મને ૭૫ વર્ષ થયાં હોવા છતાં સંઘે કામ કરવા કહ્યું છે એમ જણાવીને મોહન ભાગવતે કહ્યું કે સંઘનું નેતૃત્વ કરનાર વ્યક્તિ હંમેશાં હિન્દુ રહેશે, ભલે તેની જાતિ ગમે તે હોય
મોહન ભાગવત
RSSના શતાબ્દીવર્ષ નિમિત્તે યોજાયેલી બે દિવસની વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ ‘નયી ક્ષિતિજ’માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગઈ કાલે કહ્યું હતું કે ‘સંઘે મને મારી ઉંમર ૭૫ વર્ષ થઈ ગઈ હોવા છતાં કામ કરવા કહ્યું છે. સંગઠન મને જ્યારે પણ આ પદ પરથી હટી જવાનો આદેશ આપશે ત્યારે હું એ છોડી દઈશ.’
સંઘનું નેતૃત્વ કરનાર વ્યક્તિ હંમેશાં હિન્દુ રહેશે, ભલે તેની જાતિ ગમે એ હોય એમ જણાવીને મોહન ભાગવતે એમ પણ કહ્યું હતું કે ‘ટોચનું પદ શ્રેષ્ઠ ઉપલબ્ધ ઉમેદવારને મળશે. RSSના વડાના પદ માટે કોઈ ચૂંટણી થતી નથી. પ્રાદેશિક અને વિભાગીય વડાઓ વડાની નિમણૂક કરે છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે ૭૫ વર્ષના થયા પછી વ્યક્તિએ કોઈ પણ પદ રાખ્યા વિના કામ કરવું જોઈએ. મેં ૭૫ વર્ષ પૂરાં કર્યાં છે અને RSSને જાણ કરી છે, પરંતુ સંગઠને મને કામ ચાલુ રાખવા કહ્યું છે. જ્યારે પણ RSS મને પદ છોડવાનું કહેશે ત્યારે હું એમ કરીશ, પરંતુ કાર્યમાંથી નિવૃત્ત ક્યારેય નહીં થાઉં. RSSમાં સમુદાય-આધારિત પ્રતિનિધિત્વ નથી અને સ્વયંસેવકો તેમના કાર્યના આધારે રૅન્કમાં વધારો કરે છે. RSSના વડાએ જાતિને ધ્યાનમાં લીધા વિના હિન્દુ હોવું જોઈએ.’
ADVERTISEMENT
‘શ્રેષ્ઠ ઉપલબ્ધ ઉમેદવાર’ માપદંડ
RSSની સ્થાપના થઈ ત્યારે એનું કાર્ય બ્રાહ્મણ-પ્રભુત્વ ધરાવતા લોકો દ્વારા શરૂ થયું હતું અને તેથી એના મોટા ભાગના સ્થાપકો બ્રાહ્મણ હતા જેને કારણે એ સમયે સંગઠનને બ્રાહ્મણ સંગઠન તરીકે લેબલ કરવામાં આવ્યું હતું એમ જણાવીને મોહન ભાગવતે કહ્યું હતું કે ‘લોકો હંમેશાં એવા સંગઠનની શોધ કરે છે જેમાં તેમના સમુદાયના પ્રતિનિધિઓ હોય. સંઘના વડા SC કે ST પૃષ્ઠભૂમિમાંથી હશે કે નહીં એ અંગે ચોક્કસ જવાબ આપી ન શકાય, કારણ કે એ નિર્ણય વડાની નિમણૂક કરનારાઓ પર રહેલો છે. જો મારે કોઈ વડાની પસંદગી કરવી હોય તો હું ‘શ્રેષ્ઠ ઉપલબ્ધ ઉમેદવાર’ માપદંડ દ્વારા આગળ વધીશ. મને RSSના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યો ત્યારે ઘણા શ્રેષ્ઠ ઉમેદવારો હતા, પરંતુ તેઓ ઉપલબ્ધ નહોતા. હું જ એવી વ્યક્તિ હતો જેને ફરજોમાંથી મુક્ત કરીને નિયુક્ત કરી શકાયો. અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ સમુદાયનો હોવો એ ગેરલાયકાત નથી અને ન તો બ્રાહ્મણ હોવું એ RSSના વડા બનવાની લાયકાત છે.’
