રણવીર અલાહાબાદિયા, સમય રૈના સહિતના યુટ્યુબર્સને આદેશ : સોશ્યલ મીડિયા પર પણ માફી માગો
વિપુન ગોયલ, રણવીર અલાહાબાદિયા, સમય રૈના
સુપ્રીમ કોર્ટે રણવીર અલાહાબાદિયા સહિતના યુટ્યુબરો, સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરો અને સ્ટૅન્ડ-અપ કૉમેડિયનોને તેમના શો દરમ્યાન દિવ્યાંગ વ્યક્તિઓ વિશે જોક્સ કહેવા બદલ અને તેમની દિવ્યાંગતાની મશ્કરી કરવા બદલ ફટકાર લગાવી હતી. કોર્ટે તમામને તેમના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર માફી માગવા કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે આ આદેશ SMA ક્યૉર ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમ્યાન આપ્યો હતો જેમાં હાસ્યકલાકારો સમય રૈના, વિપુન ગોયલ, બલરાજ પરમજિત સિંહ ઘઈ, સોનાલી ઠક્કર અને નિશાંત જગદીશ તંવર પર દિવ્યાંગ લોકો માટે અસંવેદનશીલ જોક્સ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
જસ્ટિસ સૂર્યકાંત અને જયમાલ્યા બાગચીની બેન્ચે હાસ્યકલાકારોને કહ્યું હતું કે તમે કોર્ટ સમક્ષ માફી માગી છે, હવે તમારા સોશ્યલ મીડિયા પર પણ માફી માગો.
આ આદેશ ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ના એક એપિસોડ દરમ્યાન યુટ્યુબર રણવીર અલાહાબાદિયા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના પગલે આવ્યો છે. સુનાવણી દરમ્યાન ન્યાયાધીશ બાગચીએ અવલોકન કર્યું હતું કે ઇન્ફ્લુએન્સરો તેમની સ્પીચનું કમર્શિયલાઇઝેશન કરી રહ્યા છે અને દિવ્યાંગ સમુદાયનો ઉપયોગ લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે થવો ન જોઈએ.
ઇન્ફ્લુએન્સર્સ પર નાણાકીય દંડ પણ લાદવામાં આવી શકે
સુપ્રીમ કોર્ટે સોમવારે યુટ્યુબર્સ અને ઑનલાઇન ઇન્ફ્લુએન્સર્સને અપમાનજનક સામગ્રી બદલ દિવ્યાંગ વ્યક્તિઓની જાહેરમાં માફી માગવાનો આદેશ આપ્યો હતો અને ચેતવણી આપી હતી કે ઉલ્લંઘન કરવા બદલ નાણાકીય દંડ લાદવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે ઇન્ફ્લુએન્સર્સને એક સોગંદનામું દાખલ કરવા પણ કહ્યું હતું જેમાં તેઓ તેમના પ્લૅટફૉર્મનો ઉપયોગ દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો વિશે જાગૃતિ લાવવા માટે શું પગલાં લઈ શકે છે એની વિગતો આપવા જણાવવામાં આવ્યું છે.


