જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરને સોનમર્ગ સાથે જોડતી ટનલનું વડા પ્રધાન મોદીએ કર્યું ઉદ્ઘાટન : તેમણે લોકોને કહ્યું કે કાશ્મીર ભારતનો તાજ છે, તમારે આ તાજને વધારે સુંદર બનાવવાનો છે
જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરને સોનમર્ગ સાથે જોડતી ટનલનું વડા પ્રધાન મોદીએ કર્યું ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જમ્મુ અને કાશ્મીરના ગંડેરબાલમાં ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું અને એક જનસભાને સંબોધતાં કહ્યું હતું કે આ મોસમ, આ બરફ, આ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલા ખૂબસૂરત પહાડોને જોઈને દિલ પ્રસન્ન થઈ જાય છે. બે દિવસ પહેલાં જમ્મુ ઍન્ડ કાશ્મીરના મુખ્ય પ્રધાને સોશ્યલ મીડિયામાં અહીંની કેટલીક તસવીરો શૅર કરી હતી અને એ જોઈને અહીં આપની વચ્ચે આવવા માટેની મારી ઉત્સુકતા વધી ગઈ હતી. હું એક મોટી ગિફ્ટ લઈને આપના સેવકના રૂપમાં આપની વચ્ચે આવ્યો છું. થોડા દિવસ પહેલાં મેં જમ્મુમાં રેલ ડિવિઝનનો શિલાન્યાસ કર્યો હતો. આ તમારી જૂની માગણી હતી. હવે સોનમર્ગ ટનલને દેશને સોંપતાં આનંદ થાય છે. ફરી એક વાર લદાખની વધુ એક જૂની માગણી પૂરી થઈ છે. આ ટનલ સોનમર્ગ વિસ્તારમાં ટૂરિઝમના ક્ષેત્રનો વિકાસ કરશે. આગામી દિવસોમાં રેલવેથી કાશ્મીર પણ જોડાવાનું છે. આને લઈને અહીં જબરદસ્ત ખુશીનો માહોલ છે.
આ ટનલ પ્રોજેક્ટ વિશે બોલતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં અમારી સરકાર બનતાં સોનમર્ગ ટનલનું વાસ્તવિક નિર્માણ કામ ૨૦૧૫માં શરૂ થયું હતું. મને ખુશી છે કે આ ટનલનું કામ અમારી સરકારના સમયમાં જ પૂરું થયું છે. એક વાત પાકી માનો, આ મોદી જે વાયદો કરે છે એ નિભાવે છે. દરેક કામનો એક સમય હોય છે અને યોગ્ય સમયે યોગ્ય કામ થવાનું છે.
ADVERTISEMENT
જમ્મુ અને કાશ્મીરમાં આવેલા બદલાવ વિશે બોલતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં બદલાવનું શ્રેય અહીંની જનતાને જાય છે. આ નવો દોર છે, રાતના સમયે લોકો લાલ ચોકમાં આઇસક્રીમ ખાવા જાય છે. રાત્રે પણ ત્યાં રોનક હોય છે. કાશ્મીર ભારતનો તાજ છે. આ તાજને વધારે સુંદર બનાવવાનો છે.
આ પ્રસંગે હાજર રહેલા મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ પણ વડા પ્રધાનનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ ટનલનો અહીંના આવામને ઘણો ફાયદો થશે. તેમણે હવે સોનમર્ગને વિન્ટર સ્પૉર્ટ્સના એક સેન્ટર તરીકે ડેવલપ કરવાનું નક્કી કર્યું છે.

