પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી શ્રીનગરમાં ચાલી રહેલી મોરારીબાપુની રામકથાને પાંચમા દિવસે અટકાવ્યા બાદ બાપુએ સ્પષ્ટતા કરી
મોરારીબાપુ
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી શ્રીનગરમાં ચાલી રહેલી મોરારીબાપુની રામકથાને પાંચમા દિવસે અટકાવ્યા બાદ બાપુએ સ્પષ્ટતા કરી કે કથાને અલ્પવિરામ મળ્યો છે, પૂર્ણવિરામ તો બાકીની ચાર દિવસની રામકથા પૂરી થયા પછી જ મળશે. બાપુએ કહ્યું કે દરેક કથા પછી મેં હનુમાનજીને વિદાય આપી છે, પણ માનસ-શ્રીનગરમાંથી મેં તેમને વિદાય નથી આપી
મંગળવારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ગઈ કાલે સવારે પ્રખર રામાયણકાર મોરારીબાપુએ શ્રીનગરમાં ચાલતી તેમની ૯પપમી રામકથાને સ્થગિત કરી હતી. ‘માનસ-શ્રીનગર’ના ઉપનામ સાથે શરૂ થયેલી આ કથા ગયા શનિવારથી શરૂ થઈ હતી અને આવતા રવિવારે પૂરી થવાની હતી. મોરારીબાપુએ કહ્યું હતું કે ‘આવું પહેલી વાર નથી બન્યું. અગાઉ પણ ચાર-પાંચ વાર બન્યું છે કે કથાને વચ્ચે અટકાવવી પડી હોય. માનસ-શ્રીનગરને અટકાવવા માટે ક્યાંયથી કોઈ પ્રકારનું કહેણ નહોતું. હા, સુરક્ષા વધારવામાં આવી હતી અને એના નિયમોનું પાલન કરવાનું હતું, પણ દુઃખી મન હોય ત્યારે કથા આનંદ ન આપી શકે. રામાયણ તો પ્રેમ, સત્ય અને કરુણાની વાત કરે છે. એ આનંદ સાથે, ખુશી સાથે માણવાની હોય.’
ADVERTISEMENT
મોરારીબાપુની રામકથા જે સ્થળે હતી ત્યાંથી અંદાજે ૧૦૦ કિલોમીટર દૂર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. રામકથા સાંભળવા માટે બાપુ અને તેમના સ્નેહીજનો સાથે ગયેલા શ્રવણકારો સુરિક્ષત છે, પણ મોરારીબાપુનું કહેવું હતું કે ‘મન વિચલિત હોય એવા સમયે અટકવું જરૂરી બને છે. પાંચ દિવસની રામકથા પૂરી થઈ છે અને ચાર દિવસની હજી બાકી છે ત્યારે હું આ કથાને પૂરી થયેલી જાહેર નથી કરતો. બાકીના ચાર દિવસની રામકથા કરવા આ જ સ્થળે હું પાછો આવીશ; પણ ક્યારે એ દેશ, કાળ અને ભગવતકૃપા નક્કી કરશે.’
મોરારીબાપુ કહેતા હોય છે કે જ્યાં પણ રામકથા થાય ત્યાં હનુમાનજી અચૂક હાજરી આપતા હોય છે, જેમને બાપુ કથાની પૂર્ણાહુતિ સમયે વિદાય પણ આપતા હોય છે. જોકે માનસ-શ્રીનગરમાંથી મોરારીબાપુએ હનુમાનજીને વિદાય નથી આપી. મોરારીબાપુએ કહ્યું હતું કે ‘તેમને વિદાય ત્યારે અપાય જ્યારે આ રામકથા પૂરી થાય. હનુમાનજી ફરી આવવાનો મોકો નહીં આપે તો એ રહેશે જમ્મુ-કાશ્મીરમાં અને ત્યાંની રક્ષા કરશે.’
કથા અટકાવવાનો નિર્ણય કોણે લીધો?
રામકથા ચાલુ રાખવા માટે બાપુને તમામ જગ્યાએથી સહયોગ મળ્યો હતો. ગવર્નરથી લઈને દેશના ગૃહપ્રધાન અમિત શાહે પણ કથા ચાલુ રાખવા માટે બાપુને તમામ સહયોગ આપવાની વાત કરી હતી અને એ પછી પણ મોરારીબાપુએ રામકથા રોકી દીધી હતી. એનું કારણ સમજાવતાં મોરારીબાપુએ કહ્યું હતું કે ‘કથાનો પ્રત્યેક નિર્ણય હું વ્યાસપીઠને પૂછીને લઉં અને મને વ્યાસપીઠે કહ્યું કે બસ, આ વખતે આટલું જ. આવીશું પાછા.’

