છેતરપિંડી કેસમાં પંજાબના AAPના વિધાનસભ્ય રમણ અરોરાની ધરપકડ, પંજાબના મુખ્ય પ્રધાને કહ્યું...
ભગવંત માન
પંજાબ વિજિલન્સ બ્યુરોએ છેતરપિંડીના આરોપમાં આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્ય રમણ અરોરાની ગઈ કાલે ધરપકડ કરી હતી. રમણ અરોરા જાલંધર સેન્ટ્રલ વિધાનસભા બેઠકના વર્તમાન વિધાનસભ્ય છે. બ્યુરોએ જાલંધરમાં તેમના ઘર પર દરોડા પાડ્યા હતા. શોધખોળ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. વિધાનસભ્ય પર કેટલાક અધિકારીઓ સાથે મળીને સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરવાના ગંભીર આરોપો છે. આ મામલો જાલંધર મ્યુનિસિપલ કૉર્પોરેશન સાથે સંબંધિત છે અને અરોરાની ભૂમિકા હવે તપાસ હેઠળ છે.
રમણ અરોરાની ધરપકડ બાદ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું હતું કે ‘ભ્રષ્ટાચાર વિશે અમારી નીતિ ખૂબ જ સ્પષ્ટ છે. ભલે તે અમારી પોતાની વ્યક્તિ હોય કે અજાણી વ્યક્તિ, જો કોઈ કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારમાં સંડોવાય છે તો તેને સહન કરવામાં આવશે નહીં. કાનૂની કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે.’


