એમ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું કે લોકસભાનો પાંચ વર્ષનો સમયગાળો ‘રિફૉર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફૉર્મ’નો રહ્યો છે
લોકસભામાં બજેટ સત્રના ગઈ કાલના છેલ્લા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સંસદ સભ્યો.
દેશ મસમોટા ફેરફારોની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે એ સહિત લોકસભાનો પાંચ વર્ષનો સમયગાળો ‘રિફૉર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફૉર્મ’નો રહ્યો છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ૧૭મી લોકસભાની પ્રોડક્ટિવિટી ૯૭ ટકા હતી.
વડા પ્રધાને સંસદ સત્રના વિદાય પ્રવચનમાં એમ પણ કહ્યું હતું કે આ લોકસભાએ ૩૭૦મી કલમ હટાવીને પેઢીઓની પ્રતીક્ષાને પૂરી કરી હતી. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ અયોધ્યા રામમંદિર વિશે ઠરાવ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. રામમંદિર ભાવિ પેઢીને આશા અને એકતાનાં મૂલ્યોની સમજ આપશે, એમ તેમણે જણાવ્યું હતું.
ઐતિહાસિક રામમંદિરના બાંધકામ અને શ્રીરામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વિશે ગૃહમાં ૪ કલાકની ચર્ચાને અંતે ગૃહમાં ઠરાવ વાંચતાં તેમણે જણાવ્યું હતું કે સદીઓની પ્રતીક્ષા બાદ સારા વહીવટ અને લોકકલ્યાણના નવા યુગમાં અયોધ્યામાં રામમંદિર ઉદ્ભવ્યું છે.
ADVERTISEMENT
યમ, નિયમ, તપ, ઉપાસના
અયોધ્યામાં શ્રીરામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વિધિ પૂર્વે વડા પ્રધાન નરેન્દ મોદીએ ૧૧ દિવસનું અનુષ્ઠાન રાખ્યું હતું, એમ કહી કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે પોતાના યમ, નિયમ, તપ અને ઉપાસના દ્વારા વડા પ્રધાને ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિને પુનર્જીવિત કરી હતી.
બીજેપીના સિનિયર નેતા સત્યપાલ સિંહે લોકસભામાં રામમંદિર વિશે ચર્ચાની શરૂઆત કરી હતી અને ભગવાન રામના અસ્તિત્વ વિશે પ્રશ્ન કરનાર કૉન્ગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
એઆઇએમઆઇએમના વડા અસદ્દુદીન ઓવૈસીએ પ્રશ્ન કર્યો હતો કે મોદી સરકાર માત્ર હિન્દુત્વ માટે છે અને જણાવ્યું હતું કે બાબરી મસ્જિદ જ્યાં બાંધવામાં આવી હતી ત્યાં જ રહેશે.
મોદી પછી કોણ? અમિત શાહ કે યોગી?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વાર સરળતાથી જીત હાંસલ કરશે એવી મૂડ ઑફ ધ નેશનના ઓપિનિયન પોલમાં આગાહી કરવામાં આવી છે. જોકે સર્વે દરમ્યાન લોકોને પીએમના ઉત્તરાધિકારી વિશે પણ પૂછવામાં આવ્યું હતું. સર્વે અનુસાર ૨૯ ટકા લોકો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને સૌથી યોગ્ય રાજકીય ઉત્તરાધિકારી માને છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ૨૫ ટકા મતો સાથે બીજા સ્થાને છે. એ જ સમયે, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી તેમનાથી પાછળ છે. સર્વેમાં ૧૬ ટકા લોકોએ તેમનું સમર્થન કર્યું હતું.