રાહુલ ગાંધીનો સનસનાટી ફેલાવતો આક્ષેપ
રાહુલ ગાંધીએ ગઈ કાલે દિલ્હીમાં કૉન્ગ્રેસના હેડક્વૉર્ટરમાં પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને શૅરબજારના ‘સ્કૅમ’ની માહિતી આપી હતી
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ શૅરબજારના અત્યાર સુધીના સૌથી મોટા કૌભાંડમાં સીધા સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો હતો. ૪ જૂને શૅરબજાર તૂટતાં રોકાણકારોની ૩૦ લાખ કરોડ રૂપિયા કરતાં વધુ મૂડીનું ધોવાણ થયું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ફેક એક્ઝિટ પોલ બાદ શૅરબજાર ઊંચકાયું હતું જ્યારે ૪ જૂને માર્કેટમાં મોટો કડાકો બોલ્યો હતો. શૅરબજારમાં આ ઉતાર-ચડાવ મોટું કૌભાંડ હોવાનો દાવો કરતાં રાહુલે જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટી દ્વારા તપાસની માગણી કરી હતી.
રાહુલે કહ્યું હતું કે BJPના ટોચના નેતાઓએ આ કૌભાંડનો દોરીસંચાર કર્યો હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહપ્રધાન અમિત શાહ એમાં સીધા સંડોવાયેલા હતા.
ADVERTISEMENT
રાહુલ ગાંધીના ત્રણ સવાલ
- શા માટે વડા પ્રધાન અને ગૃહપ્રધાને શૅરબજારમાં ચોક્કસ સમયે રોકાણ કરવા માટેની સલાહ આપી હતી?
- શું રોકાણની સલાહ આપવી એ તેમનું કામ છે?
- શૅરબજારમાં ગેરરીતિ બદલ સિક્યૉરિટીઝ એક્સચેન્જ બૉર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) દ્વારા જેમની સામે તપાસ થઈ રહી છે એ બિઝનેસ-ગ્રુપના મીડિયા-હાઉસને મોદી અને શાહે કેમ ઇન્ટરવ્યુ આપ્યા હતા?
હાર સહન ન થતાં રાહુલ રોકાણકારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે : BJP
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા પીયૂષ ગોયલે રાહુલ ગાંધીના આક્ષેપનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીમાં પરાજયના આઘાતમાંથી રાહુલ હજી બહાર આવ્યા નથી. હવે તેઓ રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોદી સરકારના ૧૦ વર્ષના કાર્યકાળમાં પહેલી વાર શૅરબજારે ૪૧૫ લાખ કરોડની માર્કેટ-કૅપ પાર કરી હતી જે કૉન્ગ્રેસના શાસન વખતે માત્ર ૬૭ લાખ કરોડ રૂપિયા હતી.’