NIA દ્વારા મુઝમ્મિલની શરૂઆતની પૂછપરછમાં હુમલામાં તેની સીધી સંડોવણી જોવા મળી નહોતી
ઝિપલાઇન ઑપરેટર
પહલગામ આતંકવાદી હુમલા દરમ્યાન અલ્લાહુ અકબર બોલતો સંભળાયેલા એક ઝિપલાઇન ઑપરેટરની મંગળવારે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
૨૨ એપ્રિલે અમદાવાદના ઋષિ ભટ્ટે રેકૉર્ડ કરેલા વિડિયોમાં ઝિપલાઇન ઑપરેટર મુઝમ્મિલને ત્રણ વખત અલ્લાહુ અકબર બોલતાં સાંભળવામાં આવ્યો હતો. NIAના સૂત્રોએ જણાવ્યું હતું કે મુઝમ્મિલ દ્વારા કોઈ આઘાતજનક વાત પર કુદરતી પ્રતિક્રિયા હતી અને એ હિન્દુઓ દ્વારા ‘હે રામ’ બોલવા જેવી જ હતી.
NIA દ્વારા મુઝમ્મિલની શરૂઆતની પૂછપરછમાં હુમલામાં તેની સીધી સંડોવણી જોવા મળી નહોતી, પરંતુ ગોળીબાર શરૂ થયા પછી તેણે પ્રવાસીને ઝિપલાઇન પર કેમ છોડી દીધો એ પૂછવામાં આવ્યું ત્યારે ઝિપલાઇન ઑપરેટરે અલગ-અલગ નિવેદનો આપ્યાં હતાં. આ ઘટનામાં તેની કોઈ સંડોવણી છે કે નહીં એ માટે તેની ફરીથી પૂછપરછ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ વિડિયો વાઇરલ થયા પછી પ્રવાસી ઋષિ ભટ્ટે આરોપ લગાવ્યો હતો કે ઑપરેટરે ત્રણ વખત અલ્લાહુ અકબર કહ્યું અને પછી ગોળીબાર શરૂ થયો. હુમલા પહેલાં મુઝમ્મિલની ઝિપલાઇનમાં જનાર ઋષિ ભટ્ટ છેલ્લી વ્યક્તિ હતી. આ ક્રૂર આતંકવાદી હુમલો અને ઝિપલાઇન ઑપરેટરના અલ્લાહુ અકબરના નારા બન્ને ઋષિ ભટ્ટના કૅમેરામાં રેકૉર્ડ થયા હતા.
ઝિપલાઇન ઑપરેટરના ભાઈ મુખ્તારે પણ પોતાના ભાઈની નિર્દોષતા પર ભાર મૂક્યો હતો. તેણે કહ્યું હતું કે મુઝમ્મિલ ખતરાના પહેલા સંકેત પર જ પોતાનો જીવ બચાવવા માટે ભાગી ગયો હતો અને તેમને હુમલાની કોઈ પૂર્વ જાણકારી નહોતી.

