કહ્યું કે ઉત્પાદન અમે કરીએ છીએ, ઊંઝા અેનું માત્ર વેચાણ કરે છે
ફાઇલ તસવીર
રાજસ્થાનનાં જીરા અને વરિયાળીના ખેડૂતો ઊંઝાની અૅગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના નામે નોંધાયેલા ‘ઊંઝા જીરું’ અને ‘ઊંઝા વરિયાળી’ના જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગનો વિરોધ કરી રહ્યા છે. તેમની દલીલ છે કે ઊંઝા મુખ્યત્વે એક વેપારકેન્દ્ર છે, ઉત્પાદનકેન્દ્ર નહીં.
જોધપુર જિલ્લા બજારના વેપારીઓ અને ખેડૂતોનો આરોપ છે કે આ નિર્ણય પશ્ચિમ રાજસ્થાનના ખેડૂતોની ઓળખ ભૂંસી નાખવાનો પ્રયાસ કરે છે. જોધપુરસ્થિત સાઉથ એશિયા બાયોટેક્નૉલૉજી સેન્ટર (SABC)અે પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે અને GI રજિસ્ટ્રારને વિગતવાર અહેવાલ સુપરત કર્યો છે અને નિર્ણયની વૈજ્ઞાનિક અને કાનૂની સમીક્ષાની માગણી કરી છે.
ADVERTISEMENT
આ સંદર્ભમાં મહિલા ખેડૂત ચંપા ચૌધરીનું કહેવું છે કે ‘અમે જીરાની ખેતી કરીએ છીએ, ઊંઝા માત્ર એક વેચાણકેન્દ્ર છે. GI ટૅગ વેપારીઓને રાજસ્થાનના જીરાને હલકી ગુણવત્તાવાળા દેખાડવાની છૂટ આપી શકે છે, જ્યારે ઊંઝાના ઉત્પાદનનું પ્રીમિયમ તરીકે માર્કેટિંગ કરે છે. ૨૦૨૪-’૨૫માં રાજસ્થાનમાં ૬.૮૯ લાખ ટન જીરાનું ઉત્પાદન થયું હતું, જ્યારે ગુજરાતે માત્ર ૪.૭ લાખ ટન જીરાનું ઉત્પાદન કર્યું હતું.’
રાજસ્થાનથી ઊંઝા લગભગ ૩૭૦ કિલોમીટર દૂર હોવા છતાં ચંપા ચૌધરી તેમના જીરાના ઉત્પાદનનું ઊંઝા APMCમાં મોટા ભાગે વેચાણ કરે છે, કારણ કે આ માર્કેટ તેમને સારો ભાવ આપે છે અને તેમના ખરીદદારોમાં મુખ્યત્વે નિકાસકારો છે. તેમની સહકારી મંડળીએ ૨૦૨૫-૨૬માં ૨૦૦૦ ટન જીરાનું વેચાણ કર્યું હતું જેમાં ૪૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાયું હતું.
બીજી તરફ રાજસ્થાનના સિરોહી જિલ્લાના ખેડૂત ઇશાક અલીને ડર છે કે ‘ઊંઝા વરિયાળી’ GI ટૅગ રાજસ્થાનમાં ઉગાડવામાં આવતી વરિયાળીને નબળી પાડશે. તેમણે ‘અબુ સૌફ-૪૪૦’ નામની જાત વિકસાવી છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે APMCના નામે GI કેવી રીતે નોંધાવી શકાય?
બીજી તરફ ઊંઝા APMCના ચૅરમૅન દિનેશ પટેલે GI ટૅગનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ઊંઝાએ જીરાની ખેતીનો પાયો નાખ્યો હતો. ગીર કેસર કેરી સાથે આની સરખામણી કરતાં તેમણે દલીલ કરી હતી કે ફક્ત સૂચિત ભૂગોળમાંથી થતી પેદાશ જ આ નામ રાખી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે અરજી સાથે ૧૦૦૦થી વધુ પાનાંના વૈજ્ઞાનિક પુરાવાઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
