અયોધ્યામાં ૧૯ ઑક્ટોબરે દીપોત્સવને પહેલાંથી પણ વધુ અદ્ભુત અને ઐતિહાસિક રીતે ઊજવવાની તૈયારીઓ
આકાશમાં ૧૦૦ ડ્રોનની મદદથી પ્રભુ શ્રીરામની લીલાઓનાં દૃશ્યો ઉજાગર કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં રામની નગરી અયોધ્યા ફરી એક વાર દિવ્યતા અને ભવ્યતાના સંગમથી ઝગમગવા માટે તૈયાર છે. ૧૯ ઑક્ટોબરે રામ કી પૈડી પર થનારા દીપોત્સવમાં આ વર્ષે પહેલાં કરતાંય વધુ મોટા પાયે અને ઐતિહાસિક તૈયારીઓની ઉજવણી શરૂ થઈ ગઈ છે. એ તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાજ્યના પર્યટનપ્રધાન જયવીર સિંહ બુધવારે અયોધ્યા ગયા હતા. તેમણે કહ્યું હતું કે ‘આ વર્ષે અયોધ્યાનગરી પોતે જ બનાવેલા પહેલાંના રેકૉર્ડ તોડશે. સરયુ તટ પર રામ કી પૈડી પર ૨૬ લાખ દીવડાઓની સજાવટ થશે. મા સરયુની આરતી ૨૧૦૦ અર્ચકો દ્વારા એકસાથે થશે જે દિવ્ય અને અદ્ભુત દૃશ્ય રચશે. આકાશમાં ૧૦૦ ડ્રોનની મદદથી પ્રભુ શ્રીરામની લીલાઓનાં દૃશ્યો ઉજાગર કરવામાં આવશે.’


