અકસ્માતના કારણે આસામ અને પૂર્વોત્તરના અન્ય ભાગોમાં રેલ-સર્વિસ ખોરવાઈ ગઈ હતી
વન વિભાગે જણાવ્યું હતું કે આ વિસ્તાર એલિફન્ટ કૉરિડોર નથી તેથી આ ટોળું રેલવે-ટ્રૅક પર કેવી રીતે પહોંચ્યું એ ખરેખર સવાલ છે.
આસામના લુમડિંગ રેલવે ડિવિઝનના હોજાઈ જિલ્લાના જમુનામુખ-કાનપુર સેક્શનમાં ગુવાહાટીથી લગભગ ૧૨૬ કિલોમીટર દૂર ગઈ કાલે વહેલી સવારે ૨.૧૭ વાગ્યે સવારે સૈરાંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના ટોળા સાથે અથડાતાં આઠ હાથીઓનાં દુઃખદ મૃત્યુ થયાં હતાં. એક હાથી ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ટક્કર એટલી ગંભીર હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઊતરી ગયાં હતાં. જોકે આ અકસ્માતમાં મુસાફરોને ઈજા થઈ નથી.
આ અકસ્માત વિશે જાણકારી આપતાં રેલવે અને વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજધાની એક્સપ્રેસના લોકો પાઇલટને હાથીઓનું ટોળું અચાનક પાટા પરથી જતું દેખાતાં તેણે તાત્કાલિક ઇમર્જન્સી બ્રેક લગાવી હતી પરંતુ ટ્રેનની સ્પીડના કારણે ટ્રેન હાથીઓ સાથે અથડાઈ હતી. મૃત હાથીઓમાં પુખ્ત હાથીઓ તેમ જ એક યુવાન હાથીનો સમાવેશ થાય છે. બીજો હાથી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને વનવિભાગની તબીબી ટીમ દ્વારા એની સારવાર કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અકસ્માત બાદ અસરગ્રસ્ત કોચ દૂર કરવામાં આવ્યા હતા અને બાકીના ડબ્બાને ચાર કલાક પછી સવારે ૬.૧૧ વાગ્યે ગુવાહાટી માટે રવાના કરવામાં આવ્યા હતા. ગુવાહાટીમાં ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવ્યા હતા, પછી મુસાફરોને એમાં બેસાડીને ટ્રેને આગળની સફર ફરી શરૂ કરી હતી.
અકસ્માતના કારણે આસામ અને પૂર્વોત્તરના અન્ય ભાગોમાં રેલ-સર્વિસ ખોરવાઈ ગઈ હતી. જમુનામુખ-કામપુર સેક્શન પર રેલ-ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.
એલિફન્ટ કૉરિડોર નથી
વન વિભાગે જણાવ્યું હતું કે આ વિસ્તાર એલિફન્ટ કૉરિડોર નથી તેથી આ ટોળું રેલવે-ટ્રૅક પર કેવી રીતે પહોંચ્યું એ ખરેખર સવાલ છે. વનવિભાગ તપાસ કરી રહ્યો છે કે જંગલોમાં ખોરાક કે પાણીની અછતને કારણે હાથીઓ રેલવે-ટ્રૅક તરફ આવ્યા હતા કે શું. આ અકસ્માત ફરી એક વાર રેલવેલાઇનો પર વન્ય જીવોની સલામતી અને દેખરેખ વિશે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. નિષ્ણાતો માને છે કે હાથીઓની વધતી જતી હિલચાલને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તકેદારી અને પગલાં લેવાની જરૂર છે.


