Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

17 October, 2021 11:12 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મનમોહન સિંહને ડેન્ગી, તબિયત હવે સુધારા પર; નરેન્દ્ર મોદી પાંચમી નવેમ્બરે કેદારનાથ જશે; અને વધુ સમાચાર

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


મનમોહન સિંહની તબિયત હવે સુધારા પર

નવી દિલ્હી : ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને ડેન્ગી થયો હોવાનું નિદાન કરાયું છે. જોકે હવે તેમનું સ્વાસ્થ્ય સારું છે એમ એઇમ્સના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું. 



૮૯ વર્ષના કૉન્ગ્રેસી નેતાને તાવને કારણે આવેલી નબળાઈની ફરિયાદને પગલે બુધવારે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં તેમને ડેન્ગીનો રોગ થયાનું નિદાન કરાયું હતું. જોકે તેમના પ્લેટલેટ્સના કાઉન્ટ વધતાં હવે તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે. ડૉક્ટર મનમોહન સિંહને હૉસ્પિટલમાં કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં ખાનગી વૉર્ડમાં ડૉક્ટર નીતિશ નાયકના વડપણ હેઠળની કાર્ડિયોલૉજિસ્ટની ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે તેમની મુલાકાત લઈ સ્વાસ્થ્યની પૃચ્છા કરતી વખતે પોતાની સાથે ફોટોગ્રાફરને પણ લઈ ગયા હતા.


 

નરેન્દ્ર મોદી પાંચમી નવેમ્બરે કેદારનાથ જશે


દહેરાદૂન : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી નવેમ્બરે કેદારનાથની મુલાકાત લઈ પ્રાર્થના કરશે તેમ જ ૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા કેદારપુરી પુન:બાંધકામ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. એક મહિનામાં ઉત્તરાખંડની આ તેમની બીજી મુલાકાત છે. વડા પ્રધાને તેમની સાતમી ઓક્ટોબરની મુલાકાત દરમ્યાન ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરવા ઋષિકેશમાં એઇમ્સની મુલાકાત લીધી હતી. નવેમ્બર મહિનામાં વડા પ્રધાનની કેદારનાથ ધામની મુલાકાતની વાતનું સમર્થન કરતાં મુખ્ય પ્રધાન પુષ્કર ધામીએ કહ્યું હતું કે હિમાલયમાં આવેલા કેદારનાથ મંદિરમાં પ્રાર્થના કરવા ઉપરાંત આદિગુરુ શંકરાચાર્યની સમાધિનું પુન:બાંધકામ તેમ જ ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થનારા કેદારપુરી પુન:બાંધકામ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત તેઓ ૧૫૦ કરોડના ખર્ચે તૈયાર થનારા કેદારપુરી પુન:બાંધકામ પ્રોજેક્ટના બીજા તબક્કાનું શિલાન્યાસ પણ કરશે.

૨૦૧૪માં વડા પ્રધાન બન્યા બાદ વડા પ્રધાન મોદીએ અનેક વાર કેદારનાથની મુલાકાત લીધી છે જોકે ગયા વર્ષે મહામારીને કારણે તેઓ કેદારનાથ આવી શક્યા નહોતા.

 

જાન્યુઆરીથી દર મહિને ભારત પાસે કોરોના વૅક્સિનના ૩૦ કરોડ ડોઝ હશે

નવી દિલ્હી : ભારત પાસે આ મહિને કુલ ૨૮ કરોડ કોવિડ વૅક્સિનનો ડોઝ છે, જેમાંથી ૨૨ કરોડ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવિશીલ્ડના ૬ કરોડ ડોઝ ભારત બાયોટેકની કોવાક્સિનના છે અને આ ઉપરાંત ૬૦ લાખ ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીના ડોઝીસનું ઉત્પાદન તૈયાર હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આવતા વર્ષથી પ્રત્યેક મહિને ભારત ૩૦ કરોડ વૅક્સિન પ્રાપ્ત કરશે. જેમાં કોવિશીલ્ડ, કોવાક્સિન, ઝાયકોવ-ડી અને બાયોલોજિકલ-ઈ તમામ વૅક્સિનનો ફાળો રહેશે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી વૅક્સિનના ૬૦ લાખ ડોઝનું ઉત્પાદન તૈયાર છે તેમ જ બાયોલોજિકલ-ઈ નવેમ્બર મહિનાના અંત સુધીમાં તેની ત્રીજા તબક્કાની ટ્રાયલની આંકડાકીય વિગતો પૂરી પાડશે. બાયોલૉજિકલ-ઈ કોવિડ-19 વૅક્સિન બનાવનારી ત્રીજી ભારતીય કંપની છે. કંપનીએ વૅક્સિનના ડોઝનો સંગ્રહ કરવાની શરૂઆત કરી છે.

