૨૦ દિવસથી ગાયબ જગદીપ ધનખડ માટે કપિલ સિબલે અમિત શાહને કહ્યું…
જગદીપ ધનખડ, કપિલ સિબલ
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ૨૧ જુલાઈએ અચાનક રાજીનામું આપી દીધું હતું. એ વાતને ૨૦ દિવસ થઈ ગયા છે, પણ તેમનું નામ હજી ચર્ચામાં છે. કપિલ સિબલ સહિત વિપક્ષના કેટલાક નેતાઓએ જગદીપ ધનખડ ગાયબ થઈ ગયા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કપિલ સિબલે ગઈ કાલે કહ્યું હતું કે ‘મને જગદીપ ધનખડની ચિંતા થઈ રહી છે. રાજીનામું આપ્યા પછી તેમના કોઈ ખબર નથી. મેં અત્યાર સુધી લાપતા લેડીઝ સાંભળ્યું હતું, પણ લાપતા ઉપરાષ્ટ્રપતિ વિશે પહેલી વાર સાંભળ્યું છે. મેં છેલ્લે તેમને ફોન કર્યો હતો ત્યારે તેમના પર્સનલ અસિસ્ટન્ટ (PA)એ ફોન ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે તેઓ આરામ કરી રહ્યા છે. જોકે તેમની સાથે મારી વાત થઈ નહોતી. એ પછી પણ હું તેમને ફોન કરું છું, પણ કોઈ તેમનો ફોન નથી ઉપાડી રહ્યું. બીજા નેતાઓએ ધનખડજીને ફોન કરી જોયો, પણ તેમનો ફોન કોઈ નથી ઉપાડી રહ્યું. આ આખો મામલો રહસ્યમય છે. આપણા ઉપરાષ્ટ્રપતિ સાથે અચાનક શું થઈ ગયું? તેઓ ક્યાં છે? આ વિશે ગૃહપ્રધાનને તો ખબર જ હશે. તેમણે આ વિશે નિવેદન આપવું જોઈએ. નહીં તો વિપક્ષે સાથે મળીને ઉપરાષ્ટ્રપતિની રક્ષા કરવી પડશે. શું આ માટે અમારે કોર્ટમાં હેબિયસ કૉર્પસ કરવી પડશે?’


