Rajnath Singh inaugurates `Shrimad Rajchandra Sarvamangal Centre of Excellence for Women`: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહજી દ્વારા ભારતનું સૌથી અદ્યતન ‘શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન’નું ઉદ્ઘાટન.
શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમનનું ઉદ્ઘાટન
મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું ભરતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના શુભ હસ્તે અને મદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજીની પ્રેરણાથી ભારતનું સૌથી અદ્યતન ‘મદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન’ આજે ધરમપુરમાં ભવ્ય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉદ્ઘાટિત થયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મહેમાનો અને ગ્રામીણ-આદિવાસી મહિલાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
મદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનો આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ દક્ષિણ ગુજરાતના ધરમપુર ખાતે ૧૧ એકર જમીન પર અંદાજે ૨ લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. આ આધુનિક અને દૂરદૃષ્ટિપૂર્ણ સંકુલ મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે સમર્પિત છે. આ સેન્ટર દ્વારા દર વર્ષે ૧૫,૦૦૦થી વધુ મહિલાઓને રોજગાર, તાલીમ અને સુખાકારી સંસાધનો પ્રદાન કરવામાં આવશે, તેમજ ગ્રામીણ ભારતમાં સેટેલાઇટ કેન્દ્રો અને વિવિધ ભાગીદારી મારફતે હજારો મહિલાઓ સુધી તેની પહોંચ સુનિશ્ચિત કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પરિયોજના દ્વારા આ વિસ્તારમાં રહેલી આશરે ૯,૬૦,૦૦૦ મહિલાઓ, જેમાં ૫૫ ટકા આદિવાસી મહિલાઓનો સમાવેશ થાય છે, તેમને નવીન કૌશલ્યોમાં પ્રવીણ બનાવવાથી લઈને આવક, આત્મવિશ્વાસ અને આગેવાની સુધીની સમગ્ર યાત્રામાં સાથ આપીને આત્મનિર્ભર બનાવવા માટે એક પૂર્ણ સશક્તિકરણ વર્તુળ રચાશે.
ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પોતાના ઉદ્બોધનમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, “સંપૂર્ણપણે ગ્રામીણ મહિલાઓ દ્વારા સંચાલિત આવું અભિયાન મેં અગાઉ ક્યારેય જોયું નથી. આ ખરેખર એક નવીન વિચાર છે. આવી પરિકલ્પનાને સાકાર કરવા બદલ હું પૂજ્ય ગુરુદેવ રાકેશજીને વંદન કરું છું. આ યોજનાથી લાભ મેળવનાર મહિલાઓના ચહેરા પર જે સાચું સ્મિત આજે મેં જોયું છે, તે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરે છે. આ પરિયોજના ભારતે વિશ્વને આપેલો એક આદર્શ મોડેલ છે અને શ્રેષ્ઠતાનો માપદંડ સ્થાપિત કરે છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આધ્યાત્મિકતાનો સાચો અર્થ વિચારની ઉન્નતિ, ભાવનાની ઉદારતા અને હૃદયની ભવ્યતા છે. મદ્ રાજચંદ્ર મિશન ધરમપુર તેનું જીવંત પ્રતિબિંબ છે. પૂજ્ય ગુરુદેવ રાકેશજીએ પોતાનું સમગ્ર જીવન સામાજિક ઉત્થાન માટે સમર્પિત કર્યું છે. આવું નિઃસ્વાર્થ જીવન આધ્યાત્મિકતાનું સર્વોચ્ચ સ્વરૂપ છે. મદ્ રાજચંદ્રજીના કાલાતીત ઉપદેશો આજે વધુ પ્રાસંગિક બન્યા છે, અને આ મિશન દ્વારા ભગવાન મહાવીર તથા મદ્ રાજચંદ્રજીના મૂલ્યો વિશ્વ સુધી પહોંચાડી રહ્યા છે.”
આ પ્રસંગે મદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના ઉપપ્રમુખ આત્માર્પિત નેમિજીએ આ પરિયોજના પાછળનો દૃષ્ટિકોણ રજૂ કરતાં જણાવ્યું હતું કે, “મદ્ રાજચંદ્ર મિશન ધરમપુર શાંત પરંતુ અસરકારક પરિવર્તનમાં માને છે. સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમનનો હેતુ મહિલાઓને નિર્ણય ક્ષમતા, દિશા, માર્ગદર્શન અને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનો છે. માનનીય સંરક્ષણ મંત્રીની હાજરી એ વાતનો શક્તિશાળી સંદેશ આપે છે કે રાષ્ટ્રની શક્તિ ફક્ત તેની સરહદોમાં નહીં, પરંતુ તેના સમાજના આત્મામાં રહેલી છે. જ્યારે મહિલાઓ સશક્ત બને છે, ત્યારે પરિવાર, સમાજ અને રાષ્ટ્ર આપમેળે સશક્ત બને છે.”
