નરેન્દ્ર મોદીએ આદરેલા સ્વદેશી અભિયાન અંતર્ગત પોતે પહેલું પગલું લીધું અને લોકોને પણ એમાં જોડાવાની કરી અપીલ
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ
વૈશ્વિક સ્તરે પ્રગતિ કરવા અને અમેરિકા જેવા દેશોને ભારતની તાકાતનો પરચો બતાવવા માટે વડા પ્રધાને સ્વદેશી મંત્ર અપનાવવાની અપીલ કરી ત્યારથી વિપક્ષો ટોણો મારી રહ્યા છે કે પહેલાં તમે તો સ્વદેશી અપનાવો. જોકે એ અપીલનો સકારાત્મક ઉત્તર આપ્યો છે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે. તેમણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યું હતું કે ‘હું ડૉક્યુમેન્ટેશન, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશન માટે આપણા સ્વદેશી પ્લૅટફૉર્મ Zoho પર જઈ રહ્યો છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અભિયાનમાં હું બધાને સામેલ થવા અને સ્વદેશી પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અપનાવવાનો આગ્રહ કરું છું.’
તેમની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં Zohoના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) શ્રીધર વેમ્બુએ કહ્યું હતું કે ‘ધન્યવાદ સર, આ અમારા એન્જિનિયરો માટે મોટી પ્રેરણા છે. તેમણે બે દાયકાથી વધુ સમયથી અમારી પ્રોડક્ટને વિકસાવવામાં ખૂબ મહેનત કરી છે. અમે તમને અને દેશને જરૂર ગર્વ અપાવીશું. જય હિન્દ.’
Zoho શું છે?
Zoho માઇક્રોસૉફ્ટ અને ગૂગલનો ભારતીય વિકલ્પ છે જેની સર્વિસ ૧૫૦ દેશોમાં ૧૩ કરોડ લોકો યુઝ કરે છે. Zoho કૉર્પોરેશનની સ્થાપના ૧૯૯૬માં શ્રીધર વેમ્બુ અને ટોની થૉમસે મળીને કરી હતી. ચેન્નઈસ્થિત આ કંપનીએ પંચાવનથી વધુ સૉફ્ટવેર ઍપ્લિકેશનનો પોર્ટફોલિયો બનાવ્યો છે જે વિવિધ વ્યવસાયોનાં પ્રોજેક્ટ મૅનેજમેન્ટ, કસ્ટમર રિલેશનશિપ મૅનેજમેન્ટ, અકાઉન્ટિંગ, ઍનૅલિસિસ જેવાં કામો કરી શકે છે.


