Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરસિંહ રાવ, સ્વામીનાથન, ચરણ સિંહને ભારત રત્ન

નરસિંહ રાવ, સ્વામીનાથન, ચરણ સિંહને ભારત રત્ન

10 February, 2024 11:36 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશ પરત્વે અનન્ય પ્રદાન બદલ ચૌધરી ચરણ​ સિંહને ભારત રત્નથી નવજવામાં આવશે એમ મોદીએ જણાવ્યું હતું

પી. વી. નરસિંહ રાવ, એમ. એસ. સ્વામીનાથન, ચૌધરી ચરણ સિંહ

પી. વી. નરસિંહ રાવ, એમ. એસ. સ્વામીનાથન, ચૌધરી ચરણ સિંહ


ભૂતપૂર્વ વડા પ્રધાનો પી. વી. નરસિંહ રાવ અને ચૌધરી ચરણ સિંહ તેમ જ કૃષિ વિજ્ઞાની એમ. એસ. સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવશે એવી જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કરી હતી. કેન્દ્રે આ પહેલાં બીજેપીના પીઢ નેતા એલ. કે. અડવાણી અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પુરી ઠાકુરને ભારત રત્નથી નવાજવાની જાહેરાત કરી હતી.

અનન્ય વિદ્વાન અને રાજનીતિજ્ઞ તરીકે નરસિંહ રાવે વિવિધ ક્ષમતામાં ભારતની વ્યાપક સેવા કરી હતી. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન, કેન્દ્રના પ્રધાન અને સંસદસભ્ય તરીકે તેમની સેવાઓને સમાન રીતે યાદ રાખવામાં આવશે. ભારતને આર્થિક રીતે આધુનિક બનાવવામાં તેમની નેતાગીરીની દીર્ઘદૃષ્ટિ કારણરૂપ હતી એમ મોદીએ સોશ્યલ મીડિયા એક્સ ઉપર જણાવ્યું હતું. વડા પ્રધાન તરીકે નરસિંહ રાવના શાસન દરમિયાન વૈશ્વિક માર્કેટ પરત્વે ભારતને ખુલ્લું મૂકવાનું નોંધપાત્ર પગલું તેમની સરકારે લીધું હતું. આથી આર્થિક વિકાસના નવા યુગનો ઉદય થયો હતો એમ વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું.દેશ પરત્વે અનન્ય પ્રદાન બદલ ચૌધરી ચરણ​ સિંહને ભારત રત્નથી નવજવામાં આવશે એમ મોદીએ જણાવ્યું હતું. દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન અવૉર્ડથી સન્માનવાની બાબત અમારી સરકારનું સદ્નસીબ છે. આ સન્માન દેશ પરત્વે તેમના અનુપમ પ્રદાનને સમર્પિત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને કલ્યાણ માટે ન્યોચ્છાવર કર્યું હતું એમ તેમણે કહ્યું હતું. એમ. એસ. સ્વામીનાથન વિશે મોદીએ જણાવ્યું હતું કે દેશમાં કૃષિ અને ખેડૂતોના કલ્યાણ માટે તેમનું પ્રદાન નોંધપાત્ર છે.


પી. વી. નરસિંહ રાવ : આર્થિક ઉદારીકરણના જનક

કેન્દ્ર સરકારે દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. નરસિંહ રાવ સતત આઠ ચૂંટણી જીત્યા અને કૉન્ગ્રેસ પાર્ટીમાં ૫૦ વર્ષથી વધુ સમય ગાળ્યા પછી ભારતના વડા પ્રધાન બન્યા હતા. રાવને ભારતીય રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે. તેમને ભારતમાં આર્થિક ઉદારીકરણના જનક માનવામાં આવે છે. તેઓ ૧૦ ભાષા બોલી શકતા હતા અને અનુવાદમાં પણ માસ્ટર હતા. નરસિંહ રાવ ૧૯૯૧ની ૨૦ જૂનથી ૧૯૯૬ની ૧૬ મે સુધી દેશના વડા પ્રધાન હતા. જ્યારે તેઓ પ્રથમ વખત વિદેશપ્રવાસે ગયા ત્યારે તેમની ઉંમર ૫૩ વર્ષની હતી. તેમણે બે કમ્પ્યુટર લૅન્ગ્વેજ શીખીને ૬૦ વર્ષની ઉંમર વટાવીને કમ્પ્યુટર કોડ બનાવ્યો હતો. પી. વી. નરસિંહ રાવનો જન્મ ૧૯૨૧ની ૨૮ જૂને આંધ્ર પ્રદેશના કરીમનગરમાં થયો હતો. તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ તેમ જ મુંબઈ યુનિવર્સિટી અને નાગપુર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. નરસિંહ રાવ વ્યવસાયે કૃષિનિષ્ણાત અને વકીલ હતા. તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને કેટલાક મહત્ત્વપૂર્ણ વિભાગોનો હવાલો સંભાળ્યો હતો. દેશના વડા પ્રધાન બનતાં પહેલાં નરસિંહ રાવે ત્રણ ભાષામાં પ્રચાર કર્યો હતો. તેઓ ત્રણ બેઠક જીત્યા અને ડાઉન ટુ અર્થ હતા. નરસિંહ રાવને રાજકારણ ઉપરાંત કલા, સંગીત અને સાહિત્ય જેવાં વિવિધ ક્ષેત્રોમાં સારી સમજ હતી. નરસિંહ રાવ દક્ષિણ ભારતની પ્રથમ એવી વ્યક્તિ હતા જેઓ દેશના વડા પ્રધાનપદ સુધી પહોંચ્યા હતા. રાવે ખૂબ જ મુશ્કેલ સમયમાં દેશની કમાન સંભાળી હતી.


