સંઘીય સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારે ભારત સરકાર પર પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાનને જોડતા "પાયાવિહોણા અને બનાવટી આરોપો"ના આધારે હુમલાની તૈયારી કરવાનો આરોપ લગાવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાને બુધવારે દાવો કર્યો હતો કે તેને "વિશ્વસનીય ગુપ્ત બાતમી" મળી છે કે ભારત આગામી 24 થી 36 કલાકમાં તેની વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યો છે અને આમ થાય તો તેમણે નવી દિલ્હીને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, સંઘીય સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારે ભારત સરકાર પર પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાનને જોડતા "પાયાવિહોણા અને બનાવટી આરોપો"ના આધારે હુમલાની તૈયારી કરવાનો આરોપ લગાવ્યો હતો.
અહેવાલ મુજબ, તરારે ફરી એ વાત પર ભાર મૂક્યો કે પાકિસ્તાન પોતે લાંબા સમયથી આતંકવાદનો ભોગ બન્યો છે અને તેણે આતંકવાદના તમામ સ્વરૂપોની સતત નિંદા કરી છે. તેમણે કહ્યું કે ઇસ્લામાબાદે તટસ્થ નિષ્ણાતોના કમિશન દ્વારા "વિશ્વસનીય, પારદર્શક અને સ્વતંત્ર" તપાસનો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ ભારત પર આક્ષેપ પણ મૂક્યો કે તે આવી તપાસ ટાળીને અથડામણ અને યુદ્ધની દિશામાં આગળ વધી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચવા માટે પાકિસ્તાન સરકારે વૈશ્વિક સમુદાયને સતર્ક રહેવા વિનંતી કરી. પાકિસ્તાન તરફથી એવી ચેતવણી આપવામાં આવી હતી કે ભારત દ્વારા કોઈપણ લશ્કરી આક્રમણનો "નિર્ણાયક અને આત્મવિશ્વાસપૂર્વક" જવાબ આપવામાં આવશે. અહેવાલ મુજબ, પાકિસ્તાને વધુમાં કહ્યું હતું કે કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ પરિસ્થિતિ અને તેના પરિણામોની જવાબદારી "સંપૂર્ણપણે ભારતની રહેશે".
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પાર તેની ચોકીઓ પરથી નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો, જેના પગલે ભારતીય સેનાએ તાત્કાલિક અને યોગ્ય જવાબ આપ્યો. અહેવાલ મુજબ, મંગળવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં, ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાની સેનાએ જમ્મુ ક્ષેત્રના નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવી. પછીના અપડેટ્સે પુષ્ટિ આપી કે બારામુલ્લા અને કુપવાડા જિલ્લાઓ તેમજ પરગવાલ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB)ની પેલે પાર પણ આ જ પ્રકારનું યુદ્ધવિરામ ઉલ્લંઘન નોંધાયું હતું.
સેનાએ જણાવ્યું હતું કે, "૨૯-૩૦ એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સેનાના સૈનિકોએ ઝડપી અને પ્રમાણસર જવાબ આપ્યો હતો." આ ઉપરાંત, પાકિસ્તાને ઉત્તર કાશ્મીરમાં બારામુલ્લા અને કુપવાડામાં નિયંત્રણ રેખા પાર, તેમજ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પરગલવાલ સેક્ટરમાં વધારાના સ્થળોએ ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ કહ્યું કે તેના સૈનિકોએ આવા તમામ ઉલ્લંઘનોનો યોગ્ય જવાબ આપ્યો. 25-26 ની રાત્રે પાકિસ્તાની સેના દ્વારા નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કરવામાં આવ્યા પછી ભારત સાથે અસરકારક વાતચીતનો આ સતત છઠ્ઠો દિવસ છે.


