પંજાબમાં સિક્યૉરિટી એજન્સીઓ અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સે દેખરેખ વધારી દીધા પછી ડ્રગ્સ માફિયાઓએ રૂટ બદલ્યો

પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાનમાંથી પંજાબમાં ઇન્ટરનૅશનલ બોર્ડર પર ડ્રોન્સ મારફત ડ્રગ્સ અને હથિયારો મોકલવાનું પ્રમાણ ખૂબ જ વધી જવાને કારણે ઇન્ડિયન સિક્યૉરિટી એજન્સીઓએ એને રોકવા માટે ખૂબ જ પ્રયાસો શરૂ કર્યા. આવાં અનેક ડ્રોન્સને તોડી પાડવામાં આવ્યાં અને ખૂબ જ દેખરેખ રાખવામાં આવી રહી છે. જેને પગલે હવે પાકિસ્તાનના ડ્રગ માફિયાઓએ રાજસ્થાન અને ગુજરાતમાં બોર્ડર પર ડ્રોન્સ વડે હેરોઇન પહોંચાડવાનું શરૂ કર્યું છે. બોર્ડર સિક્યૉરિટી ફોર્સ (બીએસએફ) અને કેન્દ્રીય તપાસ એજન્સીઓના ટૉપના સોર્સિસને ટાંકીને એક રિપોર્ટમાં આવો દાવો કરવામાં આવ્યો છે.
સોર્સિસ અનુસાર રાજસ્થાન અને ગુજરાતમાં બીએસએફ દ્વારા ડ્રગ્સ જપ્ત કરવાના પ્રમાણમાં ખૂબ જ વધારો થયો છે, જેમાં મોટા ભાગે હેરોઇન પકડાયું છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓએ પણ આવી જ સ્થિતિ નોટિસ કરી છે.
ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર ગુજરાતમાં ભારત-પાકિસ્તાનની બોર્ડર પર બીએસએફ દ્વારા ૨૦૨૦માં હેરોઇનનો કોઈ જથ્થો જપ્ત કરવામાં નહોતો આવ્યો. જોકે એ પછીથી આ બોર્ડર પરથી બીએસએફ દ્વારા ડ્રગ્સ જપ્ત કરવામાં આવી રહ્યું છે. મોટા ભાગનાં કન્સાઇનમેન્ટ્સ આખરે પંજાબ પહોંચે છે. એ જ રીતે રાજસ્થાનમાં ઇન્ટરનૅશનલ બોર્ડર પર બીએસએફ દ્વારા ૨૦૨૦માં આઠ કિલો હેરોઇન રિકવર કરવામાં આવ્યું હતું. જોકે આ વર્ષના પહેલા છ મહિનામાં બીએસએફ દ્વારા આ બોર્ડર પરથી ૪૪.૫ કિલો હેરોઇન રિકવર કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં રહેલા સપ્લાયર્સ દ્વારા ડ્રોન્સનો ઉપયોગ કરીને હેરોઇન કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યા બાદ એને મેળવવા માટે પહોંચેલા કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.રાજસ્થાનમાં શ્રીગંગાનગર, બિકાનેર અને જેસલમેરમાં આ પ્રકારની મૂવમેન્ટ રેકૉર્ડ કરવામાં આવી છે.