સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને લગાવી ફટકાર
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દેશની સુપ્રીમ કોર્ટે ગઈ કાલે રાજસ્થાનના કોટામાં આત્મહત્યાના કેસોને લઈને રાજસ્થાન સરકારને ફટકાર લગાવીને પૂછ્યું હતું કે આત્મહત્યાના કેસ ફક્ત કોટામાં જ કેમ થઈ રહ્યા છે? અરજીનો જવાબ આપતાં રાજ્ય સરકાર વતી હાજર રહેલા વકીલે કહ્યું હતું કે આત્મહત્યાના કેસોની તપાસ માટે એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. જસ્ટિસ જે. પી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે આ વર્ષે શહેરમાંથી અત્યાર સુધીમાં ૧૪ આત્મહત્યાના કેસ નોંધાયા છે. જસ્ટિસ પારડીવાલાએ રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલને પૂછ્યું કે રાજ્ય તરીકે તમે શું કરી રહ્યા છો?
સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-ખડગપુરમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના મૃત્યુના કેસની સુનાવણી હાથ ધરી હતી. ૪ મેએ વિદ્યાર્થી તેની હૉસ્ટેલની રૂમમાં લટકતો મળી આવ્યો હતો. બીજા એક કિસ્સામાં પરીક્ષા આપવા જઈ રહેલી એક વિદ્યાર્થિની તેની રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. વિદ્યાર્થિની તેનાં માતા-પિતા સાથે રહેતી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે શોધી કાઢ્યું કે IIT-ખડગપુરના વિદ્યાર્થીના કેસમાં FIR દાખલ કરવામાં ચાર દિવસનો વિલંબ થયો હતો. સુપ્રીમ કોર્ટે એના પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ‘આ બાબતોને હળવાશથી ન લો. આ ખૂબ જ ગંભીર બાબતો છે.’


