લોકોની સલામતી જરૂરી છે એટલે રસ્તા, વૉટર-બૉડીઝ કે રેલવે-ટ્રૅક પર કોઈ પણ ધાર્મિક બાંધકામ હોય તો એને હટાવવું જોઈએ
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
વિવિધ રાજ્યોમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર-ઍક્શન સામે કરવામાં આવેલી પિટિશનો પરના કેસની સુનાવણીમાં ગઈ કાલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘રસ્તાની વચ્ચે દરગાહ, ગુરુદ્વારા કે મંદિર હોય અને એ પબ્લિક સેફ્ટી માટે અવરોધરૂપ હોય તો એનેહટાવવાં જરૂરી છે. લોકોની સલામતી જરૂરી છે એટલે રસ્તા, વૉટર-બૉડીઝ કે રેલવે-ટ્રૅક પર કોઈ પણ ધાર્મિક બાંધકામ હોય તો એને હટાવવું જોઈએ.’
કોર્ટે એ વાત પર ભાર મૂક્યો હતો કે ભારત એક સેક્યુલર દેશ છે અને બુલડોઝર-ઍક્શન કે અતિક્રમણવિરોધી ઝુંબેશના સંદર્ભમાં એના નિર્દેશ દેશના તમામ લોકો માટે છે, ભલે પછી તેઓ કોઈ પણ ધર્મના લોકો હોય.
ADVERTISEMENT
જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું હતું કે ‘અમે જે નક્કી કરી રહ્યા છીએ એ તમામ નાગરિકો અને તમામ સંસ્થાઓ માટે છે, એક વિશેષ સમુદાય માટે નહીં. કોઈ ખાસ ધર્મ માટે અલગ કાયદો હોઈ શકે નહીં. અમે રસ્તા, સરકારી જમીન કે જંગલોમાં ગેરકાયદે બાંધકામોને સંરક્ષણ નહીં આપીએ. અમે એવો પ્રયાસ કરીશું કે તમામ સાર્વજનિક સ્થળે અતિક્રમણ કરનારાઓનેકોઈ મદદ ન મળે.’