બાયોલૉજિકલ-ઈ ૩૦ કરોડ ડોઝ ઉપલબ્ધ કરશે તથા કોવિડ વૅક્સિન તૈયાર કરનારી દેશની ચોથી કંપની જેનોવા હાલમાં તેની એમઆરએનએ વૅક્સિનની ટ્રાયલ કરી રહી છે. જેનોવાની એમઆરએનએ વૅક્સિનના ડોઝ ફેબ્રુઆરીથી મળવા અપેક્ષિત છે.

 

ગીર પ્રવાસીઓ માટે સિંહદર્શન શરૂ કરાયું

જૂનાગઢ : જૂનાગઢના ગીર અભયારણ્યમાં પ્રથમ દિવસે સિંહદર્શન માટે પ્રવાસીઓની ભીડ જોવા મળી. ગીરના સાવજનું વેકેશન પૂર્ણ થતાં આજથી સિંહદર્શનની શરૂઆત થઈ જેમાં પ્રથમ દિવસે જ ૧૫૦થી વધુ પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું છે. ૧૬ જૂનથી ૧૫ ઑક્ટોબર સુધી અભયારણ્ય બંધ રહ્યું હતું, પરંતુ આજથી ફરી સિંહદર્શન શરૂ થતાં પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. સિંહદર્શનનો લહાવો લેવા આવતા પ્રવાસીઓએ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો સાથે દિવાળીની રજાઓમાં સિંહદર્શનની મજા માણવા સહેલાણીઓ ઍડ્વાન્સ બુકિંગ કરી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારમાં વધુ પ્રવાસીઓ ઊમટે એવો અંદાજ છે.

હાલ તો ગીર પંથકમાં સારા વરસાદ બાદ અભયારણ્યમાં સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ વચ્ચે પ્રવાસીઓ સિંહદર્શનનો આનંદ માણી રહ્યા છે. સાસણ ગીર, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહદર્શનને લીલી ઝંડી આપવામાં આવી.

 

ઇંગ્લૅન્ડના સંસદસભ્યની સરેઆમ હત્યા છે ટેરર ઍક્ટ : પોલીસ

લંડન : ઈંગ્લૅન્ડમાં લાંબા ગાળાથી સંસદમાં સભ્ય તરીકે કામ કરી રહેલા સંસદસભ્યની એક મીટિંગ દરમ્યાન સરેઆમ હત્યાને પોલીસે આતંકી કૃત્ય ગણાવ્યું છે. મેટ્રોપોલિટન પોલીસે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે સાંસદની હત્યાના કેસમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓની સંભવિત ભૂમિકા શોધવાની દિશામાં તપાસ ચાલી રહી છે. જોકે પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસ પરથી હુમલાખોર એકલો જ કામ કરતો હોવાનું જણાયું છે.

ગત શુક્રવારે કન્ઝર્વેટિવ પક્ષના સાંસદ ડેવિડ અમીઝ પર એક મેથોડિસ્ટ ચર્ચમાં મીટિંગ દરમ્યાન હુમલો થયો હતો. હુમલાખોરે ચાકુથી ડેવિડ પર ભયંકર ઘા કર્યા હોવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના લંડનથી આશરે ૬૨ કિલોમીટર જેટલા દૂરના નગરમાં બની હતી. ડૉક્ટરોએ સાંસદને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળ નહોતા થયા. પોલીસે આરોપીને તેના ચાકુ સાથે પકડી લીધો હતો.

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2021 11:12 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK