યોગી આદિત્યનાથ સરકારે અયોધ્યામાં રામભક્તો માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે
યોગી આદિત્યનાથની ફાઇલ તસવીર
યોગી આદિત્યનાથ સરકારે અયોધ્યામાં રામભક્તો માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રામપથ, ધર્મપથ અને પંચકોસી પરિક્રમા માર્ગ જેવાં પવિત્ર સ્થળોએ માંસાહારી વસ્તુઓના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીં શરાબના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ મુદ્દે પ્રશાસને કડક પગલાં લીધાં છે અને માંસાહારી અને દારૂની દુકાનો ૭ દિવસમાં બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. અયોધ્યા સુધરાઈના આ નિર્ણય બાદ ધર્મપથ, રામપથ, ૧૪ કોસી અને પંચકોસી પરિક્રમા રૂટ પર હવે માંસાહારી ચીજો વેચી શકાશે નહીં.
ADVERTISEMENT
આ મુદ્દે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિર્દેશ પર અયોધ્યાના ફૂડ ડેપ્યુટી કમિશનર તેમની ટીમ સાથે ૧૩ કિલોમીટર લાંબા રામપથ વિસ્તારમાં પહોંચ્યા હતા અને માંસાહારી દુકાનદારોને ૭ દિવસમાં બંધ કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. જો આદેશનું પાલન નહીં થાય તો તેમણે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. સુધરાઈના આ નિર્ણય પછી માંસાહારી દુકાનદારો પણ શાકાહારી ખોરાક વેચવાની વાત કરતા જોવા મળ્યા હતા. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં રામપથ અને એની આસપાસના વિસ્તારોમાં ફક્ત શાકાહારી સંસ્કૃતિ જ જોવા મળશે.
સરકારનો ઇરાદો શું છે?
રામનગરી અયોધ્યામાં હવે રામાયણકાળનાં દૃશ્યો જીવંત દેખાય છે. રામનગરી હવે સંપૂર્ણપણે સાત્ત્વિક વાતાવરણ મળી રહે એ રીતે આગળ વધી રહી છે. આ પરિવર્તન ભક્તોને માત્ર પવિત્ર અને આધ્યાત્મિક અનુભવ જ નહીં આપે, પરંતુ વૈશ્વિક સ્તરે અયોધ્યાને સાત્ત્વિક અને સાંસ્કૃતિક શહેર તરીકે સ્થાપિત કરવામાં પણ મદદ કરશે.

