Parliament Security Breached: સંસદ ભવનની સુરક્ષામાં ફરી એકવાર થયો ભંગ; અજાણ્યો વ્યક્તિ દિવાલ કૂદીને અંદર ઘૂસી ગયો; સંસદ ભવનમાં હાજર સુરક્ષા કર્મચારીઓએ આરોપીને પકડી લીધો છે અને તેની પૂછપરછ કરી રહ્યા છે
ફાઇલ તસવીર
દેશની સર્વોચ્ચ સંસ્થા સંસદ ભવન (Parliament House)ની સુરક્ષામાં ફરી એકવાર મોટી ખામી જોવા મળી છે. આજે સવારે સંસદ ભવનમાં એક વ્યક્તિ દિવાલ કૂદીને જબરજસ્તી પરિસરમાં પ્રવેશ્યો હતો. જોકે, બાદમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
સંસદ ભવનની સુરક્ષામાં ફરી એકવાર મોટી ક્ષતિ (Parliament Security Breached) સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, સવારે લગભગ ૬.૩૦ વાગ્યે એક વ્યક્તિ ઝાડની મદદથી દિવાલ કૂદીને સંસદ ભવનમાં પ્રવેશ્યો. તે રેલ ભવન (Rail Bhavan) બાજુથી દિવાલ કૂદીને નવા સંસદ ભવનના ગરુડ ગેટ (Garuda Gate) પર પહોંચ્યો. સંસદ ભવનમાં હાજર સુરક્ષા કર્મચારીઓએ આરોપીને પકડી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, દિલ્હી પોલીસ (Delhi Police)ના એક અધિકારીએ આ કેસની પુષ્ટિ કરી છે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા સંસદ ભવનની સુરક્ષા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (Central Industrial Security Force - CISF)ને સોંપવામાં આવી હતી. ખૂબ જ મહત્વપૂર્ણ ઇમારત હોવાને કારણે, સુરક્ષા દળો તેની એક એક ઇંચ પર નજર રાખે છે. પરંતુ ફરી એકવાર તેની સુરક્ષામાં ભંગ થયો છે. ત્યારે સુરક્ષા એજન્સી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ઓગસ્ટ ૨૦૨૪માં પણ બની હતી આવી જ ઘટના
ઓગસ્ટ ૨૦૨૪માં પણ દેશના નવા સંસદ ભવનની સુરક્ષામાં બેદરકારીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. એક યુવક રેડ ક્રોસ રોડ બાજુથી દિવાલ કૂદીને સંસદ ભવનના પરિસરમાં ઘૂસી ગયો હતો. જોકે, સુરક્ષા કર્મચારીઓએ તેને સંસદ ભવનમાં પ્રવેશ કરે તે પહેલાં જ પકડી લીધો હતો. શરૂઆતની તપાસ બાદ ઇમ્તિયાઝ અલી નામનો યુવક માનસિક રીતે નબળો હોવાનું ખબર પડી હતી. દિલ્હી પોલીસ અને ગુપ્તચર વિભાગ સહિત દેશની તમામ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે યુવકની પૂછપરછ કરી હતી. સંસદની સુરક્ષામાં બેદરકારીના આ કિસ્સા બાદ દિલ્હી પોલીસ સહિત દેશની સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો.
ડિસેમ્બર ૨૦૨૩માં પણ સુરક્ષામાં ખામીની ઘટના ઘટી હતી
ડિસેમ્બર ૨૦૨૩માં પણ સંસદ ભવનની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. સુરક્ષા ઘેરો તોડીને બે શંકાસ્પદોએ લોકસભામાં વિઝિટર ગેલેરીમાંથી કૂદી પડ્યા હતા. સંસદની કાર્યવાહી દરમિયાન, બંને માણસો બેન્ચ પર ચઢી ગયા હતા અને કૂદવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ત્યાં અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. સુરક્ષા કર્મચારીઓ ઉતાવળમાં દોડી આવ્યા હતા અને બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. ત્યારાબદ સાંસદોએ બંને માણસોને ઘેરી લીધા હતા. લોકસભાની સુરક્ષામાં રોકાયેલા માર્શલો પણ તાત્કાલિક દોડી ગયા હતા અને બંને શખ્સને કાબૂમાં લેવામાં આવ્યા હતા. પછી, વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


