ડીજીસીએએ ગુરુવારે જણાવ્યું હતું કે, "ડીજીસીએ એવા કેસની તપાસ કરી રહ્યું છે કે જ્યાં સિંગાપોર જતી સ્કૂટ એરલાઈન્સની ફ્લાઈટ નિર્ધારિત સમય કરતાં વહેલી રવાના થઈ હતી, જેના કારણે અમૃતસર એરપોર્ટ પર 30થી વધુ મુસાફરો ફસાયા હતા.”

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
અમૃતસરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sri Guru Ram Dass Jee International Airport) પર સ્કૂટ એરલાઈન્સ (Scoot Airlines)ની ફ્લાઈટે સમય કરતાં પહેલાં ઉડાન ભરી હતી, જેણે કારણે 30 મુસાફરો એરપોર્ટ પર જ રહી ગયા હતા. હવે ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન એટલે કે DGCAએ આ સમગ્ર મામલાની નોંધ લીધી છે.
ડીજીસીએએ ગુરુવારે જણાવ્યું હતું કે, "ડીજીસીએ એવા કેસની તપાસ કરી રહ્યું છે કે જ્યાં સિંગાપોર જતી સ્કૂટ એરલાઈન્સની ફ્લાઈટ નિર્ધારિત સમય કરતાં વહેલી રવાના થઈ હતી, જેના કારણે અમૃતસર એરપોર્ટ પર 30થી વધુ મુસાફરો ફસાયા હતા.”
એરપોર્ટના ડિરેક્ટરે શું કહ્યું?
અમૃતસર એરપોર્ટ (Amritsar Airport)ના ડિરેક્ટરે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, “સિંગાપોર જતી સ્કૂટ એરલાઈન્સની ફ્લાઈટ સાંજે 7 વાગ્યા પછી અમૃતસરથી સિંગાપોર માટે ટેકઓફ થવાની હતી, પરંતુ એરલાઈને બુધવારે બપોરે 3-4 વાગ્યાની વચ્ચે તેનું સમયપત્રક રિશિડ્યુલ કર્યું અને તમામ મુસાફરોને ઈ-મેલ દ્વારા જાણ કરી હતી.” ટ્રાવેલ એજન્ટ જેમણે 30 લોકોના જૂથ માટે ટિકિટ બુક કરાવી હતી તેણે મુસાફરોને સિંગાપોરની ફ્લાઇટના સમયમાં ફેરફાર વિશે જાણ કરી ન હતી.”
સ્કૂટ એરલાઈને શું કહ્યું?
તે જ સમયે, સ્કૂટ એરલાઇનના અધિકારીઓએ જણાવ્યું કે “તમામ મુસાફરોને ઈ-મેલ મોકલીને ફ્લાઈટના રિશેડ્યુલ વિશે જાણ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઘણા લોકો રિશિડ્યુલ સમયે એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને મુસાફરી પણ કરી હતી, જે પેસેન્જરો ન આવ્યા તેમના નામ પણ વારંવાર જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે પેસેન્જર્સ આવ્યા ન હતા ત્યારે પ્લેન ટેક ઑફ કર્યું હતું.
આ પણ વાંચો: તીર્થસ્થળ જ બની રહેશે સમેતશિખર, પ્રવાસન સ્થળમાં પરિવર્તિત નહીં કરાય
આ ઉપરાંત મહિનાની શરૂઆતમાં બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ (Kempegowda International Airport) પર પણ આવી જ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, GoFirst ફ્લાઈટે કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સમય પહેલા ટેકઓફ કર્યું હતું, જેના કારણે 50થી વધુ મુસાફરો એરપોર્ટ પર જ ફસાઈ ગયા હતા.