આ નિર્ણયનો ટાઇમિંગ રસપ્રદ છે. રાજદ્વારી દૃષ્ટિકોણથી એ એક બોલ્ડ અને જોખમી પગલું છે. હાલના સમયમાં ડોનલ્ડ ટ્રમ્પનું ભારત પ્રત્યેનું વલણ પ્રતિકૂળ રહ્યું છે. આવી સ્થિતિમાં કૉન્ગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકારનો ટ્રમ્પને આટલું મહત્ત્વપૂર્ણ સન્માન આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારના વલણથી બિલકુલ વિપરીત છે. કેટલાક રાજકીય વિશ્લેષકો માને છે કે રેવંત રેડ્ડી સમજે છે કે ટ્રમ્પ પ્રશંસાના ભૂખ્યા નેતા છે. જો તેમના નામે કોઈ રસ્તાનું નામકરણ કરવાથી હૈદરાબાદને H-1B વીઝા વિશે થોડી રાહત મળે અથવા અમેરિકન કંપનીઓનું રોકાણ વધે તો રેડ્ડી કેન્દ્ર સરકારની નારાજગીનું જોખમ લેવા તૈયાર છે.
ADVERTISEMENT
શું કેન્દ્ર સરકાર આને રોકશે?
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું વિદેશ મંત્રાલય આ નામકરણને મંજૂરી આપશે? ભારતમાં રસ્તાઓનું નામ ભાગ્યે જ જીવંત વિદેશી નેતાઓના નામ પર રાખવામાં આવે છે, ખાસ કરીને જ્યારે એ નેતા એક મહાસત્તાના પ્રેસિડન્ટ હોય અને રાજદ્વારી સંબંધો સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય. જો કેન્દ્ર સરકાર આને અવરોધે તો રેવંત રેડ્ડી એને તેલંગણના વિકાસ-વિરુદ્ધના પગલા તરીકે દર્શાવશે. જો કેન્દ્ર સરકાર મંજૂરી આપે છે તો એ ટ્રમ્પ માટે એક સકારાત્મક સંકેત હશે જે આખરે ભારતને ફાયદો કરાવી શકે છે.
રીબ્રૅન્ડિંગનો પ્રયાસ
તેલંગણ સરકાર હૈદરાબાદની ભૂગોળને સંપૂર્ણપણે રીબ્રૅન્ડ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. સરકાર ઇચ્છે છે કે વિદેશી રોકાણકારો અને ટેક-પ્રોફેશનલ્સ હૈદરાબાદના ફાઇનૅન્શિયલ ડિસ્ટ્રિક્ટની મુલાકાત લેતી વખતે એવું અનુભવે કે તેઓ એક સામાન્ય ભારતીય શહેરમાં નથી, પણ સિલિકૉન વૅલી અને વૉશિંગ્ટન જેવા ક્રૉસઓવર શહેરમાં ફરી રહ્યા છે. આ રીબ્રૅન્ડિંગ મિશનમાં ફક્ત ટ્રમ્પ જ નહીં, ઘણા અન્ય ઉદ્યોગનેતાઓનો સમાવેશ છે.
રતન તાતાને શ્રદ્ધાંજલિ
તેલંગણ સરકારે નેહરુ આઉટર રિંગ રોડ (ORR)ને પ્રસ્તાવિત રીજનલ રિંગ રોડ (RRR) સાથે જોડતા નવા ‘ગ્રીનફીલ્ડ રેડિયલ રોડ’નું નામ દિવંગત ઉદ્યોગપતિ પદ્મવિભૂષણ રતન તાતાના નામે રાખવાનો નિર્ણય લીધો છે. એક ઇન્ટરચેન્જનું નામ પહેલાંથી જ તાતા ઇન્ટરચેન્જ રાખવામાં આવ્યું છે. આ નિર્ણય હૈદરાબાદના વિકાસમાં તાતા ગ્રુપના યોગદાન (જેમ કે ઍરોસ્પેસ અને ડિફેન્સ હબ)ને માન્યતા આપે છે.
ગૂગલ-સ્ટ્રીટ
અમેરિકાની બહાર ગૂગલનું સૌથી મોટું ઑફિસ-કૅમ્પસ હૈદરાબાદમાં બનાવવામાં આવી રહ્યું છે. જે રોડ પર કૅમ્પસ આવેલું છે એને હવે ગૂગલ-સ્ટ્રીટ કહેવામાં આવશે. ડિજિટલ ઇન્ડિયામાં ગૂગલના યોગદાનને આ સલામ છે.
માઇક્રોસૉફ્ટ રોડ અને વિપ્રો જંક્શન એ જ રીતે માઇક્રોસૉફ્ટ અને વિપ્રો કૅમ્પસની નજીકના રોડ અને ઇન્ટરચેન્જને અનુક્રમે માઇક્રોસૉફ્ટ રોડ અને વિપ્રો જંક્શન નામ આપવામાં આવશે.


