તામિલનાડુના મુખ્ય પ્રધાન બન્યા પછી વિજયે ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી (OSD)ના પદ પર જ્યોતિષી રાધન પંડિતની નિમણૂક કરી હતી
જ્યોતિષી રાધન પંડિત
તામિલનાડુના મુખ્ય પ્રધાન બન્યા પછી વિજયે ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી (OSD)ના પદ પર જ્યોતિષી રાધન પંડિતની નિમણૂક કરી હતી, જોકે આ નિમણૂક બહુ લાંબી ટકી શકી નહોતી. વિજયે ફ્લોર ટેસ્ટ પાસ કરતાં જ રાધન પંડિતની નિયુક્તિ રદ કરી દીધી હતી.
રાધન લાંબા સમયથી વિજયના ખૂબ નજીક છે. તેમણે વિજય મુખ્ય પ્રધાન બનશે એવી ભવિષ્યવાણી એક વર્ષ પહેલાં કરી હતી. તેમની જ સલાહ પર ૧૦ મેએ શપથગ્રહણનો સમય પણ બદલવામાં આવ્યો હતો. રાધન પંડિત જ્યોતિષી હોવા ઉપરાંત TVKના પ્રવક્તા પણ છે. જોકે એક જ્યોતિષીને OSD નીમવા બદલ સાથી પક્ષોએ પસ્તાળ પાડી હતી.
ADVERTISEMENT
TVKની સહયોગી પાર્ટીઓનું કહેવું હતું કે અંગત રીતે કોઈ જ્યોતિષીમાં વિશ્વાસ રાખવો એ વ્યક્તિગત પસંદની વાત છે, પરંતુ સરકારમાં જ્યોતિષી ન આવવો જોઈએ.
વિદુથલાઈ ચિરતુથઈગલ કાચી (VCK)ના સેક્રેટરી ડી. રવિકુમારે કહ્યું હતું, ‘કોઈ જ્યોતિષીને સરકારી પદ આપવાનું સરાસર ખોટું છે. જ્યોતિષીને મુખ્ય પ્રધાનનો OSD બનાવવા ટૅક્સ ચૂકવનારા લોકોના પૈસા ખર્ચવા એ સંવિધાનનું ઉલ્લંઘન છે. મુખ્ય પ્રધાને તેમના આ નિર્ણય વિશે બીજી વાર વિચારવું જોઈએ. એક ધર્મનિરપેક્ષ સરકારમાં જ્યોતિષી હોય એનાથી ખરાબ બીજું કંઈ ન હોઈ શકે.’