RSS ભ્રષ્ટાચાર સામે કડક કાયદાના પક્ષમાં છે
RSS ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં માને છે અને એની સામે લડતા કોઈ પણને સમર્થન આપે છે એમ જણાવીને મોહન ભાગવતે વધુમાં કહ્યું હતું કે ‘અમારા સ્વયંસેવકોને ભ્રષ્ટાચાર સામે લડનારાઓને ટેકો આપવાનું કહેવામાં આવે છે. RSS ભ્રષ્ટાચાર સામે કડક કાયદાના પક્ષમાં છે અને ભ્રષ્ટ લોકો સામે કાર્યવાહીને સમર્થન આપશે. ભ્રષ્ટાચાર લોકોના મનમાં રહેલો છે, સિસ્ટમમાં નહીં. એવા લોકો છે જે સિસ્ટમને ભ્રષ્ટ કરે છે અને કેટલાક એને સુધારે છે.’
RSS કોઈ જાતિ કે સમુદાયને લક્ષ્ય બનાવતો નથી
મુસ્લિમ સમુદાયોમાં પ્રતિકાર છતાં સંઘના સ્વયંસેવકોના કાર્ય વિશે પૂછવામાં આવતાં મોહન ભાગવતે કહ્યું હતું કે ‘જો બન્ને પક્ષો એકબીજાનો વિરોધ કરે છે તો ફક્ત મુકાબલો થશે અને કોઈ કામ થઈ શકશે નહીં. RSS કોઈ જાતિ કે સમુદાયને લક્ષ્ય બનાવતો નથી પરંતુ ભૌગોલિક રીતે કાર્ય કરે છે. જો કોઈ વિસ્તારમાં ૧૦,૦૦૦ લોકોની વસ્તી હોય તો અમે ત્યાં કામ કરવાનો પ્રયાસ કરીએ છીએ. એક વાર આપણે ભૌગોલિક રીતે ફેલાઈ જઈએ તો બધા વર્ગો અને સમુદાયો સુધી પહોંચીશું. જો તમે RSSના ટોચના વર્તુળને જોશો તો એ મોટા ભાગના સમુદાયોનું પ્રતિનિધિત્વ છે.’
અંગ્રેજીમાં નિપુણ થવું જોઈએ, પણ માતૃભાષા ભૂલવી ન જોઈએ
RSSના કાર્યમાં અંગ્રેજી ક્યારેય સંદેશવ્યવહારનું માધ્યમ નહીં બને, કારણ કે એ ભારતીય ભાષા નથી એમ જણાવીને મોહન ભાગવતે કહ્યું હતું કે ‘અમે ભારતીયો સાથે કામ કરવા માગીએ છીએ. જ્યાં પણ અંગ્રેજી જરૂરી હોય ત્યાં અમે એનો ઉપયોગ કરીએ છીએ. અમે એનો વિરોધ નથી કરતા. લોકો એવી રીતે અંગ્રેજી બોલી શકે કે મૂળ અંગ્રેજી બોલનારાઓ સાંભળવા તૈયાર થાય. આપણે અંગ્રેજીમાં નિપુણતા મેળવવી જોઈએ, પરંતુ એનો અર્થ એ નથી કે આપણે આપણી માતૃભાષા ભૂલી જઈએ.’ બૅન્ગલોરમાં થયેલી આવી જ વાતચીતને યાદ કરતાં મોહન ભાગવતે કહ્યું હતું કે દક્ષિણનાં રાજ્યોના ઘણા પ્રતિનિધિઓ હિન્દી સમજી શકતા નથી અને તેમણે તેમના પ્રશ્નોના જવાબ અંગ્રેજીમાં આપ્યા હતા.
