અધિકારીઓએ સ્થિતિની ગંભીરતાને જોતાં તરત કાર્યવાહી કરીને ફક્ત ૧૦ મિનિટમાં પાઇપલાઇનનું પ્રેશર ઓછું કરી દીધું હતું
પાઇપ લાઇન ફાટી
તેલંગણના સંગારેડ્ડી જિલ્લાના સદાશિવપેટ વિસ્તારમાં પાણીની એક પાઇપલાઇન ફાટી ગઈ હતી. આ ઘટનાને પગલે હડકંપ મચી ગયો હતો. પાઇપલાઇન ફાટ્યા બાદ પાણીનો વિશાળ ફુવારો થતો જોવા મળ્યો હતો. હાઈ પ્રેશરને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યું હતું અને લોકો ડરી ગયા હતા. અધિકારીઓએ સ્થિતિની ગંભીરતાને જોતાં તરત કાર્યવાહી કરીને ફક્ત ૧૦ મિનિટમાં પાઇપલાઇનનું પ્રેશર ઓછું કરી દીધું હતું, જેનાથી પાણી ધીમે-ધીમે રોકાઈ ગયું હતું.
અમેરિકાના ફટકા પછી ભારત સાથે વેપાર વધારવાની ચીનની તૈયારી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની ટૅરિફના દબાણ વચ્ચે ચીન ભારત સાથે કરાર કરવા ઉતાવળ કરી રહ્યું છે. ચીન હવે ભારત સાથે વધુ સારા આર્થિક સંબંધ સ્થાપિત કરવા ઇચ્છે છે. ભારતમાં ચીની રાજદૂત જૂ ફેઇહોંગે કહ્યું હતું કે ‘ચીન વધુ ભારતીય પ્રીમિયમ નિકાસનું સ્વાગત કરે છે અને પોતાનાં વિશાળ ગ્રાહક બજારનો લાભ લેવા ભારતીય વ્યવસાયોને મદદ કરવા માટે તૈયાર છે. અમને આશા છે કે ભારત આર્થિક અને વ્યાપારિક ક્ષેત્રમાં ચીનની ચિંતાઓને ગંભીરતાથી લેશે અને ચીની ઉદ્યોગો માટે ન્યાયી, પારદર્શક અને ભેદભાવ રહિત વ્યવસાયિક વાતાવરણ પૂરું પાડશે.’
ADVERTISEMENT
ઈસ્ટર સન્ડે માટે પુતિને કરી યુદ્ધવિરામની જાહેરાત, યુક્રેનને હાકલ કરી અનુસરવાની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ યુદ્ધવિરામ શનિવારે મૉસ્કોના સમયાનુસાર સાંજે ૬ વાગ્યાથી ઈસ્ટર સન્ડેની મધરાત સુધી લાગુ હશે. આ નિર્ણય ઈસ્ટરના તહેવાર દરમ્યાન માનવીય રાહત અને શાંતિના પ્રયાસો હેઠળ લેવાયો હતો.
પુતિને એક સંબોધનમાં કહ્યું હતું કે ‘અમને વિશ્વાસ છે કે યુક્રેન પણ રશિયા દ્વારા જાહેર કરાયેલા યુદ્ધવિરામના ઉદાહરણનું અનુસરણ કરશે. માનવીય આધાર પર રશિયા ઈસ્ટર યુદ્ધવિરામની જાહેરાત કરે છે. હું આ સમય માટે તમામ સૈન્ય ગતિવિધિઓ રોકવાનો આદેશ આપું છું.’ જોકે પુતિને સેનાપ્રમુખને નિર્દેશ આપ્યો છે કે યુદ્ધવિરામ દરમ્યાન જો યુક્રેન નિયમોનું પાલન ન કરે અથવા ઉલ્લંઘન કરે તો સેનાએ આક્રમક કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએ.
અફઘાનિસ્તાનમાં ૫.૮ની તીવ્રતાનો ધરતીકંપ, દિલ્હી સુધી ધરા ધ્રૂજી ઊઠી
અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સીમાક્ષેત્રમાં શનિવારે બપોરે ૫.૮ની તીવ્રતાના ભૂકંપથી ઉત્તર ભારતમાં અનેક ભાગોમાં હળવાથી મધ્યમ ઝટકાનો અનુભવ થયો હતો. કાશ્મીર ઘાટી અને દિલ્હી-NCRમાં બપોરે ૧૨.૧૭ વાગ્યે ધરા ધ્રૂજી હતી. નૅશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી (NCS) અનુસાર ભૂકંપની ઊંડાઈ જમીનથી ૮૬ કિલોમીટર નીચે નોંધાઈ હતી અને એનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન બૉર્ડર વિસ્તારમાં હતું. આ વિસ્તાર પહેલેથી જ ભૂકંપને લઈને સંવેદનશીલ માનવામાં આવે છે. ભૂકંપને લઈને કોઈ જાનહાનિ થઈ નથી.


