રૉબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે આ હુમલામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે હું મારી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું. હુમલાખોરોએ આ કમજોર રસ્તો અપનાવ્યો છે
રૉબર્ટ વાડ્રા, શહઝાદ પૂનાવાલા
પહલગામમાં આતંકવાદી હુમલાના મુદ્દે કૉન્ગ્રેસના નેતા અને સંસદસભ્ય પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રાએ માઇનૉરિટી પૉલિટિક્સ કરતું વિવાદિત નિવેદન આપ્યું છે. સામા પક્ષે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ તેમને વળતો જવાબ આપ્યો છે. રૉબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે ‘આ હુમલામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે હું મારી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું. હુમલાખોરોએ આ કમજોર રસ્તો અપનાવ્યો છે. જેમના હાથમાં હથિયાર નથી એવા નિર્દોષ લોકો પર ગોળીબાર કરવો ખોટું છે. મને લાગે છે કે આ મારો વિચાર છે, કૉન્ગ્રેસ કે મારા પરિવારનો નહીં. હું લોકો પાસેથી શીખું છું. મુસલમાનો સાથે ખોટું થઈ રહ્યું છે. લોકો રોડ પર નમાઝ પઢવા આવે તો તેમને રોકી દેવામાં આવે છે.
જો સર્વે થાય તો જેમ સંભલમાં થઈ રહ્યું છે તો તેઓ બાબર અને ઔરંગઝેબની વાત કરે છે, માઇનૉરિટીને દુઃખ થાય છે. જ્યાં સુધી ધર્મ અને રાજનીતિને અલગ નહીં કરીએ તો જે ખોટો આતંકવાદી હુમલો થયો છે એ થશે. જેઓ કહે છે કે તેમને આઇડેન્ટિટી જોઈએ તો એ ક્યાંથી થાય છે. તેમને લાગે છે કે મુસલમાનોને દબાવવામાં આવી રહ્યા છે. જે માઇનૉરિટી અલગ થઈ રહી છે એ હાનિકારક છે. ભેદભાવ થવો જોઈએ નહીં.’
ADVERTISEMENT
આ મુદ્દે BJPના શહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે ‘સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઇશારે રૉબર્ટ વાડ્રાએ આપેલું આ સૌથી શરમજનક અને ક્રૂર નિવેદન છે. એક રીતે જોઈએ તો પાકિસ્તાની આતંકવાદીઓનો બચાવ કરવા અને હિન્દુઓને દોષી ઠરાવવા માટે આ નિવેદન આપવામાં આવ્યું છે. ૨૦૦૮માં મુંબઈમાં આતંકવાદી હુમલો થયો ત્યારે કૉન્ગ્રેસે હિન્દુઓને જ દોષી ઠરાવ્યા હતા, પુલવામા હુમલા બાદ સુરક્ષા દળોને દોષી ગણાવ્યાં હતાં અને અન્ય હુમલા બાદ પાકિસ્તાનને ક્લીન-ચિટ આપી છે. પહલગામ હુમલાના પીડિતોના મૃતદેહ તેમના ઘર સુધી પહોંચે એ પહેલાં કૉન્ગ્રેસના નેતા આવું નિવેદન આપે છે. ઇસ્લામિક આતંકવાદને ક્લીન-ચિટ આપવા અને હિન્દુઓને દોષી ઠરાવવા અને એ કહેવા માટે કે મુસલમાનો અસુરક્ષિતતા મહેસૂસ કરે છે આવું નિવેદન આપવામાં આવે છે.’

