વિસ્ટેક્સ એશિયાના સીઈઓ સંજય શાહ ગુરુવારે હૈદરાબાદમાં કંપનીની રજતજયંતીની ઉજવણી દરમ્યાન થયેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. શાહ અને કંપનીના પ્રેસિડન્ટ વિશ્વનાથ રાજુને લઈ જતું આયર્ન કેજ તૂટી પડ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી ઃ વિસ્ટેક્સ એશિયાના સીઈઓ સંજય શાહ ગુરુવારે હૈદરાબાદમાં કંપનીની રજતજયંતીની ઉજવણી દરમ્યાન થયેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. શાહ અને કંપનીના પ્રેસિડન્ટ વિશ્વનાથ રાજુને લઈ જતું આયર્ન કેજ તૂટી પડ્યું હતું. જૈન સમાજમાં મોટું નામ ધરાવતા સંજય શાહના પરિવારે થોડા સમય પહેલાં પાટણમાં ભવ્ય દેરાસર બંધાવ્યું હતું. તેઓ અમેરિકાના શિકાગોમાં સ્થાયી થયા હતા, પણ તેમનું મુંબઈમાં મરીન લાઇન્સ ખાતે પણ એક ઘર છે.ખાસ્સી એવી ઊંચાઈએ લટકતા લોખંડના પાંજરામાં શાહ અને રાજુ સ્ટન્ટમાં ભાગ લઈ રહ્યા હતા. કેજને ટેકો આપતી લોખંડની ચેઇન એક બાજુથી તૂટી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. સત્વરે પગલાં લેવામાં આવ્યાં હતાં અને શાહ તથા રાજુને વિનાવિલંબે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને બચાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા, છતાં સંજય શાહ (૫૬)નું ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું, જ્યારે રાજુની હાલત ગંભીર છે.
કોણ હતા સંજય શાહ?
સંજય શાહ ટેક્નૉલૉજી કંપની વિસ્ટેક્સના સ્થાપક અને સીઈઓ હતા. વિશ્વની અગ્રણી કંપનીઓ જેવી કે ઍપલ, વૉલમાર્ટ અને અન્ય કંપનીઓને તેમની આવક અને માર્જિન સુધારવામાં વિસ્ટેક્સ કંપનીએ મદદ કરી છે. મુંબઈના રહેવાસી શાહે પેન્સિલવેનિયાની લીહાઈ યુનિવર્સિટીમાંથી ૧૯૮૯માં ૨૧ વર્ષના વયે એમબીએની ડિગ્રી મેળવી હતી.

