સુપ્રીમ કોર્ટે અરજદારને આપ્યો ઝટકો, કેસની સુનાવણીનો કર્યો ઇનકાર
પ્રતીકાત્મક તસવીર
મોગલ શાસક બાબર અથવા બાબરી મસ્જિદના નામ પર કોઈ પણ મસ્જિદ અથવા ધાર્મિક માળખાના બાંધકામ અથવા નામકરણને રોકવા માટે નિર્દેશ માગતી અરજી પર સુપ્રીમ કોર્ટે ગઈ કાલે વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે આ અરજી પર વિચાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી નહોતી. પરિણામે અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે એને પાછી ખેંચી લીધી હતી. વકીલે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદની પ્રતિકૃતિ બનાવવાની તૃણમૂલ કૉન્ગ્રેસના સસ્પેન્ડેડ વિધાનસભ્ય હુમાયુ કબીરની જાહેરાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કર્યાના પગલે દેશમાં ક્યાંય પણ બાબરી મસ્જિદ બનાવવામાં આવશે કે નહીં એ અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ થઈ છે.
જનહિતની અરજીમાં અરજદારે દલીલ કરી હતી કે બાબર એક આક્રમણખોર હતો અને તેના નામે કોઈ મસ્જિદ ન બનાવવી જોઈએ, ન તો તેના નામ પર કોઈ મસ્જિદ રાખવી જોઈએ. અરજદારે દલીલ કરી હતી કે બાબરે હિન્દુઓને ગુલામ કહ્યા હતા, આવાં કૃત્યો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કૉન્ગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા વિધાનસભ્ય હુમાયુ કબીરે ૨૦૨૫ની ૬ ડિસેમ્બરે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બાંધવામાં આવશે એવી જાહેરાત કરી હતી. આ મસ્જિદના બાંધકામની પ્રતીકાત્મક શરૂઆત કરવામાં આવી હતી અને બાંધકામ ૧૧ ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.
