News in Shorts: પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં આંદોલનકારીઓએ સરકારને આપ્યું ૪૮ કલાકનું અલ્ટીમેટમ; વેનેઝુએલામાં ધરતીકંપનો મરણાંક વધીને ૩૮૮૯ અને વધુ સમાચાર
તસવીર સૌજન્યઃ એજન્સી
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ૧૮ મહિનાના બાળક આરવને વારંવાર જમીન પર પછાડીને મારી નાખનારા જિતેન્દ્ર પાઠક ઉર્ફે વિરાજને ફિરોઝાબાદ જિલ્લા અને સત્ર અદાલતે ફાંસીની સજા ફટકારી હોવાનું સરકારી વકીલે જણાવ્યું હતું. જિલ્લા ન્યાયાધીશ ડૉ. બબ્બુ સારંગે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. પોલીસે આ કેસમાં માત્ર ૬ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને કોર્ટે ૪૦ દિવસે એનો ચુકાદો અનામત રાખીને ૪૧મા દિવસે ચુકાદો સંભળાવ્યો હતો. આરોપી આરવની માતાને એકતરફી પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો અને તેને આરવ આડખીલીરૂપ લાગતો હોવાથી તેની હત્યા કરી દીધી હતી. આ ગુનો ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થયો હતો.
થાર દ્વારા ગંગા નદી પાર કરવાનો સ્ટન્ટ ભારે પડ્યો, કાર ફસાઈ ગઈ
ADVERTISEMENT

ઉત્તરાખંડના હરિદ્વારમાં બે માણસોએ ઉત્તર પ્રદેશમાં રજિસ્ટર થયેલી થાર કારથી ગંગા નદી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો પણ પાણીનું સ્તર અચાનક વધી જતાં તેઓ કાર સાથે ફસાઈ ગયા હતા. તેમને ફસાયેલા જોઈને સ્થાનિક રહેવાસીઓ બચાવ માટે દોડી આવ્યા હતા અને તેમને અને વાહનને સફળતાપૂર્વક સુરક્ષિત સ્થળે ખેંચી લીધું હતું. પોલીસે કહ્યું હતું કે આ કૃત્ય સાથે સંડોવાયેલા લોકો તેમના અને અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકે છે. આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.
સરકારે નિયમ બદલ્યો, ૧૨ ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી તમામ દવાઓ માટે હવે પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત
કેન્દ્ર સરકારે ૧૨ ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓના વેચાણને નિયંત્રિત કરતા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ૧૨ ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓ ખરીદવા માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત છે. ભારત સરકારે ૧૨ ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓને શેડ્યુલ H1 શ્રેણીમાં મૂકી છે. શેડ્યુલ H1 શ્રેણીમાં મુકાયેલી દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદી શકાતી નથી. ઉપરાંત આ દવા વેચતા દુકાનદારોએ વેચાણ-રેકૉર્ડ જાળવવા પડશે. નવા સુધારા હેઠળ ૧૨ ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી અને ૩૦ મિલીલીટરથી વધુના પૅક અથવા બૉટલમાં વેચાતી બધી ઓરલ દવાઓ શેડ્યુલ H1 હેઠળ આવશે. સરકારના આ નિર્ણયની સીધી અસર ઘણાં કફ સિરપ અને ટૉનિક પર પડશે, કારણ કે કફ સિરપમાં આલ્કોહોલ હોય છે. આલ્કોહોલ આધારિત દવાઓનો વ્યાપકપણે નશા તરીકે ઉપયોગ થાય છે.
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં આંદોલનકારીઓએ સરકારને આપ્યું ૪૮ કલાકનું અલ્ટીમેટમ
પાકિસ્તાની રેન્જર્સના ગોળીબારમાં વધુ બે લોકોનાં મૃત્યુ પછી તંગદિલી વધી, ૧૫ જુલાઈએ મુઝફ્ફરાબાદ તરફ કૂચ. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં પાકિસ્તાની રેન્જર્સે ક્રૂરતાની બધી હદો પાર કરીને રાવલાકોટમાં ગુરુવારે બપોરે એકઠા થયેલા બે હજાર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરતાં બે જણનાં મૃત્યુ થયાં હતાં અને ૧૩ ઘાયલ થયા હતા. આ ગોળીબાર સાથે PoKમાં પાકિસ્તાની સેનાના ગોળીબારમાં મૃત્યુઆંક ૬૧ પર પહોંચી ગયો છે. આ ઘટના બાદ જમ્મુ-કશ્મીર જૉઇન્ટ આવામી અૅક્શન કમિટી (JAAC)એ પાકિસ્તાન સરકારને એની ૩૮ મુદ્દાની માગણીઓનો ઉકેલ લાવવા માટે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જો કોઈ કાર્યવાહી નહીં થાય તો મોટાં વિરોધ-પ્રદર્શનોની જાહેરાત કરવામાં આવી છે. ૧૫ જુલાઈએ વિરોધીઓ રાજધાની મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરશે.
વેનેઝુએલામાં ધરતીકંપનો મરણાંક વધીને ૩૮૮૯
બે અઠવાડિયાં પહેલાં ૨૪ જૂને વેનેઝુએલામાં આવેલા શક્તિશાળી બે ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ઓછામાં ઓછો ૩૮૮૯ થઈ ગયો છે. ગુરુવારે પ્રકાશિત થયેલા એક સરકારી અહેવાલમાં જણાવાયું છે કે ૭.૨ અને ૭.૫ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ ૧૭,૦૦૦ લોકો ઘાયલ થયા હતા, જ્યારે લગભગ ૧૮,૦૦૦ લોકોએ પોતાનાં ઘર ગુમાવ્યાં હતાં.
હવે અમેરિકામાં ટ્રમ્પના નામે ઍરપોર્ટ, પામ બીચ ઍરપોર્ટનું નામ બદલાયું
અમેરિકામાં ફ્લૉરિડાના પામ બીચ ઇન્ટરનૅશનલ (PBI) ઍરપોર્ટનું સત્તાવાર નામ બદલીને ‘પ્રેસિડન્ટ ડોનલ્ડ જે. ટ્રમ્પ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ’ રાખવામાં આવ્યું છે. આ પગલાને મહાન સન્માન તરીકે ઊજવતાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પામ બીચના રહેવાસીઓનો તેમના સમર્થન બદલ આભાર માન્યો અને કહ્યું કે ઍરપોર્ટનું અદ્ભુત નવીનીકરણ કરવામાં આવશે.
વર્લ્ડ કપમાં મોરોક્કો પર ફ્રાન્સની જીત બાદ યુરોપમાં હિંસા ફાટી નીકળી, ફુટબોલચાહકોએ અરાજકતા મચાવી
ફ્રાન્સ સામે 2-0થી હાર થયા બાદ મોરોક્કોની ફુટબૉલ વર્લ્ડ કપની સફર સમાપ્ત થઈ એને પગલે યુરોપના કેટલાક ભાગોમાં અશાંતિ જોવા મળી હતી. ફ્રાન્સની રાજધાની પૅરિસમાં વિજય બાદ શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે લંડનમાં હિંસા ફાટી નીકળી હતી. ફુટબૉલ ચાહકોનાં મોટાં ટોળાં રસ્તાઓ પર ઊતરી આવ્યાં હતાં, જે નિયંત્રણ બહાર નીકળી ગયાં હતાં. બ્રિટિશ રાજધાની લંડનમાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. મોરોક્કોના ચાહકોએ રસ્તામાં પોલીસવાહનો પર હુમલો કર્યો હતો અને પોલીસને નિશાન બનાવ્યા હતા.
