News In Shorts : ભારતમાં ચાર નવી વિદેશી યુનિવર્સિટીને કૅમ્પસ મળશે, નાગપંચમીની ઉજવણી
વરસાદમાં માથે છત્રી કે છત નહીં હોવા છતાં પણ ફરજ બજાવી રહેલા ટ્રાફિક-પોલીસ કર્મચારી ધર્મવીરનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો
જયપુરના સાંગાનેર ચોકમાં વરસતા વરસાદમાં માથે છત્રી કે છત નહીં હોવા છતાં પણ ફરજ બજાવી રહેલા ટ્રાફિક-પોલીસ કર્મચારી ધર્મવીરનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. જ્યારે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે શહેરની ટ્રાફિક-વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી ત્યારે કૉન્સ્ટેબલ ધર્મવીરે મોસમની પરવા કર્યા વિના ભારે વરસાદ વચ્ચે પણ ડ્યુટી બજાવી હતી. ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અજયપાલ લાંબાએ પણ કૉન્સ્ટેબલ ધર્મવીરનો વિડિયો પણ શૅર કર્યો હતો.
બિહારમાં મતદારયાદીના રિવિઝનમાં મોટા પાયે નામ બાકાત થશે તો અમે હસ્તક્ષેપ કરીશું : સુપ્રીમ કોર્ટ
ADVERTISEMENT
ચૂંટણીપંચને કાયદા અનુસાર કાર્ય કરવા માટે બંધારણીય સત્તા છે એમ જણાવીને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે જો બિહારમાં મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં મોટા પાયે લોકોનાં નામ બાકાત કરવામાં આવશે તો એ તાત્કાલિક દખલગીરી કરશે.
બિહારમાં ચૂંટણીપંચની SIR કવાયતને પડકારતી અરજીઓના બૅચ પર વિચાર કરવા માટે સુપ્રીમ કોર્ટની બેન્ચે સમયમર્યાદા નક્કી કરીને કહ્યું હતું કે આ મુદ્દા પર સુનાવણી ૧૨ અને ૧૩ ઑગસ્ટે થશે. આ મુદ્દા પર ભાર મૂકતાં અરજદારોને એવા ૧૫ લોકોને લાવવા જણાવ્યું હતું જેમને SIRમાં મૃત્યુ પામેલા કહેવામાં આવ્યા છે, પણ તેઓ જીવંત છે.
ભારતમાં ચાર નવી વિદેશી યુનિવર્સિટીને કૅમ્પસ મળશે
ઑસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી અને યુનાઇટેડ કિંગડમની બ્રિસ્ટલ યુનિવર્સિટી સહિત ચાર વધુ ટોચની વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં કૅમ્પસ સ્થાપશે. મંગળવારે નૅશનલ એજ્યુકેશન પૉલિસી (NEP) 2020ની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2025ના ઉદ્ઘાટન સત્ર દરમિયાન આ સંદર્ભમાં સંસ્થાઓને ઇન્ટેન્ટ લેટર્સ સોંપવામાં આવ્યા હતા. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
આ ચાર સંસ્થાઓમાં વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી અને વિક્ટોરિયા યુનિવર્સિટીનો સમાવેશ થાય છે, જે બન્ને અનુક્રમે ગ્રેટર નોએડા અને નોએડામાં કૅમ્પસ સ્થાપશે. એવી જ રીતે ઑસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી બૅન્ગલોરમાં અને યુનાઇટેડ કિંગડમની બ્રિસ્ટલ યુનિવર્સિટી મુંબઈમાં કૅમ્પસ શરૂ કરશે.
આ નવીનતમ જાહેરાત સાથે ભારતમાં સ્થાપિત અથવા પ્રસ્તાવિત કૅમ્પસ ધરાવતી વિદેશી યુનિવર્સિટીઓની કુલ સંખ્યા ૧૩ થઈ ગઈ છે.
ન્યુ યૉર્કના મૅનહટનમાં કૉર્પોરેટ બિલ્ડિંગ પર ફાયરિંગ ચાર જણનાં મોત, હુમલાખોરની આત્મહત્યા
સોમવારે સાંજે મિડટાઉન મૅનહટનમાં પાર્ક ઍવન્યુ પર કૉર્પોરેટ ઑફિસ બિલ્ડિંગ પાસે બંદૂકધારીએ કરેલા ગોળીબારમાં એક પોલીસ-અધિકારી સહિત ચાર જણનાં મૃત્યુ થયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે મિડટાઉન મૅનહટનમાં થયેલા ગોળીબારમાં ન્યુ યૉર્ક પોલીસ વિભાગના અધિકારી સહિત ચાર જણે જીવ ગુમાવ્યા હતા. ત્યાર બાદ શંકાસ્પદ બંદૂકધારીએ આત્મહત્યા કરી લીધી હોય એવું લાગે છે.
ભારતમાં પૂરનું જોખમ ધરાવતા વિસ્તારોમાં ૬૦ કરોડથી વધુ લોકો રહે છે
એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ૧૫.૮ કરોડથી વધુ ઝૂંપડપટ્ટીમાં રહેનારા ૬૦ કરોડ લોકો પૂરનું જોખમ ધરાવતા વિસ્તારોમાં આવેલાં મકાનોમાં રહે છે, જેમાંથી મોટા ભાગના લોકો ગંગા નદીના વિસ્તારમાં કેન્દ્રિત છે. સૅટેલાઇટ તસવીરો અને પૂરનું જોખમ ધરાવતા વિસ્તારોના નકશામાંથી મેળવવામાં આવેલી માહિતીના આધારે આ આંકડો જણાવવામાં આવ્યો છે.
પૂરની ઘટનાઓ વિશ્વભરમાં એક મોટો ખતરો છે. ૨૦૨૪ના અહેવાલ મુજબ દર વર્ષે ૨.૩ અબજથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત બને છે. ભારતમાં વિશ્વમાં સૌથી વધુ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો છે. ભારતમાં ૬૦ કરોડ લોકો દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહે છે જ્યાં પૂરનો ખતરો છે. સાઉથ એશિયામાં ભારત ઉપરાંત બંગલાદેશ, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં પણ આ પ્રકારે ઘણા લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે.
નાગપંચમીની ઉજવણી


ગઈ કાલે પ્રયાગરાજમાં અને રાંચીમાં નાગપંચમી નિમિત્તે નાગદેવતાના આશીર્વાદ લેતા લોકો.
વાઘ આવ્યો રે વાઘ


તસવીર : શાદાબ ખાન

ગઈ કાલે ઇન્ટરનૅશનલ ટાઇગર ડે નિમિત્તે ભાયખલાના રાણીબાગમાં રૉયલ બેન્ગૉલ ટાઇગ્રેસ શક્તિ જળક્રીડા કરતી જોવા મળી હતી અને વિઝિટર્સે એને જોવાનો લહાવો લીધો હતો.