આ ઉદ્ઘાટન પ્રસંગે આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ, લોકસભા વ્હીપ તથા સાંસદ ધવલભાઈ પટેલ, મહારાષ્ટ્ર સરકારના કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ કેમ્પસના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ અને શાહ હેપીનેસ ફાઉન્ડેશનના ચીફ ગિવિંગ ઓફિસર મનુભાઈ શાહ અને મતી રીકાબેન શાહ પણ હાજર રહ્યા હતા.
‘મદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન’ ચાર મુખ્ય સ્તંભોના આધારે મહિલાઓને સર્વાંગી સશક્તિકરણ પ્રદાન કરશે. આર્થિક સશક્તિકરણ અંતર્ગત, ઉત્પાદન એકમોમાં મહિલાઓ સુગંધ, ખાદ્ય પદાર્થો, વસ્ત્રો અને હસ્તકલા સહિત ૩૦૦થી વધુ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે, જે ૭૫૦થી વધુ આઉટલેટ્સ મારફતે ૨૬ દેશોમાં નિકાસ થાય છે. તેમને ઉત્પાદન પ્રક્રિયા, સ્વચ્છતા, સોફ્ટ સ્કિલ્સ, ERP, ડિજિટલ સાક્ષરતા, યોગ અને કાર્યસ્થળ સલામતી જેવી તાલીમ આપવામાં આવશે.
કૌશલ્ય અને ક્ષમતા વિકાસ માટે આ પરિયોજના ૧૦ અલગ-અલગ થીમ હેઠળ ૬૦થી વધુ આધુનિક અને ડિજિટલ ઉચ્ચતર કક્ષાના કાર્યક્રમો પ્રદાન કરે છે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન અને રોબોટિક્સ, આરોગ્ય અને સુખાકારી, હસ્તકલા, રસોઈ કલા, સૌંદર્ય અને કાપડ, ઉદ્યોગસાહસિકતા અને કાર્યસ્થળ કૌશલ્યોનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર ૧૯ ટકા મહિલાઓએ કમ્પ્યુટર અને ૩૩ ટકા મહિલાઓએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હોવાના સંદર્ભમાં, આ પરિયોજના ડિજિટલ અને AI લેબ્સ દ્વારા મહિલાઓને ટેકનોલોજીમાં સક્ષમ બનાવશે.
સામાજિક સશક્તિકરણ અને સુખાકારી અંતર્ગત, મહિલાઓને આજીવિકા, શિક્ષણ અને નાણાકીય સુરક્ષા વધારવા માટેની સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. મહિલા જૂથો અને સહકર્મચારી વર્તુળો દ્વારા એકતા, આત્મવિશ્વાસ અને પરસ્પર સમર્થનને પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે જ ધ્યાન, યોગ, રમતગમત અને અન્ય સુખાકારી પ્રવૃત્તિઓ દ્વારા માનસિક તથા શારીરિક આરોગ્ય પર પણ ખાસ ભાર મૂકવામાં આવશે.
જ્ઞાન અને જાગૃતિના ક્ષેત્રમાં, મહિલાઓના અધિકારો, આરોગ્ય સેવાઓ તેમજ ડિજિટલ અને નાણાકીય સાક્ષરતાના અવસરો ઉપલબ્ધ કરાવવામાં આવશે. રોજગારલક્ષી પ્રમાણપત્ર અભ્યાસક્રમો અને નેતૃત્વ કાર્યશાળાઓ પણ યોજાશે. કોઈ પણ મહિલા ઘરની જવાબદારીઓના કારણે પાછળ ન રહી જાય તે માટે ૬ મહિના થી ૬ વર્ષ સુધીના બાળકો માટે ડે-કેર, ક્લિનિક, નર્સિંગ સુવિધાઓ, પોષણ કાર્યક્રમો, માનસિક સ્વાસ્થ્ય સહાય અને પરિવહન સેવાઓની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ રીતે, ‘મદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન’ ગ્રામીણ અને આદિવાસી મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મજબૂત પાયો બની, મહિલા ઉત્થાનથી લઈને રાષ્ટ્ર નિર્માણ સુધીના મોટા સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


