પહલગામના હુમલામાં LICના રીજનલ મૅનેજર તરીકે કામ કરતા ઘરના મોભી સુશીલ નથાનિયલનું મોત થતાં સમગ્ર પરિવાર આઘાત અને શોકમાં સરી પડ્યો છે.
૫૮ વર્ષના સુશીલ નથાનિયલ તેમનાં ૫૪ વર્ષનાં પત્ની જેનિફરનો જન્મદિવસ મનાવવા દીકરી આકાંક્ષા અને દીકરા ઑસ્ટિન સાથે પહલગામ ફરવા ગયા હતા
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં રહેતા ૫૮ વર્ષના સુશીલ નથાનિયલ તેમનાં ૫૪ વર્ષનાં પત્ની જેનિફરનો જન્મદિવસ મનાવવા દીકરી આકાંક્ષા અને દીકરા ઑસ્ટિન સાથે પહલગામ ફરવા ગયા હતા. પરિવાર કાશ્મીર ગયો છે એવી તેમના ઘરમાં બીજા કોઈને ખબર નહોતી. જોકે પહલગામના હુમલામાં LICના રીજનલ મૅનેજર તરીકે કામ કરતા ઘરના મોભી સુશીલ નથાનિયલનું મોત થતાં સમગ્ર પરિવાર આઘાત અને શોકમાં સરી પડ્યો છે.
સુશીલભાઈને આતંકવાદીઓએ બોચી પકડીને પહેલાં નામ પૂછ્યું અને પછી ઘૂંટણિયે બેસવા મજબૂર કર્યા. એ પછી તેમને કલમા પઢવા કહ્યું. સુશીલભાઈએ કહ્યું કે હું ક્રિશ્ચિયન હોવાથી કલમા નથી આવડતી. એ પછી પળનોય વિલંબ કર્યા વિના બે ગોળી તેમના માથામાં ધરબી દીધી.
ADVERTISEMENT
બાકીનો પરિવાર કઈ રીતે બચ્યો?
સુશીલભાઈ પર હુમલો થયો એ પછી પત્ની અને બે બાળકો કઈ રીતે બચ્યાં એની વાત જેનિફરે તેના જીજાજી વિકાસને ફોન પર કરી હતી. વિકાસે કહ્યું હતું કે ‘આકાંક્ષા અને ઑસ્ટિન ગેટ પાસે ઊભાં હતાં અને સુશીલને વૉશરૂમ જવું હતું. જેનિફર તેની સાથે હતી. એ જ વખતે આતંકવાદીઓએ હુમલો કર્યો. ટેરરિસ્ટોને જોઈને સુશીલે પત્નીને છુપાઈ જવા કહ્યું. એ પછી આતંકવાદીઓએ તેમને ઘૂંટણિયે પાડ્યા અને કલમા પઢવા કહ્યું. સુશીલે પોતે ક્રિશ્ચિયન હોવાનું કહ્યું, પણ પેલા માન્યા નહીં અને ગોળી મારી દીધી. બીજી તરફ ગેટ પાસેની નાસભાગમાં આકાંક્ષાના પગમાં પણ ગોળી વાગી હતી.’
આકાંક્ષાની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તે એક જ રટ લગાવીને બેઠી છે કે પપ્પાને જોવા છે. વિકાસે કહ્યું કે ‘તે ગોળી કાઢવાની સર્જરી કરાવવા પણ તૈયાર નથી. તે કોઈ પણ ભોગે પપ્પાને જોવા માગે છે.’
સુશીલ નથાનિયલનો જન્મ ઇન્દોરમાં થયો હતો. તેમનાં પત્ની જેનિફર એક સરકારી સ્કૂલમાં ટીચર છે. દીકરી આકાંક્ષા સુરતમાં બૅન્ક ઑફ બરોડામાં ક્લાસ વન અધિકારી છે અને બૅડ્મિન્ટન પ્લેયર છે.