એમ. એસ. સ્વામીનાથન : હરિત ક્રાન્તિના પ્રણેતા

કેન્દ્ર સરકારે દેશમાં હરિત ક્રાન્તિની શરૂઆત કરનાર મહાન કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથને કૃષિક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવામાં મોટું કામ કર્યું હતું. સ્વામીનાથને ઘઉં અને ચોખાની એવી જાતો બનાવી હતી જેનાથી માત્ર ઊપજમાં જ વધારો થયો નહોતો, પરંતુ તેમના પ્રયત્નોએ દેશને દુષ્કાળથી બચાવવામાં પણ મદદ કરી હતી. ૧૯૬૦ના દાયકામાં તેમણે ભારત સહિત પાડોશી દેશોને દુષ્કાળની પરિસ્થિતિમાંથી બચાવવા માટે મહત્ત્વપૂર્ણ કામ કર્યું હતું. વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથનનું પૂરું નામ મનકોમ્બુ સંબાશિવન સ્વામીનાથન હતું. તેમનો જન્મ ૧૯૨૫ની ૭ ઑગસ્ટે થયો હતો. તેઓ કૃષિ વૈજ્ઞાનિક હોવાની સાથોસાથ વનસ્પતિ આનુવંશિકતાવાદી પણ હતા. તેમને ૧૯૭૨માં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચના ડિરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૧૯૭૯માં તેમને અગ્ર સચિવ બનાવવામાં આવ્યા હતા. તેમણે આયોજન પંચમાં પણ સેવા આપી હતી. તેમણે દેશને દુષ્કાળથી બચાવવા માટે મહત્ત્વપૂર્ણ કામ કર્યું હતું. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત સિવિલ સર્વિસથી કરી હતી, પરંતુ તેમની રુચિ ખેતીમાં હતી એને કારણે તેમણે આ ક્ષેત્રમાં રિસર્ચ કરવાનું શરૂ કર્યું હતું. સ્વામીનાથનને ૧૯૮૭માં કૃષિ ક્ષેત્રે નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાતો પ્રથમ ફૂડ અવૉર્ડ મળ્યો હતો. તેમને પદ્‍મશ્રી, પદ્‍મભૂષણ અને પદ્‍મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ચૌધરી ચરણ સિંહ: ખેડૂતોના મસીહા

ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય દેશનું સૌભાગ્ય છે. દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહે દેશ માટે અજોડ યોગદાન આપ્યું છે. તેમણે પોતાનું આખું જીવન દેશ માટે આપ્યું, ખેડૂતો અને તેમના પરિવારોને પોતાનું જીવન સમર્પિત કર્યું. ચરણ સિંહ ચૌધરીનો જન્મ ૧૯૦૨ની ૨૩ ડિસેમ્બરે થયો હતો. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ ૧૯૭૯ની ૨૮ જુલાઈથી ૧૯૮૦ની ૧૪ જાન્યુઆરી સુધી ભારતના પાંચમા વડા પ્રધાન હતા. તેઓ દેશના ડેપ્યુટી પીએમ પણ રહી ચૂક્યા હતા. 
કૉન્ગ્રેસ સહિતના ઘણા પક્ષોમાં ચૌધરી ચરણ સિંહ મહત્ત્વના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે. ચૌધરી ચરણ સિંહે તેમનું આખું જીવન ગ્રામીણ વાતાવરણમાં વિતાવ્યું હતું. ચૌધરી ચરણ સિંહનો જન્મદિવસ પણ ખેડૂત દિવસ તરીકે ઊજવાય છે.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2024 11:36 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK