કર્ણાટકમાં મતદાતાઓને ડિનર સેટ, પ્રેશર-કુકર, ડિજિટલ વૉચ અને અન્ય ગિફ્ટ્સ મળી રહી છે, તીર્થયાત્રા પણ સ્પૉન્સર કરવામાં આવી રહી છે

કર્ણાટકમાં સ્થાનિક નેતા વરથુર બી. એસ. શ્રીધર દ્વારા એક મહિલાને પ્રેશર-કુકર આપવામાં આવી રહ્યું છે.
બૅન્ગલોરઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ મતદાતાઓ માટે અચ્છે દિન શરૂ થઈ ગયા છે. તમામ લીડર્સ મતદાતાઓને આકર્ષવા માટે શક્ય તમામ કોશિશ કરતા જોવા મળી રહ્યા છે. ડિનર સેટ, પ્રેશર-કુકર, ડિજિટલ વૉચ અને અન્ય ગિફ્ટ્સ મતદાતાઓને મળી રહી છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના થોડાક મહિના પહેલાં જ ગિફ્ટિંગની સીઝન છે.
કેટલાક પૉલિટિશ્યન્સ તો પોતાના મતદાતાઓ માટે તીર્થયાત્રા પણ સ્પૉન્સર કરી રહ્યા છે, જેમાં સૌથી પસંદગીનાં તીર્થ સ્થળોમાં તિરુપતિ, કર્ણાટકમાં મંજુનાથ સ્વામી મંદિર અને મહારાષ્ટ્રમાં શિર્ડી છે. બાગલકોટ જિલ્લાના એક લીડરના ફોટોગ્રાફવાળી ડિજિટલ વૉચનો એક વિડિયો રીસન્ટલી વાઇરલ થયો હતો.
બૅન્ગલોરના એક મતવિસ્તારમાં મતદાતાઓને ડિનર સેટ્સ પણ વહેંચવામાં આવ્યા હતા. એક વ્યક્તિએ ન્યુઝ એજન્સી પી.ટી.આઇ.ને જણાવ્યું હતું કે ‘મને બપોરે ફોન આવ્યો કે આવો અને ડિનર સેટ લઈ જાઓ. શરૂઆતમાં મને લાગ્યું કે મજાક છે, પરંતુ મેં આસપાસ તપાસ કરાવી તો ખબર પડી કે ખરેખર ડિનર સેટ્સ વહેંચવામાં આવી રહ્યા હતા.’
નોંધપાત્ર છે કે રીસન્ટલી ટ્રક ભરીને પ્રેશર-કુકર અને રસોઈનાં વાસણો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં, જેને મતદાતાઓમાં વહેંચવાનાં હતાં. આ ઘટનાઓ વિશે કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર મીણાએ જણાવ્યું હતું કે ચૂંટણીની તારીખોની જાહેરાતના દિવસથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ જાય છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાના પહેલાંથી જ આ પ્રકારની પદ્ધતિઓને રોકવાની નવી રીતો શોધવી પડશે.