મધ્ય પ્રદેશના બૈતુલની પ્રખરશ્રી દીદીએ સિવિલ જજ બનવા માટેની પરીક્ષા પાસ કરી હતી, પણ કોર્ટમાં જજની ખુરસીમાં બેસતાં પહેલાં જ તેણે સંન્યાસનો માર્ગ પકડ્યો હતો
પ્રખરશ્રી દીદી
મધ્ય પ્રદેશના બૈતુલની પ્રખરશ્રી દીદીએ સિવિલ જજ બનવા માટેની પરીક્ષા પાસ કરી હતી, પણ કોર્ટમાં જજની ખુરસીમાં બેસતાં પહેલાં જ તેણે સંન્યાસનો માર્ગ પકડ્યો હતો અને તે સાધ્વી બની ગઈ હતી. પ્રખરને બાળપણથી જ આધ્યાત્મિકતામાં રસ હતો, પરંતુ તેનાં માતા-પિતાના સપનાને કારણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેણે લંડન જઈને પણ કાયદાનો અભ્યાસ કર્યો હતો.
સંન્યાસ અને વૈરાગ્યનો માર્ગ પકડવાના મુદ્દે પ્રખરશ્રી દીદીએ જણાવ્યું હતું કે ‘મારાં માતા-પિતા ઇચ્છતાં હતાં કે હું જજની પરીક્ષા પાસ કરું. મેં તેમનું આ સપનું પૂરું કર્યું હતું, પરંતુ બાળપણથી જ મારા હૃદયમાં વૈરાગ્યની ભાવના હતી. મને લાગ્યું કે જજ કે વકીલ બનવાથી સમાજની એટલી સેવા નહીં થાય જેટલી ભગવાન મહાવીર દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવાથી થશે અને તેથી મેં આ સંયમનો માર્ગ સ્વીકાર્યો છે.’
વિન્ટેજ કાર, શાહી બગીઓ દ્વારા વિદાય
રવિવારે બૈતુલના રસ્તાઓ પર ભક્તિ, ઉત્સાહ અને ત્યાગનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. જૈન દીક્ષા લેવા જઈ રહેલી બ્રહ્મચારિણી પ્રખરશ્રી દીદી સહિત પાંચ દીક્ષાર્થી બહેનોના સન્માનમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિન્ટેજ કારોનો કાફલો, પ્રભાવશાળી શાહી બગીઓ અને રાજસ્થાનના ઉદયપુરથી આવેલું બૅન્ડ આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતાં. મોટી સંખ્યામાં જૈન સમુદાયના સભ્યો અને ભક્તોએ પાંચ દીક્ષા-ઇચ્છુક બહેનોનું ફૂલમાળા અને જયઘોષ સાથે સ્વાગત કર્યું હતું. શહેરનાં વિવિધ સ્થળોએ દીક્ષાર્થી બહેનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
