લખનઉમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર લગ્નના પાંચ મહિના પછી ઘરમાં મૃત અવસ્થામાં મળી, પરિવારનો દહેજની માગણીનો આરોપ
માનસી રાજપૂત
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર માનસી રાજપૂત તેના સાસરિયાંના ઘરે મૃત હાલતમાં મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. માનસીના પરિવારનો આરોપ છે કે માનસીને દહેજ માટે ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. લગ્ન દરમ્યાન વરરાજાના પરિવારને મોટી રકમ આપવામાં આવી હતી, પરંતુ વરરાજાનો પરિવાર એનાથી સંતુષ્ટ નહોતો.
માનસી રાજપૂતે ૨૦૨૫ના ડિસેમ્બરમાં સાગર રાજપૂત સાથે લગ્ન કર્યાં હતાં. માનસી અને સાગર બન્ને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. માનસીના ઇન્સ્ટાગ્રામ પર લગભગ ૮,૦૦,૦૦૦ ફૉલોઅર્સ અને સાગરના ૭.૯૩ લાખ ફૉલોઅર્સ હતા. માનસીના પરિવારનો દાવો છે કે તેમણે લગ્ન વખતે તેને ૭,૦૦,૦૦૦ રૂપિયા રોકડા અને અન્ય ઘરવખરીનો સામાન ભેટ તરીકે આપ્યો હતો. જોકે સાગરનો પરિવાર આનાથી સંતુષ્ટ નહોતો અને માનસીના પતિ અને પરિવારના અન્ય સભ્યોએ કારની માગણી કરી હતી. કાર માટે માનસીને હેરાન કરવામાં આવતી હતી અને જ્યારે તેણે એનું પાલન કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. માનસીના પરિવારનું કહેવું છે કે માનસીએ આત્મહત્યા કરી છે એવું દેખાડવા માટે મૃતદેહને લટકાવી દેવામાં આવ્યો હતો.
માનસીના પરિવારના જણાવ્યા મુજબ તેમને શનિવારે ૩૦ મેએ ખબર પડી કે તેમની પુત્રીએ આત્મહત્યા કરી છે. તેમનો આરોપ છે કે માનસી પર શારીરિક અને માનસિક બન્ને પ્રકારનો ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. માનસીએ તેના પરિવારને આ કથિત ત્રાસ વિશે જણાવ્યું હતું અને પરિવાર સમાધાન કરવાનો પ્રયાસ કરવા માટે ઘણી વખત લખનઉ પણ ગયો હતો.
ADVERTISEMENT
પાંચ સાસરિયાં સામે કેસ દાખલ
માનસીના પરિવારની લેખિત ફરિયાદના આધારે તેના પતિ સાગર રાજપૂત અને પરિવારના પાંચ અન્ય સભ્યો સામે દહેજહત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સઆદતગંજના ઇન્સ્પેક્ટર સંતોષ આર્યએ જણાવ્યું હતું કે ‘આરોપીઓમાં સાગર રાજપૂત, સસરા રાજેશ, દિયર અનુ, નણંદ બરખા અને ચાંદની અને કાકી આશાનો સમાવેશ થાય છે. પતિ સાગરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને પોલીસતપાસ ચાલુ છે. મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને ઑટોપ્સી રિપોર્ટ અને ફૉરેન્સિક પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ ચાલી રહી છે.’
