સુપ્રીમ કોર્ટે પહેલી વાર રાષ્ટ્રપતિ માટે સમયમર્યાદા નક્કી કરી
દ્રૌપદી મુર્મુ
રાજ્યપાલના કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય શુક્રવારે ઑનલાઇન અપલોડ કરવામાં આવ્યો હતો. આ ચુકાદામાં પહેલી વખત સુપ્રીમ કોર્ટે એવું નક્કી કર્યું છે કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ પાસેથી તેમની વિચારણા માટે આવેલાં બિલો પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો આવશ્યક છે. તામિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિના કેસમાં સુપ્રીમ કોર્ટે આઠમી એપ્રિલે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ આદેશ શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો અને એને કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો છે.
પ્રથમ વખત ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે રાષ્ટ્રપતિ માટે બિલો પર નિર્ણય લેવાની સમયમર્યાદા નક્કી કરી હતી. એક ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલાં બિલો પર રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો ફરજિયાત રહેશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ચુકાદામાં કહ્યું હતું કે કલમ ૨૦૧ હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલાં કાર્યો ન્યાયિક સમીક્ષાને પાત્ર છે.
ADVERTISEMENT
તામિલનાડુના રાજ્યપાલે રાષ્ટ્રપતિ પાસે બાકી રહેલાં બિલોને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો એને પગલે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરી અને તામિલનાડુના રાજ્યપાલના નિર્ણયને ફગાવી દીધો હતો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે બંધારણના અનુચ્છેદ ૨૦૧ મુજબ, જ્યારે રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને બિલ મોકલવામાં આવે છે ત્યારે રાષ્ટ્રપતિએ કાં તો એને પોતાની સંમતિ આપવી પડશે અથવા પોતાની અસંમતિ વ્યક્ત કરવી પડશે. જોકે બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિને ‘પૉકેટ વીટો’નો અધિકાર નથી. એનો અર્થ એ કે તેઓ પોતાનો નિર્ણય અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી શકતા નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો ત્રણ મહિનાથી વધુ વિલંબ થાય છે તો યોગ્ય કારણો નોંધવાં જોઈએ અને સંબંધિત રાજ્યને એની જાણ કરવી જોઈએ. બેન્ચે કહ્યું હતું કે કાયદાનો આ સ્પષ્ટ અભિપ્રાય છે કે જોગવાઈમાં કોઈ સમયમર્યાદા નક્કી ન હોય તો પણ સત્તાનો ઉપયોગ યોગ્ય સમયની અંદર થવો જોઈએ, રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા તેમની વિચારણા માટે મોકલવામાં આવેલાં બિલો પર સંદર્ભ મળ્યાની તારીખથી ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો જરૂરી છે.
તામિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ ડીએમકે સરકાર દ્વારા પસાર કરાયેલાં ૧૦ બિલોને મંજૂરી ન આપીને ગેરકાયદે કાર્ય કર્યું છે એમ જણાવીને સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ માટેની સમયમર્યાદા બાંધી હતી.

