Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આ દિવાળી ખરેખર સ્પેશ્યલ છે, ભારતની આ પ્રથમ નક્સલમુક્ત દિવાળી છે

આ દિવાળી ખરેખર સ્પેશ્યલ છે, ભારતની આ પ્રથમ નક્સલમુક્ત દિવાળી છે

Published : 09 November, 2026 02:06 PM | Modified : 09 November, 2026 02:06 PM | IST | Chhattisgarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાને છત્તીસગઢના બસ્તરના નક્સલવિરોધી લૉન્ચપૅડ કોબ્રા બેઝ પર જવાનો સાથે દિવાળી ઊજવી

નરેન્દ્ર મોદીએ સુરક્ષાદળો સાથે મીઠાઈ વહેંચીને દિવાળીની શુભેચ્છા આપી હતી.

નરેન્દ્ર મોદીએ સુરક્ષાદળો સાથે મીઠાઈ વહેંચીને દિવાળીની શુભેચ્છા આપી હતી.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે છત્તીસગઢના બસ્તરમાં આવેલા કરનપુર ખાતે કમાન્ડો બટાલિયન ફૉર રિઝોલ્યુટ ઍક્શન (CoBRA) ઑપરેશન્સ બેઝ પર સુરક્ષાદળોના જવાનો સાથે દિવાળીની ઊજવણી કરી હતી. એક સમય હતો જ્યારે કરનપુરનો આ બેઝ બસ્તર અને અબુઝમાડના ગાઢ જંગલોમાં નક્સલવાદીઓ સામેનાં ઑપરેશન્સ માટે મુખ્ય તાલીમ કેન્દ્ર અને લૉન્ચપૅડ ગણાતો હતો, પરંતુ હવે ત્યાં શાંતિનો માહોલ છે. 
૨૦૧૪થી શરૂ કરેલી પોતાની પરંપરા જાળવી રાખતાં તેમણે આ વર્ષે નક્સલવાદના ગઢ ગણાતા બસ્તરની પસંદગી કરી હતી. આ પહેલી એવી દિવાળી હતી જ્યારે દેશ નક્સલવાદથી સંપૂર્ણ મુક્ત થઈ ચૂક્યો છે. વડા પ્રધાને ‘અમર જવાન’ સ્મારક પર જઈને દેશ માટે બલિદાન આપનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ૨૦૨૬ની દિવાળીને ઐતિહાસિક ગણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘આ ભારતની પહેલી નક્સલવાદ મુક્ત દિવાળી છે. ૪૦-૫૦ વર્ષમાં પહેલી વાર દેશનો દરેક જિલ્લો નક્સલવાદના ડરથી મુક્ત થયો છે. આ સુરક્ષાદળોના અદમ્ય સાહસ અને સરકારની નીતિઓની જીત છે.’
વડા પ્રધાને જવાનોને સંબોધતાં જાહેરાત કરી કે ૪૭ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે છેલ્લા એક વર્ષમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક પણ જવાન શહીદ થયો નથી. તેમણે ૨૦૧૦ના દંતેવાડા હુમલાની યાદ અપાવી હતી જેમાં ૭૬ જવાનો શહીદ થયા હતા. અગાઉ દર વર્ષે ૨૦૦૦થી વધુ હુમલા થતા હતા, પરંતુ ૨૦૧૪ પછી મજબૂત રાજકીય ઇચ્છાશક્તિથી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
નોંધનીય છે કે ૩૧ માર્ચે કેન્દ્ર સરકારે નક્સલી કમાન્ડરોનો સફાયો કરીને દેશને નક્સલમુક્ત જાહેર કર્યો હતો. CRPFના ડિરેક્ટર જનરલ જી. પી. સિંહે આ ઝીરો કૅઝ્યુઅલ્ટીનું શ્રેય જવાનોને મળેલાં આધુનિક સાધનો, ટ્રેઇનિંગ અને ઑપરેશન દરમ્યાન મળેલી ઝડપી મેડિકલ સહાયને આપ્યું હતું.

કયા વર્ષે ક્યાં દિવાળી ઊજવી નરેન્દ્ર મોદીએ?
૨૦૧૪: સિયાચીન બેઝ કૅમ્પ (લદાખ)
૨૦૧૫: ડોગરાઈ વૉર મેમોરિયલ (પંજાબ બૉર્ડર)
૨૦૧૬: સુમદો (કિન્નૌર, હિમાચલ પ્રદેશ)
૨૦૧૭: ગુરેઝ વૅલી (જમ્મુ-કાશ્મીર)
૨૦૧૮: હર્ષિલ (ઉત્તરાખંડ)
૨૦૧૯: રાજૌરી (જમ્મુ-કાશ્મીર)
૨૦૨૦: લોંગેવાલા (રાજસ્થાન)
૨૦૨૧: નૌશેરા (જમ્મુ-કાશ્મીર)
૨૦૨૨: કારગિલ (લદાખ)
૨૦૨૩: લેપ્ચા (હિમાચલ પ્રદેશ)
૨૦૨૪: કચ્છ (ગુજરાત)
૨૦૨૫: INS વિક્રાંત



જંગલોમાંથી હથિયારધારી નક્સલવાદીઓ સાફ થયા, હવે દિમાગી નક્સલીઓથી દેશને ખતરો છે :  નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે છત્તીસગઢના બસ્તરમાં તહેનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતાં દેશની આંતરિક સુરક્ષા વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘જંગલોમાંથી હથિયારબંધ નક્સલવાદીઓનો સફાયો થઈ ચૂક્યો છે, પરંતુ નક્સલવાદનો ખતરો હજુ સંપૂર્ણ રીતે ખતમ નથી થયો. હવે આપણને ‘દિમાગી નક્સલીઓ’ થી મોટો ખતરો છે. આવા લોકોએ અનેક રાજકીય સંગઠનોમાં ઘૂસણખોરી કરી લીધી છે અને તેઓ લોકોને બંધારણ અને લોકશાહીની વિરુદ્ધ ભડકાવી રહ્યા છે. આપણે તેમને ઓળખીને ખતમ કરવા જ પડશે.”


કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ "દિવાળી એટલે ખુશીઓની ઈદ"

કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિવાળી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતાં આ તહેવારને ‘ખુશીઓની ઈદ’ ગણાવીને એકતાનો સંદેશ આપ્યો હતો. નવી દિલ્હીમાં તેમણે દિવાળીને ઘણા દિવસો સુધી ચાલનારો અને લોકોને એકબીજાની નજીક લાવનારો તહેવાર ગણાવ્યો હતો. તેમણે અપીલ કરી હતી કે જે લોકો અંદરોઅંદર લડી રહ્યા છે તેમણે આ પવિત્ર તહેવાર પર પોતાની તમામ ગેરસમજ દૂર કરીને દેશની એકતા અને શાંતિ માટે પૂરા દિલથી કામ કરવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 02:06 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK