લોકસભામાં કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે બિલ રજૂ કરતી વખતે કહ્યું... રામનું નામ જોડતાં જ પરેશાની થઈ?
ગઈ કાલે સંસદના શિયાળુ સત્રમાં મનરેગા સ્કીમનું નામ બદલવાના વિરોધમાં વિરોધ પક્ષના નેતાઓએ ગાંધીજીની તસવીરો લઈને પ્રદર્શન કર્યું હતું.
શશી થરૂરે મનરેગા સ્કીમમાંથી મહાત્મા ગાંધીનું નામ કાઢવા પર વિરોધ નોધાવીને લાંબા અરસા પછી કૉન્ગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યો
ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગારી આપવા માટે બનાવેલી મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી સ્કીમ (મનરેગા કાયદો)ને નાબૂદ કરવા માટે કેન્દ્ર સરકારે ગઈ કાલે સંસદમાં એક નવું બિલ રજૂ કર્યું હતું. મનરેગા કાયદાના સ્થાને વિકસિત ભારત-ગૅરન્ટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) 2025 અથવા વીબી-જી રામ-જી (VB-G-RAM-G) બિલ રજૂ કરવામાં આવ્યું છે. કૃષિ અને ગ્રામીણ વિકાસપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે આ બિલ રજૂ કર્યું ત્યારે ગૃહે ધ્વનિ-મતથી મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
મનરેગાનું નામ બદલવાના બિલ પર વિપક્ષના વાંધાને પગલે શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે ‘મને ખબર નથી કે રામનું નામ ઉમેરવાથી આ લોકોને શું તકલીફ પડે છે. મહાત્મા ગાંધીએ પોતે રામરાજ્યની વાત કરી હતી અને તેમના છેલ્લા શબ્દો ‘હે રામ’ હતા. દરેક ગરીબ વ્યક્તિની પાસે રોજગાર હોવો જોઈએ અને તેના ગૌરવનું સન્માન થવું જોઈએ. આ બિલ ગરીબો, આદિવાસીઓ અને પછાત વર્ગોને રોજગાર આપવાનો હેતુ ધરાવે છે. ૧૨૫ દિવસના રોજગારની ગૅરન્ટી આપવામાં આવે છે. આ કૃષિ અને શ્રમ વચ્ચે સંતુલન સ્થાપિત કરશે. આ આખું બિલ મહાત્મા ગાંધીના ઉપદેશોને અનુરૂપ છે અને રામરાજ્ય સ્થાપિત કરવા માટે રજૂ કરવામાં આવી રહ્યું છે.’
શિવરાજ ચૌહાણે પૂછ્યું હતું કે ‘કૉન્ગ્રેસ સરકારે જવાહર રોજગાર યોજનાનું નામ પણ બદલ્યું હતું. તો શું એ પંડિત જવાહરલાલ નેહરુનું અપમાન હતું? સરકારે મનરેગા પર ૮.૫૩ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. અમે આ બિલમાં ૧૨૫ દિવસના રોજગારની ગૅરન્ટી આપી રહ્યા છીએ. આ ફક્ત ગૅરન્ટી નથી, ૧.૫૧ લાખ કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલ ગામડાંઓનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરશે.
રામનું નામ બદનામ ન કરો : શશી થરૂર
પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાનો વિરોધ રજૂ કર્યા બાદ કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે પણ મનરેગાનું નામ બદલવાના બિલને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું અને મોદી સરકાર પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આનાથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વારસાને નુકસાન પહોંચવાનો ભય છે. આવી પહેલ કૃત્રિમ વૈચારિક વિભાજન પેદા કરી રહી છે જે બિનજરૂરી છે. નામ બદલવાનાં કારણોમાં હું નહીં જાઉં, કારણ કે અગાઉના વક્તાઓએ આ મુદ્દે ઘણું કહ્યું છે.’ આ મુદ્દે શશી થરૂરે કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીનું રામરાજ્યનું વિઝન રાજનીતિક આયોજન નહોતું, સામાજિક સુધારા પર હતું. તેઓ ઇચ્છતા હતા કે દરેક ગામ સશક્ત બને અને રામરાજ્ય જેવી પરિસ્થિતિ બને. તેમનું નામ હટાવવું ખોટું છે. વળી આ બિલમાં ૪૦ ટકા ખર્ચની જોગવાઈ હવે
રાજ્ય સરકારો પર નાખવામાં આવી છે જે ખોટું છે. રાજ્ય સરકારો પાસે નાણાં નથી અને તેમના માટે સંકટની પરિસ્થિતિ ઊભી થશે.’ શશી થરૂરે દેવ આનંદની પ્રખ્યાત ફિલ્મ ‘હરે રામ હરે ક્રિષ્ના’ના એક ગીતનો ઉલ્લેખ કરીને શાસક પક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે હું બાળપણમાં ગીત ગાતો હતો, ‘દેખો ઓ દીવાનો, યે કામ ના કરો, રામ કા નામ બદનામ ના કરો.’ કૉન્ગ્રેસના સંસદસભ્યોએ પણ શશી થરૂરનું આ મુદ્દે સમર્થન કર્યું હતું. સામાન્ય રીતે કૉન્ગ્રેસથી અલગ સૂર ધરાવતા શશી થરૂરે આ મુદ્દે કૉન્ગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યો હતો.
નામ બદલવાની આ સનક સારી નથી : પ્રિયંકા ગાંધી વાડ્રા
બિલ પર બોલતાં કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે ‘સરકાર આ બિલ દ્વારા પોતાના અધિકાર વધારી રહી છે પણ ભંડોળ ઓછું કરી રહી છે. દરેક યોજનાનું નામ બદલવાની સનક સમજમાં આવતી નથી. આમ કરવામાં આવે ત્યારે સરકારને પૈસા ખર્ચ કરવા પડે છે. નવું બિલ બંધારણની મૂળ ભાવનાની વિરોધમાં છે. ૧૦૦ના બદલે ૧૨૫ દિવસ રોજગાર આપવાની વાત કરવામાં આવી છે, પણ માનદ વેતનવધારા પર કોઈ વાત કરવામાં આવી નથી.’ મહાત્મા ગાંધીનું નામ યોજનામાંથી હટાવવાના મુદ્દે પણ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વિરોધ કર્યો હતો ત્યારે BJPના કેટલાક સભ્યોએ કંઈ કહ્યું એટલે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધી મારા પરિવારના નહોતા, પણ તેઓ પરિવારના મેમ્બર જેવા જ હતા. એક વ્યક્તિની સનકના આધારે કોઈ પણ યોજનામાં બદલાવ કરવો જોઈએ નહીં. મારું સૂચન છે કે પહેલાં સંસદમાં ચર્ચા થાય અને પછી જરૂરી સૂચનોને સામેલ કરીને નવું બિલ લાવવામાં આવે.’


