દર વર્ષે 11 નવેમ્બરને ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન અબુલ કલામ ગુલામ મુહિયુદ્દીનની જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય શિક્ષણ દિવસ’ (National Education Day) તરીકે ઊજવવામાં આવે છે.
તસવીર સૌજન્ય: ફેસબુક પેજ-મૌલાના અબુલ કલામ આઝાદ
દર વર્ષે 11 નવેમ્બરને ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન અબુલ કલામ ગુલામ મુહિયુદ્દીનની જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય શિક્ષણ દિવસ’ (National Education Day) તરીકે ઊજવવામાં આવે છે. તે મૌલાના અબુલ કલામ આઝાદ તરીકે પણ ઓળખાય છે, તેમણે 1947થી 1958 દરમિયાન 10 વર્ષથી વધુ સમય સુધી સ્વતંત્ર ભારતના શિક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમને વર્ષ 1992માં ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર (મરણોત્તર) - ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અબુલ કલામ આઝાદે ભારતના શિક્ષણ પ્રધાનનો હોદ્દો ધરાવવા ઉપરાંત પત્રકાર, સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી અને શિક્ષણવિદ તરીકેની ઘણી ભૂમિકાઓ ભજવી હતી. ભારતની શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન કરનાર દિવંગત શિક્ષણ પ્રધાન વિશે આ રહી કેટલીક એવી હકીકતો જે ખૂબ ઓછા લોકો જાણે છે.
ADVERTISEMENT
મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ સાઉદી અરેબિયામાં થયો હતો
મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ 1888માં સાઉદી અરેબિયાના મક્કામાં થયો હતો. તેમની માતા આરબ હતી અને આઝાદના પિતા, મૌલાના ખૈરુદ્દીન, અફઘાન મૂળના બંગાળી મુસ્લિમ હતા જે સિપાહી વિદ્રોહ દરમિયાન આરબ આવ્યા હતા અને મક્કા ગયા અને ત્યાં સ્થાયી થયા હતા. વર્ષ 1890માં જ્યારે અબુલ કલામ બે વર્ષના હતા ત્યારે તેઓ તેમના પરિવાર સાથે કલકત્તા પાછા આવ્યા હતા.
અબુલ કલામે હોમસ્કૂલિંગ કર્યું હતું અને તે ઘણી ભાષાઓ જાણતા હતા
આઝાદે પરંપરાગત ઇસ્લામિક શિક્ષણ મેળવ્યું હતું. તેમને ઘરે, પહેલા તેમના પિતા દ્વારા અને પછી નિયુક્ત શિક્ષકો દ્વારા શીખવવામાં આવતું હતું જેઓ પોતપોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત હતા. આઝાદ પહેલાં અરબી, ફારસી અને પછી ફિલસૂફી, ભૂમિતિ, ગણિત અને બીજગણિત શીખ્યા હતા. તેમણે સ્વ-અભ્યાસ દ્વારા અંગ્રેજી, વિશ્વ ઇતિહાસ અને રાજકારણનો પણ અભ્યાસ કર્યો હતો. આઝાદ હિન્દુસ્તાની, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ પણ જાણતા હતા.
હિંદુ-મુસ્લિમ એકતાને પ્રોત્સાહન આપવા બે સાપ્તાહિક સામયિકો ‘અલ-હિલાલ’ અને ‘અલ-બલાગ’ શરૂ કર્યા
વર્ષ 1912માં, મૌલાના અબુલ કલામ આઝાદે મુસ્લિમોમાં ક્રાંતિકારી ભરતી વધારવા માટે ઉર્દૂમાં અલ-હિલાલ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. અલ-હિલાલે મોર્લી-મિંટોના સુધારા પછી હિંદુ-મુસ્લિમ એકતા સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સરકારે અલ-હિલાલને અલગતાવાદી વિચારોના પ્રચારક તરીકે ગણ્યા અને 1914માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.
ત્યારબાદ મૌલાના અબુલ કલામ આઝાદે ભારતીય રાષ્ટ્રવાદ અને હિન્દુ-મુસ્લિમ એકતા પર આધારિત ક્રાંતિકારી વિચારોનો પ્રચાર કરવાના સમાન મિશન સાથે અલ-બાલાગ નામનું બીજું સાપ્તાહિક શરૂ કર્યું હતું. 1916 માં, સરકારે આ પેપર પર પણ પ્રતિબંધ મૂક્યો અને મૌલાના અબુલ કલામ આઝાદને કલકત્તામાંથી હાંકી કાઢ્યા અને તેમને બિહાર મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ પ્રથમ વિશ્વ યુદ્ધ 1920 પછી મુક્ત થયા હતા.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપનાર સૌથી યુવા વ્યક્તિ
મૌલાના અબુલ કલામ આઝાદે ગાંધીજી દ્વારા શરૂ કરાયેલ અસહકાર ચળવળને ટેકો આપ્યો હતો અને 1920માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. તેઓ દિલ્હીમાં કોંગ્રેસના વિશેષ સત્ર (1923)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. 35 વર્ષની ઉંમરે, તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપનાર સૌથી યુવા વ્યક્તિ બન્યા હતા.
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સ્થાપક
મૌલાના અબુલ કલામ આઝાદ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સ્થાપક સભ્યોમાંના એક હતા, જે મૂળ રૂપે 1920માં ભારતના સંયુક્ત પ્રાંતમાં અલીગઢ ખાતે સ્થાપિત કરવામાં આવી હતી.
તેઓ દેશની આધુનિક શિક્ષણ પ્રણાલીને આકાર આપવા માટે જવાબદાર છે. પ્રથમ IIT, IISc, સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સ્થાપના તેમના શિક્ષણ પ્રધાન તરીકેના કાર્યકાળ હેઠળ કરવામાં આવી હતી. સંગીત નાટક અકાદમી, લલિત કલા અકાદમી, સાહિત્ય અકાદમી તેમ જ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન સહિતની સૌથી પ્રખ્યાત સાંસ્કૃતિક, સાહિત્યિક અકાદમીઓ પણ બનાવવામાં આવી હતી.


