મોદી ૭૫ ટકા રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને વધુ સમાચાર
હિતેન્દ્ર નાણાવટી
ગુજરાત ઑટોમોબાઇલ ફેડરેશનમાં ચૅરપર્સન નિમાયા હિતેન્દ્ર નાણાવટી
સુરત : નાણાવટી મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર હિતેન્દ્ર નાણાવટીની ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન્સના ગુજરાત શાખાના રાજ્યના ચૅરપર્સન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક ૨૦૨૨-’૨૪ના વર્ષ માટે છે. આ ફેડરેશનના પ્રેસિડન્ટ મનીષ રાજ સિંઘાણિયા, વાઇસ પ્રેસિડન્ટ સી. એસ. વિજ્ઞેશ્વર, સેક્રેટરી સાઈ ગિરિધર તેમ જ ટ્રેઝરર અમર જતીન શેઠ છે.
ADVERTISEMENT
આપનાં વચનો ચાઇનીઝ માલ જેવાં: સી. આર. પાટીલ
અમદાવાદ : દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે વાઇબ્રન્ટ વીવર્સ એક્સ્પોના ઉદ્ઘાટન સમારોહમાં ગઈ કાલે ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આક્ષેપ કરતાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની ગૅરન્ટીને ચાઇનીઝ માલ જેવી ગણાવીને કહ્યું હતું કે ‘પેલા ચાઇનીઝ માલ જેવું છે, ધોયા સો રોયા એવું કામ છે. વિશ્વાસ કરશો તો ફસાઈ જશો.’ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ વીજળી, શિક્ષણ, સ્વાસ્થ્ય સહિતના મુદ્દે ગૅરન્ટી આપી છે ત્યારે પાટીલે કેજરીવાલનું નામ લીધા વિના આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘બહારથી ગુજરાતમાં આવીને ખમીરવંતા ગુજરાતીઓને મફતની રાજનીતિ અને રોજગારીનાં ઠાલાં વચનોની લહાણી કરનારા સમજી જાય કે ગુજરાતી હાથ લાંબો કરે તો આપવા માટે કરે છે, કંઈ લેવા માટે નહીં.’
ગુજરાતના સીએમ આવું શા માટે બોલ્યા?
અમદાવાદ : ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે સુરતમાં ફેડરેશન ઑફ ગુજરાત વીવર્સ વેલ્ફેર અસોસિએશન દ્વારા આયોજિત ત્રણ દિવસના વાઇબ્રન્ટ વીવર્સ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેમણે એવું કંઈક જણાવ્યું જેની ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં તેમણે કહ્યું હતું કે ‘ઘણી વખત આપણને એમ થાય કે સૌથી પહેલો નંબર આપણો છે, પણ ક્યારે કોણ આગળ આવી જાય એની ખબર ન પડે.’
મોદી ૭૫ ટકા રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા : સર્વે
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ૭૫ ટકા અપ્રૂવલ રેટિંગ સાથે વિશ્વના નેતાઓમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે ટોચ પર રહ્યા હોવાનું મૉર્નિંગ કન્સલ્ટ સર્વે દ્વારા જણાવાયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મૅન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર ૬૩ ટકા સાથે બીજા ક્રમે અને ઇટલીના વડા પ્રધાન મારિયો દ્રાઘી ૫૪ ટકા સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. વિશ્વના ૨૨ ટોચના નેતાઓની આ યાદીમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડન ૪૧ ટકા રેટિંગ સાથે પાંચમા ક્રમે છે. ૩૯ ટકા રેટિંગ સાથે કૅનેડાના પ્રમુખ જસ્ટિન ટ્રુડો છઠ્ઠા ક્રમે અને ૩૮ ટકા સાથે જપાનના વડા પ્રધાન ફુમિઓ કિશિદા સાતમા ક્રમે રહ્યા છે.