સમસ્યા પર નહીં, ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે
પરિસ્થિતિઓ સહાયક અથવા પ્રતિકૂળ હોઈ શકે છે અને એના પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર નથી એમ જણાવીને મોહન ભાગવતે કહ્યું હતું કે ‘આપણે સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ઉકેલો શોધવાના છે. જ્યાં સુધી સત્ય આગળ ન આવે ત્યાં સુધી ભ્રમ અસરકારક રહે છે. સંગઠન એના સ્વયંસેવકો પાસેથી લોહીના છેલ્લા ટીપા સુધી કામ કઢાવે છે. RSSના ઇતિહાસમાં હજી સુધી એવી પરિસ્થિતિ આવી નથી જ્યાં કોઈને નિવૃત્ત થવું પડે. સંઘનું કાર્ય સંસ્કાર (મૂલ્યો) કેળવવાનું છે, પ્રચાર કરવાનું નથી. આપણે પોતાનો પ્રચાર કરવામાં પાછળ રહી ગયા છીએ. વધુ પડતા પ્રચારથી પ્રચાર અને પછી ઘમંડ થાય છે. વ્યક્તિએ એનાથી પોતાને બચાવવાની જરૂર છે. પ્રચાર વરસાદ જેવો હોવો જોઈએ, સમય અને માત્રામાં પૂરતો હોવો જોઈએ.’
RSSના શતાબ્દીવર્ષ
નિમિત્તે યોજાયેલી વ્યાખ્યાનમાળાના બીજા દિવસે અક્ષયકુમાર, વિપુલ અમૃતલાલ શાહ, NSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણ, કરણ જોહર, અનન્યા પાંડે, શિલ્પા શેટ્ટી, રૂપાલી ગાંગુલી, અદનાન સમી અને વિકી કૌશલ હાજર રહ્યાં હતાં.
બંગલાદેશમાં ૧.૨૫ કરોડ હિન્દુ છે, જો તે લોકો એક થાય અને લડે તો જગતભરના હિન્દુઓ તેમને મદદ કરશે




ભારત પર ૮૦૦ કરતાં પણ વધારે વર્ષોના વિદેશી શાસન છતાં ભારતનું અસ્તિત્વ ટકી રહ્યું છે. હવે ૨૦૪૭માં સાંસ્કૃતિક અખંડ ભારત સાકાર કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આ મુજબનો પડકાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે શ્રોતાઓ સમક્ષ મૂક્યો હતો.
બંગલાદેશમાં હિન્દુઓની થઈ રહેલી હત્યાઓ અને દમન પર બોલતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે સંઘની શતાબ્દી નિમિત્તે આયોજિત કરાયેલી વ્યાખ્યાનમાળાના બીજા દિવસે લોકોના પ્રશ્નોના જબાવ પણ આપ્યા હતા. આવા જ એક પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ‘બંગલાદેશમાં ૧.૨૫ કરોડ હિન્દુ છે. જો તેઓ એકસાથે આવે તો કાંઈ પણ થઈ શકે. તેમણે એક થવાની જરૂર છે. તેઓ જો લડવાનું નક્કી કરે અને પાછળ ન હટે તો જગતભરના હિન્દુઓ તેમની મદદ કરશે. મારું કહેવું છે કે આપણે પણ સજાગ રહેવાની જરૂર છે. બાકી બીજી કોઈ સુરક્ષાની જરૂર નથી.’
મોહન ભાગવતે અન્ય મુદ્દે પણ તેમના વિચારો પ્રગટ કર્યા હતા.
ભાષાના આધારે સમાજમાં ભેદભાવ નથી
ભાષાના આધારે સમાજમાં ભેદભાવ નથી. કેટલાક લોકો દ્વારા જાણીજોઈને ભેદભાવ ઊભા કરવામાં આવતા હોય છે. સ્થાનિક પ્રશ્નોને મોટા કરવાની જરૂર નથી, પણ એમ છતાં કેટલાક લોકો એને વકરાવવાનું કામ કરે છે. રાજકાણીઓ તેમનું કામ કરતા હોય છે. આપણે ભારતની એકતા માટે એકસાથે આવવું જોઈએ.
સ્વયંસેવક ગરીબ હશે તો પણ ભ્રષ્ટાચાર નહીં કરે
ભ્રષ્ટાચાર સિસ્ટમમાં નહીં માણસના મનમાં હોય છે. સરકારમાં ક્યારે ભ્રષ્ટાચાર થાય છે એ સમજાતો પણ નથી. સ્વયંસેવક ગરીબ હશે તો પણ ક્યારેય ભ્રષ્ટાચાર નહીં કરે એવો વિશ્વાસ દર્શાવી મોહન ભાગવતે સ્વયંસેવકોને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા જણાવ્યું હતું.


