સોના-ચાંદી અલગ : ૬ દિવસ ચાલી ગણતરી : ૧૨ દેશોની કરન્સી મળી : મની-આૅર્ડરથી પણ લોકોએ ચડાવો મોકલ્યો
શ્રી સાંવરિયા સેઠ મંદિર
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલા શ્રી સાંવરિયા સેઠ મંદિરમાં આ વખતે દાનનો રેકૉર્ડ સર્જાયો છે. બે મહિનામાં મંદિરમાં આશરે ૩૫ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે અને આ સિવાય અઢી કિલો સોનું અને ૧૨૭ કિલો ચાંદી મળી છે. ઉપરાંત ૧૨ દેશોની કરન્સી નોટો પણ મળી આવી છે. ગયા વર્ષે આ સમયગાળામાં બે મહિનામાં આશરે ૧૬ કરોડ રૂપિયા દાનપેટીમાં મળ્યા હતા. શ્રી સાંવરિયા સેઠ મંદિરમાં દર મહિનાની ચતુર્દશીએ દાનપેટીઓ ખોલવામાં આવે છે, પણ આ વખતે દિવાળી હોવાને કારણે એ ખોલવામાં નહોતી આવી એટલે એને બે મહિના બાદ ખોલવામાં આવી હતી.

ADVERTISEMENT
ભગવાન શ્રીકૃષ્ણના એક રૂપ સમા શ્રી સાંવરિયા સેઠના દરબારમાં દાનમાં મળેલા રોકડા રૂપિયા અને ૧૩ લાખ ૯૩ હજાર રૂપિયાના સિક્કાની ગણતરી છ દિવસમાં પૂરી થઈ હતી. ભાવિકોએ ઑનલાઇન અને મની-ઑર્ડરથી પણ ૯ કરોડ ૩૦ લાખ ૨૭,૨૪૭ રૂપિયા જમા કરાવ્યા હતા. આમ કુલ ૩૪ કરોડ ૯૧ લાખ ૯૫ હજાર ૦૬૮ રૂપિયા દાનમાં મળ્યા છે.


